અમદાવાદમાં શરૂ થઈ અનોખી રેસ્ટોરન્ટ, અહીં મહિલા રોબોટ પીરસે છે જમવાનું

અમદાવાદ: ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે એમાં કંઈ નવી વાત નથી. પણ હવે ગુજરાતીઓને થીમ આધારિત રેસ્ટોરન્ટનું ઘેલું લાગ્યું છે. જમવાની સાથે રેસ્ટોરન્ટની યુનિક થીમ ગુજરાતીઓને આકર્ષે છે. ગુજરાતમાં છેલ્લાં બે-ત્રણ વર્ષમાં યુનિક થીમવાળી અસંખ્ય રેસ્ટોરન્ટ ખૂલી છે. પણ હાલમાં અમદાવાદમાં શરૂ થયેલી એક રેસ્ટોરન્ટ બધાથી અલગ છે.

આ રેસ્ટોરન્ટની ખાસિયત એ છે કે અહીં મહિલા રોબોટ જમવાનું પીરસે છે. ફૂડ અને ટેક્નોલોજીનો આ સમન્વય ગુજરાતીઓમાં આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદના આનંદનગર પાસે શરૂ થયેલી રેસ્ટોરન્ટમાં રોબોટ જમવાનું પીરસે છે. ‘ઈન્ડિયન સ્વેગ’ નામની આ રેસ્ટોરન્ટમાં રોબોટ તમારું સ્વાગત કરે છે અને વાતો કરી જમવાનું પણ પીરસે છે.

આ રેસ્ટોરન્ટમાં હાલ બે રોબોટ છે. રોબોટ ત્રણ લેંગ્વેજ ગુજરાતી, હિન્દી અને ઈંગ્લીશમાં વાત કરે છે. રોબોટને મહિલા જેવો ગેટ-અપ આપવામાં આવ્યો છે. તમે રેસ્ટોરન્ટમાં આવો ત્યારે ”ઈન્ડિયન સ્વેગ રેસ્ટોરન્ટમાં તમારું સ્વાગત છે” વાક્ય બોલીને રોબોટ તમારું સ્વાગત કરે છે. તમે રોબોટની વચ્ચે આવો તો ”તમે મારા માર્ગમાં છો” બોલીને તમને સચેત કરે છે. તેમજ ઓર્ડર લઈને તમારા ટેબલ પાસે આવે ત્યારે ”તમારું જમવાનું આવી ગયું છે” કહે છે.

રોબોટની પાછળ એક સેન્સર ફીટ કરવામાં આવ્યું છે. જેમાં ટેબલ મુજબ સ્વિચ ફીટ કરવામાં આવી છે. જે સ્વીચ પ્રેસ કરો એ મુજબ રોબોટ ટેબલ પર જમવાનું સર્વ કરે છે. આ ગુજરાતની પહેલી અને દેશની ત્રીજી રેસ્ટોરન્ટ છે, જ્યાં રોબોટ જમવાનું પરીસે છે. આ પહેલાં ચેન્નાઈ અને બેંગ્લોરમાં આ પ્રકારની રેસ્ટોરન્ટ શરૂ થઈ હતી. રેસ્ટોરન્ટમાં આવતાં ગ્રાહકો પણ આ ટેક્નોલોજી જોઈને નવાઈ લાગે છે.