બે-બે વાર નિષ્ફળતાં છતાં ન થઈ નાસીપાસ, ગુજરાતની યુવતી નાયબ કલેકટર બની ને જ જંપી

જીપીએસસીની પરીક્ષામાં 2 લાખ લોકોમાંથી પાસ થયેલા 15 વિદ્યાર્થીમાં નવસારીની દીકરીનું નામ આવતા પરિવારમાં ખુશી વ્યાપી ગઈ છે. આમ નવસારીની દીકરીએ નવસારીનું નામ રોશન કર્યું છે. 10 દિવસ બાદ આ દીકરીને નાયબ કલેકટર તરીકે પોસ્ટીંગ મળતા કામગીરી ચાલુ કરશે. નવસારીના ઘેલખડી વિસ્તારમાં આવેલા મુલાનંદનગર વિસ્તારમાં હરિદર્શનમાં રહેતી મનિષાબેન નારણભાઈ મનાણીએ નાનપણથી કલેકટર બનવાના સપના જોયા હતા. તેણે નાનપણમાં જ અભ્યાસમાં રૂચિ કેળવી હતી.

બિલ્ડીંગ મટિરિયલના વ્યવસાય સાથે સંકળાયેલા મનિષાના પિતા દીકરીના કલેકટર બનવાના સપના સાકાર કરવા જે જરૂર પડે તે મદદ કરતા હતા. મનિષાબેને ધોરણ-1થી 12 સુધીનો અભ્યાસ વિજલપોરમાં આવેલી સંસ્કારભારતી સ્કૂલમાં કર્યો હતો અને ત્યારબાદ આગળનો અભ્યાસ બારડોલીની માલીબા કોલેજમાં કર્યો અને ત્યાંથી બી.ફાર્મ.ની ડિગ્રી મેળવી હતી.

મનિષાએ વધુ અભ્યાસ કરવા અમદાવાદની વાટ પકડી હતી અને ત્યાં તેણે પોતાનો એમ.બી.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો અને ગાંધીનગરમાં ડીએસઓ તરીકે જોબ કરી હતી. મનિષા હાલમાં અમદાવાદમાં પતિ સાથે રહે છે. તેનું 10 દિવસ બાદ પોસ્ટીંગ નાયબ કલેકટર કક્ષાની જગ્યા પર થશે. જ્યાં હાજર થઈને સાથે યુપીએસસીની તૈયારીઓ પણ કરશે. મનિષાએ કલેકટર બનીને જ જંપશે તેવો નિર્ધાર કર્યો છે.

બેવાર નિષ્ફળ રહ્યાં બાદ ત્રીજા પ્રયત્ને સફળ
મારી બહેનના કલેકટર બનવાના સપના હતા. જેથી તેણે જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરી પણ બહેનના લગ્ન થઈ ગયા હતા. બાદમાં તેમના પતિ પ્રાઇવેટ સંસ્થામાં કામ કરતા હોવા છતાં પત્નીના સપના સાકાર કરવા મદદરૂપ થયા હતા. બહેનને બેવાર પરીક્ષામાં નિરાશા મળી તેમ છતાં હિંમત હાર્યા વિના તેણે મહેનત ચાલુ રાખી હતી. છેલ્લે લેવાયેલી પરીક્ષામાં 2 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને તેમાંથી માત્ર 15 લોકોને પસંદગી કરવામાં આવી હતી. જેમાં બહેનનો સમાવેશ થયો હતો. બહેને નાયબ કલેકટરની પરીક્ષા પાસ કરતા પરિવારમાં ખુશી વ્યાપી ગઈ છે. – જનક મનાણી, ભાઇ (તસવીર સૌજન્ય-ફેસબૂક)