ત્રણ શખ્સોએ પ્લાન કરીને વેપારીની BMWમાંથી 10 સેકન્ડમાં 3 લાખ રૂપિયા તફડાવી લીધા

રાજકોટમાં સાંજના સમયે ભરચક રોડ પર વેપારી યુવાનની BMW કારમાંથી ગઠિયાઓ10 સેકેન્ડમાં 3 લાખ રૂપિયા તફડાવી ફરાર થઈ ગયા હતા. યાજ્ઞિક રોડ પર સાંજે 3 શખ્સોએ સાથે મળીએ આ કારસ્તાન આચર્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી છે. જેમાં ઘટના પાછળ છારા ગેંગનો હાથ હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે. આ ત્રણેય શખ્સે વેપારી યુવાનને ‘તમારા રૂપિયા રસ્તા પર પડી ગયા’ તેમ કહી કારમાંથી નીચે ઉતરાવીને રૂપિયાની તફડંચી કરી હતી.

રાજકોટના ધમધમતા યાજ્ઞિક રોડ પર ઈમ્પિરિયલ હોટલની સામે માધવ કોમ્પ્લેક્ષ પાસે પ્રજેશ દક્ષિણી નામનો વેપારી યુવાન તેની BMW કારમાં બેઠો હતો. આ કારમાં રોકડ રકમ હોવાની કોઈ રીતે ગઠિયાઓને જાણ થઈ ગઈ હતી. ત્રણ શખ્સોએ સાથે પ્લાન બનાવીને કારમાંથી 3 લાખ રૂપિયા ચોરીને ફરાર થઈ ગયા હતા.

આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જે મુજબ સાંજના 6.58 વાગ્યે વેપારી યુવાન પ્રજેશ દક્ષિણી ફોન પર વાત કરતાં કરતાં પોતાની કારમાં બેસે છે. આ સમયે 3 શખ્સો તેની કારની ફરતે ગોઠવાય જાય છે. એક શખ્સ પાછળથી ઈસારો કરી યુવાન પાસે જવા કહે છે. બાદમાં તે શખ્સ યુવાન પાસે જઇ તેના રૂપિયા પડી ગયા છે તેવું કહે છે. માટે યુવાન કારમાંથી નીચે ઉતરે છે અને આ સમય દરમિયાન માત્ર 10 સેકન્ડમાં પાછળ ઉભેલો શખ્સ કારનો દરવાજો ખોલી તેમાં પડેલા રોકડ રૂપિયા 3 લાખ લઈ છૂ થઇ જાય છે.

પોલીસના જણાવ્યા મુજબ પ્રજેશ દક્ષિણી નામનો યુવાન માધવ કોમ્પ્લેક્ષ ખાતે તેના મિત્રની મોબાઈલ શોપ પર કોઈ કામથી આવ્યો હતો. જે બાદ તે ગાડીમાં બેસી પરત જતો હતો.

આ સમયે 7 વાગ્યા આસપાસ એક શખ્સે કારનો દરવાજો ખખડાવી તમારા રૂપિયા પડી ગયા છે તેમ કહેતા તે રૂપિયા લેવા નીચે ઉતરતા બાજુની તરફ સીટમાં પડેલા રૂપિયા 3 લાખ નજર ચૂકવી છૂ થઇ ગયા હતા.

આ અંગે વેપારી યુવાન પ્રજેશ દક્ષિણીએ જાણ કરતાં પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ એસીપી કક્ષાના અધિકારી સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં ભોગ બનનાર યુવાને પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી.

CCTV મુજબ 3 શખ્સોએ ગુનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તારણ લાગી રહ્યું છે. આ ઉપરાંત બનાવની મોડેસઓપરેન્ડી જોતા આ બનાવ પાછળ છારા ગેંગનો હાથ હોવાનું અનુમાન લાગી રહ્યું છે. પોલીસે આરોપીને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.