KBCમાં એક કરોડ જીતનારો 10*11ના ભાડાના રૂમમાં પરિવાર સાથે રહે છે

છત્તરપુર જિલ્લાના લવકુશનગરના રહેવાસી સાહિલ અહિરવાર કૌન બનેગા કરોડપતિમાં એક કરોડ રૂપિયા જીતવામાં સફળ રહ્યો છે. અંતમાં તે 7 કરોડ રૂપિયાના સવાલ પર અટકી ગયો હતો. શૉને હોસ્ટ કરનારા અમિતાભ બચ્ચને તેમને કાર પણ ગિફ્ટ કરી છે. એક્ટ્રેસ તાપસી પન્નુએ ટ્વીટ કરી સાહિલને શુભેચ્છા આપી છે. આ સાથે જ તેમણે છોલે ભટૂરે ખાવાની પણ વાત કરી છે. તો અમે તમને જણાવીએ કરોડપતિ બનનારા સાહિલ વિશે.

સાહિલ છત્તરપુરથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલા લવકુશનગરમાં માતા-પિતા અને નાના ભાઈ સાથે 10 બાય 11 ફૂટનાં ભાડાનાં મકાનમાં રહે છે. પિતા બાબૂ અહિરવાર પરિવારના ભરણપોષણ માટે નોઇડામાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરે છે. તેની મા હાઉસ વાઇફ છે. નાનો ભાઈ પારસ સ્ટડી કરી રહ્યો છે. સાહિલ કે.બી.સીમાં જવા માટે ઘણાં સમયથી પ્રયત્ન કરતો હતો.

પિતાએ મજબૂરીમાં ગાર્ડની નોકરી પણ કરી
પિતા બાબૂનું કહેવું છે કે, હું મહેનત મજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરું છું. મારા બાળકો ભણી-ગણીને સપના પૂરા કરશે. એટલે દિવસ રાત મહેનત કરું છું. મજબૂરીમાં ગાર્ડની નોકરી કરું છું. બાળકો પણ મારી આશા પર ખરા ઉતર્યા છે. મહેનતના પરિણામે જ દીકરા પર મને ગર્વ કરવાની તક મળી છે.

સાહિલની માએ કહ્યું કે, ‘દીકરાએ સપનું સાકાર કર્યું’
મા સરોજ પોતાના દીકરાની સફળતાથી ખુશ છે. તેમણે જણાવ્યું કે, અમિતાભ બચ્ચનને મળવાની ઈચ્છામાં દીકરાએ કે.બી.સી માટે દિવસ-રાત એક કરીને મહેનત કરી છે. જ્યારે તેને હોટ સીટ પર અમિતાભ બચ્ચનની સામે જોય તો ખુશીથી આંખો ભીની થઈ ગઈ હતી.

દીકરો અત્યારે સાગર યૂનિવર્સિટીમાં સ્ટડી કરી રહ્યો છે. તે યૂ.પી.એસ.સી એક્ઝામની તૈયારી કરી રહ્યો છે. અમને વિશ્વાસ છે કે, તે અમારા દરેક સપના પૂરા કરશે.

નાનો ભાઈ પણ કરે છે મહેનત
સાહિલનો નાનો ભાઈ પારસ પણ મોટા ભાઈના પગલે ચાલીને પોતાના પરિવાર અને જિલ્લાનું નામ આગળ વધારવાનું સપનું જોઈ રહ્યો છે. આ માટે તે સ્કૂલ સમયથી જ ખૂબ મહેનત કરી રહ્યો છે. સાહિલની આ સફળતાથી તેમના નગરમાં ખુશીનો માહોલ છે. લોકો સાહિલની આ સફળતા પર તેમના ઘરવાળાને શુભેચ્છા આપી રહ્યા છે.