કાર પલટી મારી જતા એક જ પરિવારના ચાર યુવાનોને મળ્યું હચમચાવી દેતું મોત, ગામમાં છવાયો માતમ

પોરબંદર-સોમનાથ હાઇવે ઉપર નરવાઇ માતાજીના મંદિર નજીક આજે શુક્રવારે વહેલી સવારે ગમખ્‍વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર ચાર યુવાનના કમકમાટીભર્યાં મૃત્‍યુ થયાં હતાં, જ્યારે અન્ય એક શખસને ઇજાઓ પહોંચી હોવાથી સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પાંચ જેટલા યુવાનો ખંભાળિયાના ખજૂરિયા ગામથી માંગરોળ પંથકના લોએજ ગામ તરફ જઇ રહ્યા હતા એ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. એક જ પરિવારના ચાર-ચાર યુવાનોના મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. નાના એવા ખજૂરીયા ગામ માતમ છવાઈ ગયો છે.

પોરબંદર-સોમનાથ હાઇવે ઉપર આજે શુક્રવારે વહેલી સવારે એક કાર ડિવાઇડર સાથે ટકરાતાં ગમખ્‍વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ખંભાળિયા તાલુકાના ખજૂરિયા ગામે રહેતા પાંચ યુવાન માંગરોળ પંથકના લોએજ ગામ તરફ જઇ રહ્યા હતા એ સમયે પોરબંદર નજીક નરવાઇ મંદિર અને ચીકાસા વચ્ચેના હાઇવે પર એકાએક કાર પલટી મારી ડિવાઇડર સાથે ટકરાઇ હતી.

ખંબાળીયાના ખજૂરીયા ગામનો રહેવાસી મયૂર ચંદ્રાવાડિયા માંગરોળ પંથકના લોએજ ગામમાં અભ્યાસ કરતો હતો, તેણે કોઈ પરીક્ષા આપી તેનું સર્ટીફિકેટ લેવા માટે આજે વહેલી સવારે ખજૂરીયા ગામથી પાંચે યુવાન કાર લઈ લોએજ જવા નીકળ્યા હતા.ત્યારે કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી.

આ અકસ્માતમાં ત્રણ યુવાનો કિશન ચંદ્રાવાડિયા, મયૂર ચંદ્રાવાડિયા અને ઘેલુભાઇ ચંદ્રાવાડિયાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે રાજુ ચંદ્રાવાડિયા નામના યુવાનની સ્થિતિ ગંભીર જણાતાં તેને વધુ સારવાર અર્થે જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું છે. જ્યારે પાંચમો યુવાન વજશીભાઇ નંદાણિયાને સામાન્ય ઈજા હોવાથી તે ખતરાથી બહાર છે.

તમામ યુવાનો એક જ પરિવારના કાકા-બાપાના ભાઈઓ હોવાનું જાણવા મળી રહ્યું છે, ચાર યુવાનો અકસ્માતમાં કાળનો કોળીયો બનતા ચંદ્રાવાડિયા પરિવાર પર જાણે આભ પાટી પડ્યું હતું.

ખજૂરીયા જેવા નાનકડા ગામના યુવાનોના અકસ્માતથી આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, પરિવારનું આક્રંદ જોઈ ગામ પણ હિબકે ચઢ્યું છે.