ટીચરે પોતાના ખર્ચે વિદ્યાર્થીઓને કરાવી ફ્લાઈટમાં સફર, ગળગળા થઈ ગયા સ્ટુડન્ટ

અમદાવાદ: એક ટીચરે એવું કામ કર્યું છે, જેના કારણે તેમના ખૂબ વખાણ થઈ રહ્યા છે. શિક્ષકે પોતાની સ્કૂલના બાળકોના સપનાને સાકાર કર્યા છે. જે બાળકો બાળપણમાં કાગળના વિમાન બનાવીને આકાશમાં ઉડાડતા હતા, તે વિદ્યાર્થીઓની રીઅલ પ્લેનમાં બેસવાની ઈચ્છા તેમના હેડમાસ્તરે પૂરી કરી છે. ટીચરના આ પગલાંના બધા ભરપૂર વખાણ કરી રહ્યા છે અને અમુક લોકો ટીચરને આશીર્વાદ આપી રહ્યા છે.

મધ્યપ્રદેશના આ ટીચરની ભલમનસાઈ પર બધા વારી ગયા છે. એમપીના દેવાસ જિલ્લાના એક સરકારી સ્કૂલના ટીચર કિશોર કનાસેએ પોતાની બચતના રૂપિયાથી 19 વિદ્યાર્થીઓને વિમાનની સફર કરાવી હતી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ બીજેપુર ગામના સરકારી સ્કૂલમાં ભણતાં છઠ્ઠા, સાતમા અને આઠમા ધોરણના 19 વિદ્યાર્થીઓને બે દિવસ માટે ફ્લાઈટથી દિલ્હીની ટૂર કરાવી હતી. આ બાળકોમાંથી કેટલાંય તો એવા હતા જે જીવનમાં ક્યારેય ટ્રેનમાં બેઠા પણ નહોતા. જ્યારે તેમણે પ્લેનની યાત્રા કરી તો તેમની ખુશીનો પાર રહ્યો નહોતો.

આ યાત્રા દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં એક સ્ટુડન્ટ તોહિદ શેખે જણાવ્યું હતું કે, ‘‘જ્યારે અમે જમીન પર રમતા રમતાં પ્લેનને જોતા તો તે ખૂબ નાના દેખાતા હતા, પણ જ્યારે અમે તેને નજીકથી જોયું તો ખબર પડી કે તે તો ખૂબ મોટા હોય છે.’’

ટીચર કિશોર કનાસે જણાવ્યું હતું કે, ‘‘વિદ્યાર્થીઓને પ્લેનથી સફર કરાવવાનો આઈડિયા ગયા વર્ષે આગ્રાથી આવતા સમયે આવ્યો હતો. જ્યારે હું ટ્રેનમાં બાળકો સાથે આવી રહ્યો હતો તો કેટલાક બાળકોએ કહ્યું હતું કે સર હવે આવતી વખતે આપણે પ્લેનથી આવીશું. બસ ત્યારે જ મે વિચારી લીધું હતું કે હવે તો સ્ટુડન્ટને હું પ્લેનમાં સફર કરાવીને જ રહીશ.’’

ટીચરે સ્ટુડન્ટ સાથે દિલ્હીમાં બે દિવસ વિતાવ્યા હતા. આ દરમિયાન બધા કુતુબ મીનાર, સંસદ ભવન, લાલ કિલ્લો જેવી ઐતિહાસિક જગ્યાઓ પર ગયા હતા. બધા ટ્રેનથી 17 ફેબ્રુઆરીએ પોતાના ઘરે પરત ફર્યા હતા.