પોલીસે માતાની સારવાર માટે જતાં દીકરાને પકડ્યો ને બીજી બાજું થયું માતાનું મોત

ગીર સોમનાથના વેરાવળમાં પોલીસની નિર્દયતાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વેરાવળની ખાનગી હોસ્પિટલમાંથી જનેતાને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઇ જવા પુત્ર કાજલી ગામે પૈસા લેવા ગયો હતો. પુત્ર ત્યાંથી પરત આવી રહ્યો હતો ત્યારે ટ્રાફિક પોલીસે તેનું બાઈક જપ્ત કરી લીધું. પોલીસે બાઈક ડિટેઇન કરતા પુત્ર હોસ્પિટલે મોડો પહોંચ્યો હતો અને વધુ સારવાર મળે તે પહેલા માતાનું મૃત્યું નીપજ્યું હતું. જેને લઈ લોકોમાં પોલીસ સામે રોષ જોવા મળ્યો.

આ અંગેની વિગત એવી છે કે, કાજલી ગામના શાંતિબેન ભૂપતભાઈ પરમાર વેરાવળની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. વધુ સારવાર માટે તેમને રાજકોટ લઈ જવાના હોવાથી એમ્બ્યુલન્સ સહિતના ખર્ચ માટે પુત્ર અક્ષય અને અલ્પેશને પૈસા લેવા ઘરે મોકલ્યા હતા. બંને પુત્રો ઘરેથી પૈસા લઈને બાઇક પર હોસ્પિટલે જઈ રહ્યા હતા. તે સમયે શિવ પોલીસ ચોકી પાસે પોલીસે તેમને અટકાવ્યા હતા. તેમની પાસે બાઈકને લગતા જરૂરી દસ્તાવેજો ન હોવાથી પોલીસે બાઇક ડિટેઈન કરી લીધી.

એ સમયે અક્ષયે કહ્યું હતું કે, મારી માતા હોસ્પિટલમાં હોય જેથી પૈસા લઇને મારે હોસ્પિટલે જવું છે. પરંતુ પોલીસે ટુ વ્હીલરને છોડ્યું નહોતું. જેથી બંન્ને ભાઇઓ અક્ષય અને અલ્પેશ હોસ્પિટલે સમયસર પહોંચી શક્યા નહીં. કાયદાકીય પ્રક્રિયામાં એમાં બે કલાક જેવો સમય વેડફાઈ ગયો. ઘરેથી બીજુ ટુ વ્હીલર મંગાવીને હોસ્પિટલે પહોંચ્યાં હતા. બાદમાં તેઓ માતાને લઈને રાજકોટ રવાના થયા હતા. પરંતુ રાજકોટમાં સારવાર મળે એ પહેલાં શાંતિબેનનું મૃત્યુ થયું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

બનાવની જાણ થતાં કાજલી ગામના કેટલાક લોકો પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને મૃતદેહ લઈને અંદર ઘૂસી ગયા હતા. ભારે રોષ વ્યક્ત કરવાની સાથે આ બનાવમાં જવાબદાર પોલીસ સ્ટાફ સામે કડક પગલાં લેવાની માગણી ઉચ્ચારી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરે પરિવારજનો સમક્ષ દિલગીરી વ્યક્ત કરી હતી.

આ બાબતે સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરી હતી. પીઆઇ બી.જી.રાઠવાએ પરિવારના લોકોને મૌખિક ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. બાઇક અટકાવનાર ફરજ પરના કર્મચારી સામે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતાં સમાધાન થયું હતું. ત્‍યારબાદ ડાઘુઓ મૃતદેહને લઇ ત્રિવેણી સંગમ ખાતે પહોંચ્યા હતા. જયાં મૃતક શાંતિબેનની અંતિમવિધિ કરવામાં આવી હતી.