અમદાવાદનો હચમચાવી મૂકતો કિસ્સો, એક સાથે લગ્ન બીજા સાથે પ્રણયફાગ ખેલતી હતી મહિલા

રાજ્યમાં હાલ અનૈતિક પ્રેમસંબંધ અને પ્રેમમાં દગાખોરીની ચોંકાવનારી ઘટનાઓનો જાણે રાફડો ફાટી નીકળ્યો છે. એમાંય સૌથી વધુ ઘટનાઓ એવી છે કે જેમાં પતિ કે પત્નીની બેવફાઈના કારણે પત્ની કે પતિ આપઘાત કરવા સુધીનું અંતિમ પગલું ભરી બેસતા હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી હતી. જેમાં પતિને પત્નીના પ્રેમ સંબંધની જાણ થતાં પતિએ મોતને વહાલું કર્યું હતું. આ કેસમાં પોલીસે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે મહિલા પ્રેમી બદલવાની આદત ધરાવતી હતી. તેણે એક-બે નહીં, ત્રણ-ત્રણ લોકો સાથે મહિલાએ પ્રેમના ખેલ ખેલ્યા હતા.

ફિલ્મને પણ ટક્કર મારે તેવી આ કહાની એવી છે કે, અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં 14 દિવસ પહેલા ભરત મારુ નામના યુવકે આપઘાત કર્યો હતો. જેની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે આત્મહત્યા માટે તેની પત્ની દક્ષા અને તેનો પ્રેમી જિગ્નેશ જવાબદાર છે. તેથી પોલીસે તે બંનેની ધરપકડ કરી. પોલીસે આ પહેલા પુરતા પુરાવા એકત્ર કર્યા હતા અને બાદમાં તે બંનેને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જેમાં આરોપી પત્નીએ જે ખુલાસા કર્યા તે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી છે.

દક્ષા અગાઉ બે વાર પ્રેમના ખેલ ખેલી ચુકી છે. દક્ષાના પહેલા લગ્ન 10 વર્ષ પહેલા નિતીન સોલંકી સાથે સમાજના રીતિરિવાજ મુજબ થયા હતા. પરંતુ લગ્નના થોડા જ દિવસ બાદ સામે આવ્યુ કે દક્ષા ગારિયાધારના એક યુવકના પ્રેમમાં હતી. આ વાતની જાણ થતાં તેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા હતા. બાદમાં 9 વર્ષ પહેલા દક્ષા ગીતામંદિર રોડ પર પોતાની બહેન સાથે રહેવા આવી ગઈ હતી. તે સમયે તેનો પરિચય મ઼તક ભરત મારુ સાથે થયો. બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો અને તેમણે લગ્ન પણ કરી લીધા.

દાંપત્ય જીવન દરમિયાન તેમને 3 વર્ષનો બાળક પણ છે. જોકે છેલ્લા 3 મહિનાથી દક્ષા જિગ્નેશ મકવાણા નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી અને તેની જાણ દક્ષાના પતિ ભરતને થઈ હતી. જેથી ભરત દુઃખી રહેતો હતો અને કોઇની સાથે વાતચીત પણ કરતો ન હતો. 7 સપ્ટેમ્બરના રોજ ભરતે માતાને એક પેન ડ્રાઇવ અને બે મોબાઇલ ફોન આપ્યા હતા અને કહ્યું હતું કે, દીપકને આપી દેજે. ત્યારબાદ ભરત સુઇ ગયો હતો.

જો કે, બીજા દિવસે ભરતે આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ પેન ડ્રાઇવની તપાસ કરતા પત્નીને તેના જ વિસ્તારમાં રહેતા પ્રેમી જિગ્નેશ ઉર્ફે કાલુ સાથે સબંધ હોવાનું ખુલ્યું હતું. તેથી જ ભરતે આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે ભરતની પત્ની દક્ષાને આ અંગે જાણ કરવામાં આવી ત્યારે કંઈ બન્યું જ ન હોય તેમ વર્તન કર્યું હતું.

આ મામલે ભરતની માતાએ પુત્રવધુ દક્ષા અને તેના પ્રેમી જિગ્નેશ વિરુદ્ધ દુષપ્રેરણાની ફરિયાદ કરતા પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની અટકાયત કરી છે.