‘જલસા’ની બાજુમાં કોણે ભાડે લીધો બંગલો, ભાડું જાણી ચક્કર આવી જશે

મુંબઈઃ હિન્દી સિનેમાના મેગા સ્ટાર અમિતાભ બચ્ચનના પાડોશી બનવું દરેક માટે ગર્વની વાત હોય છે. પરંતુ તેમના પાડોશમાં રહેવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે અને તેટલી કિંમત સામાન્ય વ્યક્તિ ચૂકવી શકે નહીં. અમિતાભ બચ્ચનના પાડોશનું ઘર પણ એક્ટરનું જ છે. આ સ્થળને ભાડે આપવા પર તેઓ લાખો રૂપિયાનું ભાડું વસૂલતા રહ્યાં છે. આ વખતે પણ મહિને લગભગ 19 લાખના ભાડા માટે એક બેંક સાથે 15 વર્ષ માટે કરાર થયો છે. 2 વર્ષ અગાઉ પણ અહીં એક બેંક જ હતી.

મુંબઈના સૌથી પૉશ વિસ્તારમાં સામેલ જુહૂમાં અમિતાભ બચ્ચન પાસે ઘણા બંગલા છે. અમિતાભ બચ્ચન વર્ષો સુધી પોતાના માતા-પિતા સાથે પ્રતિક્ષા બંગલોમાં રહ્યાં હતા. તે પછી તેઓ એક બીજા બંગલા જલસામાં ગયા હતા. જલસા બંગલાની પાછળ જ જલક નામના બંગલામાં તેમની અને તેમની ફિલ્મ કંપની સરસ્વતી પિક્ચર્સની ઓફિસ આવેલી છે.

જલસા પાસે વધુ એક સ્થળ છે જ્યાં 2 વર્ષ અગાઉ સુધી સિટી બેંક કામ કરતું હતું. તે સ્થળના માલિકી પણ અમિતાભ પાસે જ હોવાનું મનાય છે, આ સ્થળ 2 વર્ષ અગાઉ ખાલી કરાવવામાં આવી હતી.

કોરોની મહામારીના કેસ ઓછા થતા મુંબઈમાં બિઝનેસ એક્ટિવિટીઝ ફરી શરૂ થઈ છે. ફિલ્મ્સ, વેબ સીરિઝ અને ટીવી સીરિયલ્સનું શૂટિંગ પણ ધડાધડ ચાલી રહ્યું છે. આ સાથે જ મુંબઈના અંધેરી, જુહૂ સહિતના વિસ્તારોમાં પ્રોપર્ટીના ભાવ વધી રહ્યાં છે. જેથી અમિતાભના પાડોશમાં એસબીઆઈ પોતાની બ્રાન્ચ શરૂ કરી રહી છે. આ માટે અમિતાભ બચ્ચને 15 વર્ષનો લીઝ એન્ડ લીવ એગ્રીમેન્ટ સાઈન કર્યો છે.

એક પ્રોપર્ટી વેબસાઈટ અનુસાર, અમિતાભે બેંકને આપેલા સ્થળ સામે તેમને દરમહિને 18.90 લાખ રૂપિયા મળશે. આ કરારના રજીસ્ટ્રેશન માટે 31 લાખની સ્ટેમ્પ ડ્યૂટીની સાથે 30 હજાર રૂપિયા રજીસ્ટ્રેશન ફી તરીકે જમા કરવામા આવ્યા છે. રજીસ્ટ્રેશનના પેપર પર અમિતાભ અને અભિષેકના હસ્તાક્ષર જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે.

કરાર અનુસાર, દર 5 વર્ષે ભાડામાં 25 ટકાનો વધારો થશે. એસબીઆઈ દ્વારા 2.26 કરોડ રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ પણ અમિતાભ બચ્ચનને કરી દીધું છે, જે 1 વર્ષનું ભાડું માનવામા આવી રહ્યું છે.