12 વર્ષની ઉંમરમાં ઘરેથી ભાગ્યો, આજે સાત પેઢી ખાય તોય ખૂટે નહીં એટલા પૈસા કમાઈને ઘરે પાછો આવ્યો

લખનઉઃ કહેવત છે કે ભગવાન આપે ત્યારે છપ્પર ફાડીને આપે છે. આવું જ કંઈક ઉત્તર પ્રદેશના સાંડી વિકાસખંડના ગામ ફિરોઝપુરના એક પરિવારમાં જોવા મળ્યું હતું. ખરી રીતે આ પરિવારનો દીકરો 14 વર્ષ પહેલાં ક્યાંક ખોવાઈ ગયો હતો. આ દીકરો તાજેતરમાં માર્ચ, 2021માં પરત આવ્યો હતો. દીકરો પરત આવતા પરિવારમાં જ નહીં, આખા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સૈતિયાપુરાના મજરા ફિરોઝાપુરમાં રહેતો સરજૂ ખેત કરીને ઘર ચલાવે છે. તેમની પત્ની સીતા હાઉસવાઈફ છે. 14 વર્ષ પહેલાં સરજૂ તથા સીતાનો પુત્ર રિંકુ ઘરમાંથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો. દીકરાને શોધવા માટે સરજૂ-સીતાએ દિવસ-રાત એક કર્યા હતા. જોકે, ખોવાયેલો દીકરો મળ્યો જ નહીં. થોડાં મહિનાઓ બાદ પિતાએ કંઈક અઘટિત બન્યું હશે, તેમ કહીને મન મનાવી લીધું હતું. જોકે, માતાના મનમાં હજી પણ એમ જ હતું કે તેનો દીકરો જીવે છે.

નવાઈની વાત એ છે કે માર્ચ મહિનામાં અચાનક જ રિંકૂ પોતાના ગામડે આવ્યો હતો. હવે તો તે તદ્દન બદલાઈ ગયો હતો. જોકે, સીતાએ તરત જ પોતાના દીકરાને ઓળખી લીધો હતો. માતા તથા પરિવારની આંખમાં 14 વર્ષ બાદ રિંકૂને જોતા આંસુ આવી ગયા હતા. રિંકુએ કહ્યું હતું કે તે છેલ્લાં 14 વર્ષથી પંજાબમાં હતો. તેણે ત્યાં ટ્રક ખરીદીને બિઝનેસ શરૂ કર્યો હતો. રિંકુએ કહ્યું હતું કે ધનબાદમાં તેની એક ટ્રકનો અકસ્માત થયો હતો. તે પોતાની લક્ઝૂરિયસ કારમાં બેસીને ધનબાદ જતો હતો. જોકે, રસ્તામાં હરદોઈ આવતા તેને અચાનક બધું જ યાદ આવી ગયું હતું.

રિંકૂને તમામના નામો યાદ નહોતા. તે પોતાના પિતાનું નામ જ ભૂલી ગયો હતો. તેને ગામના સૂરત યાદવનું નામ યાદ હતું. તે ગામમાં સૌ પહેલાં સૂરત યાદવના ઘરે જ ગયો હતો. સૂરતે તેને તરત જ ઓળખી લીધો હતો. ત્યારબાદ સૂરત, રિંકૂને લઈ તેના ઘરે લઈ ગયો હતો.

નામ બદલાયું, લગ્ન પણ થઈ ગયાઃ રિંકૂએ કહ્યું હતું કે તે ભણવામાં ઘણો જ નબળો હતો. આથી તેને બધા બહુ જ બોલતા હતા. 12 વર્ષીય રિંકૂ તે સમયે નવા કપડાંની ઉપર જૂના કપડાં પહેરીને સ્કૂલે જવાનું કહીને ભાગી ગયો હતો. તે ટ્રેનમાં બેસીને લુધિયાણા પહોંચી ગયો હતો. અહીંયા તેને એક સરદારજી મળ્યા હતા. સરદારજીની ટ્રાન્સપોર્ટ કંપની હતી. અહીંયા કામ કરતાં કરતાં રિંકૂએ ટ્રક ચલાવતા શીખી હતી. ધીમે ધીમે તે ટ્રકોનો માલિક બની ગયો હતો. હવે તેની પાસે પોતાની લક્ઝૂરિયર્સ કાર છે.

પંજાબમાં રહેવાનું કારણે રિંકૂનું નામ હવે ગુરપ્રીત સિંહ થઈ ગયું છે. તે હવે પંજાબીઓની જેમ જ બોલે છે અને રહે છે. રિંકૂ આમ તો અનુસૂચિત જાતિમાંથી આવે છે. રિંકૂએ લગ્ન પણ કરી લીધા છે. તેનો પરિવાર લુધિયાણામાં રહે છે. આમ તો રિંકૂના સાસરિયા ગોરખપુરના છે. જોકે, તેઓ લુધિયાણામાં રહે છે. સરજૂ તથા સીતા દીકરાના લગ્ન થઈ ઘણાં જ ખુશ છે.

વાતચીત બાદ જ્યારે રિંકૂનો ઘરે જવાનો સમય થયો ત્યારે માતા સીતાએ કહ્યું હતું કે ભલે ગમે તે કામ કરે, પરંતુ હવે ક્યારેય પહેલાંની જેમ જતો નહીં.  જોકે, કામ હોવાથી રિંકૂ એક આખો દિવસ પણ પરિવાર સાથે રોકાઈ શક્યો નહીં. તે મોડી રાત્રે લુધિયાણા જવા રવાના થયો હતો. જોકે, રિંકૂએ પેરેન્ટ્સને વચન આપ્યું છે કે તે પરિવાને હવે ક્યારેય ભૂલશે નહીં અને ટૂંક સમમાં જ ઘરે આવશે.