1918માં ફેલાયેલા સ્પેનિશ ફ્લૂથી થયા હતા લાશોના ઢગલાં, અચાનક જ લાશોથી ઉભરાઈ હતી ગંગા

આજે આખી દુનિયા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે. ચીનના વુહાનથી શરૂ થયેલા આ વાયરસે આજે દુનિયાના અનેક દેશોને પોતાની ચપેટમાં લીધા છે. દુનિયામાં આ રોગની ઝપેટમાં 8 લાખથી વધુ લોકો આવી ચુક્યા છે. તો 45 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચુક્યા છે. આ વચ્ચે 1918માં ફેલાયેલા સ્પેનિશ ફ્લૂની યાદો તાજી થઈ રહી છે. આ ફ્લૂએ દુનિયાભરમાં ભયંકર તબાહી મચાવી હતી. યૂરોપથી શરૂ થયેલા આ વાયરસે દુનિયાના અનેક દેશોને નિશાન બનાવ્યા હતા. ભારત પણ તેમાંથી બાકાત નહોતું. આ ફ્લૂથી ભારતમાં લગભગ 2 કરોડ લોકોનાં મોત થયા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેની ચપેટમાં મહાત્મા ગાંધી પણ આવી ગયા હતા. અનેક મહિનાઓ સુધી પથારીમાં પડી રહેલા મહાત્મા ગાંધીના સ્વાસ્થ્ય માટે સૌ કોઈ ચિંતિંત થઈ ગયા હતા. ચાલો તમને જણાવીએ કે આ મહામારીએ ભારતમાં કઈ રીતે પગ પેસારો કર્યો હતો.

1918માં દુનિયામાં સ્પેનિશ ફ્લૂએ આતંક મચાવ્યો હતો. આ વાયરસે દુનિયાના અનેક દેશોને પોતાના નિશાન બનાવ્યા હતા.

ભારતમાં પણ આ વાયરસે કહેર વર્તાવ્યો હતો. આ ફ્લૂની ચપેટમાં આવીને 2 કરોડ ભારતીયોના મોત થઈ ગયા હતા.

ફ્લૂની ઝપેટમાં વધારે પડતી મહિલાઓ આવી હતી. તેનું કારણ એ છે કે મહિલાઓ જ બીમાર પુરુષોની સાર સંભાળ કરી રહી હતી. એવામાં તે સરળતાથી ઝપેટમાં આપી જતી હતી.

ગુજરાતના સાબરમતી આશ્રમમાં રહેતા મહાત્મા ગાંધી અને અન્ય લોકો પણ આ ખતરનાક ફ્લૂની ચપેટમાં આવી ગયા હતા.

મહાત્મા ગાંધીની તબિયત આ ફ્લૂના કારણે ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તેઓ અનેક મહિનાઓ સુધી પથારીમાં હતા. તેમણે તેમનું ડાયેટ પણ લિક્વિડ કરી દીધું હતું.

અખબારોમાં તેમના સ્વાસ્થ્યને લઈને અનેક ખબરો આવતી હતી. ઘણા સમય સુધી લોકોથી અલગ રહ્યા બાદ ધીમે ધીમે તેમણે આ બીમારીથી છુટકારો મેળવ્યો. આશ્રમમાં ફ્લૂ પીડિતોને સૌથી દૂર રાખવામાં આવ્યા હતા.

સ્પેનિશે ફ્લૂના કારણે ભારતના મહાન કવિ નિરાલાના પત્ની અને અનેક સંબંધીઓનો જીવ જતો રહ્યો હતો. તેમણે પોતાનું દર્દ વર્ણવતા કહ્યું હતું કે આ મહામારીના કારણે તેમની આંખોની સામે જ બધુ ગાયબ થઈ ગયું.

મહામારીની સ્થિતિ એટલી ભયંકર હતી કે ગંગા નદી લાશોથી ઢંકાઈ ગઈ હતી. કારણ કે એ સમયે મોત થવા પર લોકો લાશોને નદીમાં વહાવી દેતા હતા.

મોતનો આંકડો એટલો વધારે હતો કે સ્મશાન ઘાટમાં લાકડાઓ ઘટી પડ્યા હતા. અનેક શહેરો ફ્લૂથી વેરાન થઈ ગયા હતા.

બીબીસીમાં છપાયેલા અહેવાનો પ્રમાણે, 1918માં આ ફ્લૂના કારણે ભારતમાં રોજ 230 લોકોના મોત થતા હતા. આ ફ્લૂએ ભારતમાં થોડા જ મહિનાઓમાં 2 કરોડ લોકોના જીવ લઈ લીધા હતા.