દિવ્યા ભારતી જ્યાંથી નીચે પડી હતી, એ ફ્લેટની પહેલાંની અને અત્યારની ખાસ તસવીરો

મુંબઈઃ પાંચ એપ્રિલ, 1993ની રાત બોલિવૂડ માટે કાળમુખી રાત્રી બની ગઈ હતી. આ દિવસે એક્ટ્રેસ દિવ્યા ભારતીનું મુંબઈના વર્સોવામાં આવેલા તુલીસ અપાર્ટમેન્ટ 2ના પાંચમા માળની 503 નંબરના ફ્લેટની બારીમાંથી પડવાને કારણે નિધન થયું હતું. હાલમાં આ ફ્લેટમાં એક પરિવાર છેલ્લાં આઠ-નવ વર્ષથી રહે છે. આ પરિવાર મીડિયા સાથે કોઈ જાતની વાતચીત કરવા માગતો નથી. આ ફ્લેટ ખાસ્સા વર્ષો સુધી બંધ રહ્યો હતો આ ફ્લેટ સાજીદ નડિયાદવાલાનો હતો અને લગ્ન બાદ દિવ્યા અહીંયા રહેતી હતી.

10 મે, 1992માં લગ્ન કર્યાં હતાં: દિવ્યા ભારતી ફિલ્મ ‘શોલા ઔર શબમન’નું શૂટિંગ કરતી હતી. અહીંયા હિરો ગોવિંદાએ ફિલ્મ પ્રોડ્યૂસર સાજીદ નડિયાદવાલા સાથે મુલાકાત કરાવી હતી. બંને વચ્ચે પ્રેમ થયો અને બંનએ અચાનક લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આ સમયે દિવ્યાની ઉંમર માત્ર 18 વર્ષની હતી. દિવ્યાએ 10 મે, 1992ના રોજ ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો અને સના બનીને નિકાહ કર્યાં હતાં. જોકે, આ નિકાહ દુનિયાથી છુપાવીને રાખવામાં આવ્યા હતાં.

મૃત્યુ થયું એ રાત્રે થયો હતો ઝઘડોઃ સાજીદ તથા દિવ્યા વચ્ચે છેલ્લાં ઘણાં સમય અણબનાવ ચાલતો હોવાનું કહેવાતું હતું. દિવ્યા ભારતી પોતાના લગ્ન જાહેર કરવા માગતી હતી પરંતુ સાજીદ આ માટે તૈયાર નહોતો અને આ વાતને લઈ દિવ્યા ભારતી ડિપ્રેશનમાં હતી. એક કારણ એમ પણ માનવામાં આવે છે કે સાજીદના સંબંધો ડી ગેંગ એટલે કે અન્ડરવર્લ્ડ સાથે હતાં અને દિવ્યા આ વાતથી ખુશ નહોતી. તેણે સાજીદને અન્ડરવર્લ્ડ સાથેના સંબંધો તોડવાનું કહ્યું હતું.

મૃત્યુના દિવસે ખરીદ્યું નવું ઘરઃ દિવ્યા ચેન્નઈથી પરત ફરી હતી. તેણે એ જ દિવસે એટલે કે પાંચ એપ્રિલ, 1993ના રોજ મુંબઈમાં ચાર બીએચકેનું ઘર ખરીદ્યું હતું. દિવ્યાએ આ ખુશખબરી ભાઈ કુનાલને આપી હતી. દિવ્યાના પગમાં ઈજા થઈ હતી.

નિધન પહેલાંના કલાકોઃ રાતના 10 વાગે મુંબઈના પશ્ચિમ અંધેરી વર્સોવામાં આવેલા તુલસી અપાર્ટમેન્ટ 2ના પાંચમા માળે દિવ્યા ભારતી મિત્ર નીતા લુલ્લા તથા તેના પતિ શ્યામ લુલ્લા સાથે લિવિંગ રૂમમાં હતી. ત્રણેય વાતોમાં મસ્ત હતાં. અચાનક દિવ્યા કિચનમાં ગઈ અને તે હાથમાં દારૂનો પેગ બનાવીને લાવી હતી. દિવ્યા કિચનમાં રહેલી નોકારણી અમૃતા સાથે વાત કરતી હતી. અમૃતા રસોઈ બનાવતી હતી.

