શાહરૂખ ખાનના મુશ્કેલ સમયમાં સાથ આપવા આવ્યો સલમાન, મોડી રાત્રે મળવા પહોંચ્યો

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો દીકરો આર્યન એનસીબીના રિમાન્ડ પર છે. રવિવારની રાત આર્યન ખાન માટે ખૂબ લાંબી વિતી હતી. મોડી રાત્રે સુપરસ્ટાર સલમાન ખાન શાહરૂખનના બંગલે તેને મળવા પહોંચ્યો હતો. સલમાન તેની રેન્જ ઓવર કારમાં શાહરૂખના મન્નત બંગલે પહોંચ્યો હતો. આ વખતે સલમાનને મીડિયાએ ઘેરી લીધો હતો.

સોશ્યલ મીડિયા પર સલમાનની કારની કેટલીક તસવીરો સામે આવી છે. તે શાહરૂખ ખાનના બંગલા પર તેને મળવા ગયો હતો. મોડી રાત્રે થયેલી આ મુલાકાતને લઈને ફેન્સના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. કેમ કે હાલના સમયે કિંગ ખાનનો પરિવાર અલગ જ તણાવ છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન શાહરૂખ ખાનના પરિવારને દિલાસો આપવા ગયો હતો. જોકે સોશ્યલ મીડિયા પર અલગ અલગ અંદાજ લગાવવામાં આવી રહ્યા છે. બંને સ્ટારમાંથી કોઈએ આ મુલાકાત પર સત્તાવાર નિવેદન આપ્યું નથી.

આમ તો સલમાનને શાહરૂખનો નજીકનો દોસ્ત માનવામાં આવે છે. સોશ્યલ મીડિયા પર તો બંને વચ્ચેનું બોન્ડ દેખાય જ છે, પણ ઓનસ્ક્રીન પર પણ બંનેની જોડીને ખૂબ પ્રેમ મળે છે. બધા લોકો માને છે કે મુશ્કેલ સમયમાં શાહરૂખખાને સાથ આપવા માટે સલમાન આવ્યો છે.

​​​​​શું છે ઘટનાક્રમ?
NCBની ટીમને એવી માહિતી મળી હતી કે એક ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી ચાલી રહી છે. ત્યારબાદ શનિવારે અહીં વ્યાપક પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ શિપ પર રેવ પાર્ટી ચાલી રહી હતી. પાર્ટીમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ સામે આવ્યું છે. NCBની ટીમે તેની કલાકો સુધી પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ આર્યન ખાનને જેજે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને પછી હોલિડે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

ત્રણેય પાસેથી ડ્રગ્સ ને 1.33 લાખ રૂપિયા મળ્યા
આર્યન, અરબાઝ તથા મુનમુન પાસેથી 13 ગ્રામ કોકેન, 3 ગ્રામ MD, 21 ગ્રામ ચરસ, MDMAની 22 ગોળીઓ તથા 1.33 લાખ રૂપિયા મળ્યા છે. ડ્રગ પેડલરની પણ પૂછપરછ કરી હતી. કોર્ટમાં સતીશ માનશિંદેએ કહ્યું હતું કે આર્યન પાસે ટિકિટ નહોતી, તેને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેની બેગમાંથી પણ કંઈ જ મળ્યું નથી અને તેની ચેટમાં પણ એવું કંઈ જ મળી આવ્યું નથી. તે આર્યન માટે જામીન અરજી દાખલ કરે છે.

આર્યન ખાનના લેન્સના ડબ્બામાંથી ડ્રગ્સ મળ્યું
‘ABP’ના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, NCBના સૂત્રોના મતે આર્યન ખાનના લેન્સની ડબ્બીમાંથી ડ્રગ્સ મળ્યું છે. આ કેસમાં એક્ટરના દીકરાનું નિવેદન લેવામાં આવ્યું છે. આર્યન વિરુદ્ધ કલમ 8 (C), 20 (B), 27 તથા 35 લગાવવામાં આવી છે. આર્યને ડ્રગ્સ ખરીદવાનો ઇનકાર કર્યો છે. જોકે, NCBએ આર્યન પર ડ્રગ્સ લેવાનો આરોપ મૂક્યો છે. આર્યન તથા અરબાઝ મર્ચન્ટની સામેસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી છે.

આર્યને શું કહ્યું?
આર્યને પૂછપરછમાં દાવો કર્યો હતો કે તેના નામે પાર્ટીમાં લોકોને ઇનવાઇટ કરવામાં આવ્યા હતા. વધુમાં આર્યને કહ્યું હતું કે તેની પાસેથી કોઈ ફી લેવામાં આવી નહોતી. તેને ગેસ્ટ તરીકે પાર્ટીમાં બોલાવ્યો હતો.