વૃદ્ધે લગ્નની જાહેરાત આપી તો મળી ગઇ રાણી, કહ્યું-‘તમે સારા લાગ્યા પણ મા નહીં બની શકું’

ભોપાલઃ કહેવાય છે કે જોડી ઉપરવાળો બનાવે છે પરંતુ હાલમાં એક એવી જોડી સામે આવી, જે સાંઠગાંઠ કરી બનાવવામાં આવી હતી. ટૂંક સમયમાં જ આ પોલ ખુલી ગઇ અને પછી દુલ્હનની હકિકત સામે આવી તો બધા ચોંકી ગયા. આ દુલ્હને પોતાના વરરાજા પર એવો જાદુ કર્યો કે તે ફિદા થઇ ગયા. બાદમાં તિજોરી તળિયાઝાટક કરી ફરાર થઇ ગઇ. આ બનાવ સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

આ ઘટના મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલની છે. અહીં રહેતા 70 વર્ષના એક વૃદ્ધે મહિલા કેરટેકર માટે ન્યૂઝપેપરમાં જાહેરાત આપી હતી. જાહેરાત જોઇને એક મહિલાએ સંપર્ક કર્યો હતો અને પછી લગ્ન કરી લીધા હતાં. બીજા દિવસે દુલ્હને પોતાની માતા બીમાર હોવાનું બહાનું કરી ઘરેથી નીકળી ગઇ હતી.

વૃદ્ધ વ્યક્તિને પાછળથી જાણવા મળ્યું હતું કે ઘરમાંથી સોનાના બધા ઘરેણાં અને 50 હજાર રૂપિયા ગાયબ છે. તપાસમાં ખુલ્યું કે મહિલાએ પોતાના અસલી પતિ સાથે મળી વૃદ્ધ સાથે ઠગાઇ કરી હતી. વૃદ્ધ રિટાયર્ડ એન્જિનિયર છે અને તેમને એક દીકરો પણ છે, જે બહાર રહે છે. એકલતાથી કંટાળી વૃદ્ધે વર્ષ પહેલા એક ન્યૂઝપેપરમાં કેરટેકરની જાહેરાત આપી હતી. બે દિવસ બાદ શંકર દુબે ઉર્ફ રામફલેએ તેમને ફોન કર્યો હતો. શંકરે કહ્યું હતું કે તે પન્ના જિલ્લાના ભિતરવારનો રહેવાસી છે.

તેની પડોસમાં 40 વર્ષની એક ગરીબ મહિલા રાની મિશ્રા રહે છે, જે અવિવાહિત છે. બાળપણમાં તેના પેટમાં ગાયે શીંગડું માર્યું હતું અને તેને કારણે તે ક્યારેય મા બની શકે તેમ નથી. આ કારણે તેના અત્યાર સુધી લગ્ન થયા નથી. વૃ્દ્ધ શંકરની વાતમાં આવી ગયા અને શંકર અને રાની વૃદ્ધના ઘરે આવ્યા. ત્યારબાદ 20 ફેબ્રુઆરીએ વૃદ્ધ અને રાની મિશ્રાએ લગ્ન કર્યાં હતાં.

લગ્નના દિવસે જ રાની પર એક કોલ આવ્યો. તેણે પોતાના વૃદ્ધ પતિને કહ્યું હતું કે તેની માતાની તબિયત ખરાબ છે અને તેણે જવું પડશે. ઘરે ગયા પછી રાનીએ ફોન કર્યો કે તેની માતાનું મૃત્યું થઇ ગયું છે અને હવે તે ઉઠમણા બાદ જ આવશે. તેણે વૃદ્ધ પાસેથી 40 હજાર રૂપિયા પણ લીધા હતા.

જોકે, બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. શંકર દુબે અને રાની મિશ્રા ઉર્ફ સુનિતા શુક્લા પતિ-પત્ની છે. બંને મધ્ય પ્રદેશના સતનાના રહેવાસી છે. આરોપીએ જણાવ્યું કે તે સેનામાં હતો. તબિયત ખરાબ થવાથી તેણે નોકરી છોડી દીધી. શંકર દુબેના રાની સાથે આ બીજા લગ્ન છે. બંને પત્નીઓ વચ્ચે ઝઘડાઓ થવાને કારણે તેણે રાનીને કહ્યું હતું કે તે અલગ થઇ જાય. ત્યારબાદ એક દિવસ વૃદ્ધની જાહેરાત જોઇ. આમ જાહેરાત જોયા બાદ બંનેના મગજમાં આ પ્લાન આવ્યો હતો.