અચાનક બારી પર બેઠી દિવ્યાઃ અચાનક વાત કરતાં કરતાં દિવ્યા બારીની ધારી આગળ બેઠી હતી. નીતા લુલ્લા તથા શ્યામ ટીવી જોવામાં વ્યસ્ત હતાં. ઘડિયાળમાં 11 વાગી રહ્યાં હતાં. દિવ્યા રસોડામાં રહેલી અમૃતા સાથે વાત કરતી હતી. અચાનક દિવ્યા બારીમાંથી રૂમમાં પરત આવવા માટે ફરે છે. જોકે, આ જ સમયે દારૂના નશામાં રહેલી દિવ્યા બેલેન્સ ગુમાવે છે અને સીધી જ પાંચમા માળેથી પટકાય છે.

ગ્રીલ નહોતી, પાર્કિંગમાં કોઈ કાર નહોતીઃ સામાન્ય રીતે ફ્લેટની તમામ બારીઓમાં ગ્રીલ નાખેલી હતી પરંતુ દિવ્યાના ઘરમાં જ ગ્રીલ નાખવામાં આવી હતી. આટલું જ નહીં રોજ આ સમયે એટલે કે રાતના 11 વાગે પાર્કિંગમાં બેથી ત્રણ કાર ઊભેલી હોય છે પરંતુ તે દિવસે એક પણ કાર નહોતી. દિવ્યા સીધી જમીન પર પટકાઈ હતી. તે પૂરી રીતે લોહીથી લથબથ હતી.

ત્રણ મિનિટમાં બન્યું: નીતા લુલ્લાના જણાવ્યા પ્રમાણે આ બધું માત્ર ત્રણ મિનિટમાં બન્યું હતું અને તે પતિ સાથે ટીવી જોવામાં વ્યસ્ત હતી. જ્યારે પડવાનો અવાજ આવ્યો ત્યારે તેઓ દોડીને નીચે ગયા હતાં. દિવ્યા લોહીમાં પડેલી હતી. આ સમયે તેના શ્વાસ ચાલતા હતાં. જોકે, હોસ્પિટલ લઈ જતા સમયે તેને દમ તોડી દીધો હતો. તેના ધબકારા એકદમ જ બંધ થઈ ગયા હતાં. દિવ્યાને નજીકમાં આવેલી કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેની બાજુમાં રહેતા ડો વી મેનન તથા ડો. શ્યામ લુલ્લા તેને કારમાં લઈ ગયા હતા. નીતા લુલ્લાએ કામવાળી અમૃતા સાથે દિવ્યાના પરિવારને આ વાત કહી હતી અને બંને પછી હોસ્પિટલ જવા રવાના થયા હતાં. જોકે, હોસ્પિટલે તેને મૃત જાહેર કરી દીધી હતી.

ક્યારેય નહીં મળે જવાબોઃ દિવ્યાના મોતને લઈ અનેક સવાલોના જવાબ મળ્યાં નથી. પોલીસે પાંચ વર્ષ સુધી તપાસ કરી પરંતુ આત્મહત્યા કે હત્યા તે સાબિત કરી શકી નહીં. પોલીસે પાંચ વર્ષ પછી રિપોર્ટ ફાઈલ કર્યો કે દારૂના નશામાં દિવ્યા ભારતી બારીમાંથી પડી ગઈ અને કેસ બંધ કરવામાં આવ્યો. જોકે, દિવ્યા ભારતીના ચાહકો આજે પણ આ વાત માનવા તૈયાર નથી. કહેવાય છે કે પાંચ એપ્રિલની સાંજે દિવ્યા ભારતી તથા સાજીદ વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. દિવ્યાએ સાજીદને ધમકી આપી હતી કે જો તે તેની વાત માનશે નહીં તો તેને ક્યારેય જીવિત જોશે નહીં. આજે પણ એ સવાલો અકબંધ છે કે બારીમાં ઓટો સ્ટોપ બટન હતું પરંતુ તે કાઢી નાખવામાં આવ્યું હતું. આ કેવી રીતે નીકળ્યુ ને કોણે કાઢ્યું? રોજ પાર્કિંગમાં બેથી ત્રણ કાર રહેતી, તે રાત્રે કેમ નહોતી? દિવ્યા જ્યારે દારૂનો ગ્લાસ લઈને બારી પર બેસી તો નીતા લુલ્લાએ તેને કેમ રોકી નહીં? નીતા લુલ્લા તથા તેનો પતિ ટીવીમાં જોવામાં એવા તો કેવા વ્યસ્ત થઈ ગયા કે દિવ્યાનું બેલેન્સ ગયું તો તેમને ખબર જ ના રહી? પોલીસે કેમ કામવાળી અમૃતાનું નિવેદન ના લીધું? આ સવાલોના જવાબ હવે તો કાળના ગર્તમાં સમાય ગયા છે અને ચાહકોએ તેમની ફેવરિટ એક્ટ્રેસ ગુમાવી એ જ હવે સત્ય છે.