યુવતીએ વરને જાનૈયાઓ સાથે લીલા તોરણે માંડવેથી કાઢ્યો પાછો, જાણો રસપ્રદ કારણ

ઉત્તર પ્રદેશમાં સામાજિક પ્રસંગોને નિયમો સાથે યોજવાની વ્યવસ્થા પણ કરવમાં આવી છે. એવામાં મહોબા જિલ્લોનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં લગ્ન દરમિયાન સ્ટેજ પર વહુએ વરને બેનો ઘડિયો પૂછ્યો હતો. ત્યાર બાદ વર બેનો ઘડિયો ના બોલી શકતાં લગ્ન તૂટી ગયાં હતાં. આ પછી વરપક્ષ અને કન્યાપક્ષે સમાધાન થયું હતું. જેમાં નક્કી કરાયા મુજબ છોકરાવાળાઓએ લગ્નના જમણવારનો અને અન્ય ખર્ચો છોકરીવાળાઓને ચૂકવવો પડ્યો હતો.

મહોબા જિલ્લાના પનવાડી ગામમાં જાન આવ્યાં પછી વરમાળા પહેરાવતી વખતે વહુને જાણ થઈ કે, તેનો વર ભણેલો નથી. આ પછી વહુએ બધાની સામે વરને બેનો ઘડિયો પૂછ્યો હતો અને કહ્યું કે, ‘જો તમે બેનો ઘડિયો નહીં બોલો તો હું તમારી સાથે લગ્ન કરીશ નહીં.’ આ પછી વર બેનો ઘડિયો બોલી શક્યો નહીં અને તરત જ વહુને લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

જાનૈયાઓમાં આ વાત ફેલાઈ જતાં માંડવા નીચે જ હોબાળો મચી ગયો હતો. વહુને વડીલોએ ઘણી સમજાવી, પણ તે એકની બે થઈ નહીં અને અંતે લગ્ન રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલું નહીં આ વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી અને પોલીસે સમાધાન કરાવી મામલો શાંત પાડ્યો હતો.

પનવાડી પોલીસ સ્ટેશનમાં વરપક્ષ અને કન્યાપક્ષ વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું. જેમાં નક્કી થયાં મુજબ બંને પક્ષોઓએ એકબીજાનો સામાન, ઘરેણાં અને રૂપિયા પાછા આપી દીધા હતાં. પોલીસકર્મી વિનોદકુમારે આ સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે, ‘છોકરીના નિર્ણયને માનવામાં આવ્યો અને લગ્ન રદ્દ થયાં હતાં. આ ઉપરાંત બંને પક્ષ સમાધાન માટે રાજી પણ થઈ ગયાં હતાં.’

સમાધાનમાં નક્કી એવું થયું હતું કે, છોકરાવાળા છોકરીવાળાએ કરેલો જમણવારનો અને અન્ય ખરચાના 4 લાખ રૂપિયા પાછા આપે. આ સાથે બંનેએ એકબીજાને આપેલો સામાન પણ પાછો આપે. મહત્ત્વનું છે કે, સમાધાનમાં છોકરીવાળાને પહેલો પક્ષ અને છોકરાવાળાને બીજો પક્ષ બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત એવું પણ લખાવવામાં આવ્યું હતું કે, આ અંગે કોઈ કાયદાકીય પગલું પણ ભરવામાં આવશે નહીં.