9માં માળેથી યુવક પાર્કિંગમાં ઉભેલી BMW કાર પર પડ્યો, કારનો નીકળી ગયો કચ્ચરઘાણ

વૉશિંગ્ટનઃ અમેરિકામાં ભયંકર દુર્ઘટનાનો શિકાર બનેલા એક વ્યક્તિએ જે રીતે મોતને માત આપી છે, તે જોઈ તમામ લોકો ચોંક્યા હતા. એક વ્યક્તિ લગભગ 100 ફૂટની ઊંચાઈએથી કાર પર પડ્યો અને પછી ઉઠીને નીકળવા લાગ્યો. જોકે આસપાસના લોકોએ તેને એમ્બ્યૂલન્સ આવવા સુધી ત્યાં જ રોકાવવા કહ્યું હતું. જે પછી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો. વ્યક્તિના હાથનું હાડકું તૂટ્યું હતું અને અન્ય નાની-મોટી ઈજા થઈ હતી.

એક એહવાલ અનુસાર, આ દુર્ઘટનાને 21 વર્ષીય ક્રિસ્ટિના સ્મિથે પોતાના કેમેરામાં કેદ કરી હતી. ક્રિસ્ટિના ન્યૂજર્સીના જર્નલ સ્કવેર પર ફરી રહી હતી. ત્યારે જ તેને જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો. તે તાત્કાલિક તે તરફ ગઈ અને જોયું તો એક વ્યક્તિ કાર પર પડ્યો છે અને કારનો ભુક્કો બોલાઈ ગયો છે. તે સમજી ગઈ વ્યક્તિ બિલ્ડિંગની ઉપરથી પડ્યો છે.

ક્રિસ્ટિનાએ કહ્યું કે,‘હું જેવી જ ત્યાં પહોંચી. તે વ્યક્તિ કૂદીને કારની છત પરથી નીચે ઉતર્યો અને મને સવાલ કર્યો કે- શું થયું છે? મે તેને જણાવ્યું કે તે એક બિલ્ડિંગ પરથી પડ્યો છે. તે ત્યાંથી જવા લાગ્યો પરંતુ આસપાસના લોકોએ તેને અટકાવી દીધો હતો. થોડા સમય બાદ એમ્બ્યૂલન્સ આવી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો.’ ક્રિસ્ટિનાના મતે જો ત્યાં પાર્કિંગમાં કાર ના હોત તો તે વ્યક્તિનું બચવું શક્ય નહોતું.

ક્રિસ્ટિનાએ કહ્યું કે, આ માણસ 100 ફૂટ કે તેથી વધુની ઊંચાઈએથી નીચે પડ્યો અને તાત્કાલિક જ કાર પરથી કૂદી નીચે ઉતર્યો તથા સામાન્ય વ્યક્તિની જેમ જવાનો પ્રયાસ કર્યો હતો. આ એક ચમત્કારથી ઓછું નથી.

ઈજાગ્રસ્ત વ્યક્તિ જે બિલ્ડિંગમાંથી પડ્યો ત્યાં તે કામ કરતો નથી. તે કોણ છે અને તે બિલ્ડિંગમાં શા માટે ગયો હતો તે અંગે હાલ માહિતી સામે આવી નથી. પોલીસે જણાવ્યું કે, તે વ્યક્તિના હાથનું હાડકું તૂટ્યું છે અને તેને નાની-મોટી ઈજાઓ થઈ છે. અન્ય ગંભીર ઈજાઓ અંગે માહિતી નથી. હોસ્પિટલથી રજા મળ્યા બાદ પોલીસ તેની પૂછપરછ હાથ ધરશે.