ભૂવાના ચક્કરમાં પરિણીતાએ જીવ ગુમાવ્યો, ચાર મહિનાના દીકરાનો મોત સામે જંગ ચાલુ

ખેતરમાં ચારો કાપતા સમયે પરિણીતાને સાપે ડંખ માર્યો હતો. ઉતાવળમાં તેને ઘરે લઈ જવામાં આવી હતી. અહીંયા તેણે અજાણતા જ પોતાના ચાર મહિનાના દીકરાને બ્રેસ્ટ ફિડિંગ કરાવ્યું હતું. પછી પરિવાર તેને ભૂવા પાસે લઈ ગયા હતા. અહીંયા તેની તબિયત ઘણી જ ખરાબ થઈ ગઈ હતી. થોડીવાર બાદ દીકરાની તબિયત પણ લથડી હતી. બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીંયા માતાનું મોત થઈ ગયું અને બાળક ગંભીર હાલતમાં છે.

આ બનાવ રાજસ્થાનના ટોંક જિલ્લાના માલયાન ગામનો છે. પોલીસ અધિકારી પ્રભુ સિંહ ચૂંડાવતે કહ્યું હતું કે ફૂલ માલયાન ગામની 21 વર્ષીય મનીષાનું સાપના ડંખથી મોત થયું છે. રોજની જેમ તે સવારે 8 વાગે બકરીઓના ચારા માટે ખેતરે ગઈ હતી. ચારો કાપતી વખતે સાપે ડંખ માર્યો હતો. તે સમયે તેને ચક્કર આવવા લાગ્યા હતા અને દુખાવો થયો હતો. તે જોર જોરથી બૂમો પાડવા લાગી હતી.

બૂમો પાડવાને કારણે ખેતરની બાજુમાં પશુઓ ચરાવતા સીતારામ કુમાવત, મનીષાને ઘરે લઈ ગયો હતો. મનીષા તથા પરિવારને ખ્યાલ નહોતો કે તેને સાપ કરડ્યો છે. તેજાજી દશમ હોવાથી તેને 10 વાગે ભૂવા પાસે લઈ જવામાં આવી હતી. તેને આરામ ના મળ્યો અને 11 વાગે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. 12 વાગે તેનું મોત થયું હતું.

ભૂવા પાસે લઈ ગયાઃ સાપે ડંખ માર્યો હોવાની વાત પરિવારને ખબર ના હોવાથી તેઓ તેજાજીના થાનક પર લઈ ગયા હતા. મનીષાની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. થોડીવાર બાદ બાળકની તબિયત બગડી હતી. પરિવાર બંને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ સારવારની વચ્ચે જ મનીષાનું મોત થયું હતું. ચાર મહિનાના બાળકની માલપુરા હોસ્પિટલમાં સારવાર ચાલે છે. પોલીસે કહ્યું હતું કે સાપના ડંખથી મનીષાના શરીરમાં ઝેર ફેલાઈ ગયું હતું અને તેણે બાળકને બ્રેસ્ટફિડિંગ કરાવ્યું હતું, આ જ કારણે બાળકમાં પણ ઝેર ફેલાઈ ગયું હતું.