ગુજરાતના આ ગામમાં લૂંટારુંઓને લૂંટ કરવી ભારે પડી, ગામના લોકોએ ફિલ્મી સ્ટાઈલે ઝડપી પાડ્યા

બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં આવેલા જાત-ભાડલી ગામે લૂંટની એક ઘટના સર્જાઈ હતી. આ લૂંટ ફિલ્મને પણ ટક્કર મારે તેવી હતી. આ ગામમાં સાધુ-બાવાના વેશમાં હરિયાણા પાસિંગની એક કાર લઈને આવેલા ત્રણ શખ્સોએ સોનાની મરકી અને રોકડ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ લૂંટથી ગામમાં દોડધામ મચી ગઈ હતી. લૂંટ ચલાવી આ શખ્સો ભાગવાના ભાગી રહ્યાં હતાં પરંતુ ગ્રામજનોએ ટ્રેક્ટર લઈને કારનો ફિલ્મી સ્ટાઈલમાં પીછો કર્યો હતો ત્યાર બાદ આ શખ્સોને પકડી પાડ્યા અને લોકોએ તેમના હાલ-બેહાલ કર્યાં હતાં.

હરિયાણા પાર્સિંગની એક કારમાં સવાર ત્રણ શખ્સો દાંતીવાડાના જાત-ભાડલી ગામે પહોંચ્યા હતાં જ્યાં આ શખ્સોએ સોનાની મરકી અને રોકડ રૂપિયાની લૂંટ ચલાવી હતી જેના કારણે ગામમાં હોબાળો મચી ગયો હતો જેના કારણે આ લૂંટારુઓ કાર લઈને ભાગી ગયા હતા ત્યાર બાદ ગામમાં આ લૂંટની જાણ થતાં જ ગ્રામજનો ટ્રેક્ટર લઈને આ લૂંટારુંઓનો પીછો કર્યો હતો.

મહત્વની વાત એ છે કે, લૂંટારુંઓ કાર લઈને ભાગી રહ્યાં હતા તે દરમિયાન તેમની કાર રણમાં ફસાઈ જતાં ટ્રેક્ટર લઈને પીછો કરી રહેલા ગ્રામજનોએ તેમને પકડી પાડ્યા હતાં અને મેથીપાક ચખાડ્યો હતો. આ શખ્શો પકડાઈ જતાં લોકોના ટોળેટોળાં ઉમટ્યાં હતાં તે દરમિયાન આ ફિલ્મી દ્રશ્યોને પણ ટક્કર મારે તેવા હતાં.

પોલીસ સુત્રો પ્રમાણે, જાત અને ભાડલી ગામ પાસે લૂંટની ઘટના સર્જાઈ હતી. અહીં સાધુ-બાવાના વેશમાં આવેલા ત્રણ શખ્સોએ રાહદારીઓને રસ્તો પૂછવાનું કહી મંત્રેલું પાણી પીવડાવી અને સોનાની મરકી અને રોકડ સહિતની લૂંટ ચલાવી હતી. જોકે ભોગ બનનાર કઈ સમજે તે પહેલાં જ આ લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતાં.

જોકે, લૂંટ કરીને આ શખ્સો ભાગી જતાં તેમની પાછળ ગ્રામજનો ટ્રેક્ટર લઈને દોડ્યા હતા ત્યાર બાદ ચોર પોલીસ જેવો ખેલ ચાલી રહ્યો હતો તે દરમિયાન રેતાળ વિસ્તારમાં લૂંટારૂઓની કાર ફસાઈ જતાં તેઓને રોવાનો વારો આવ્યો હતો. લૂંટારૂઓને ઝડપી પાડીને ગ્રામજનોએ પાંથાવાડા પોલીસ સ્ટેશને સોંપી દીધા હતાં. પોલીસે આ ત્રણ શખ્સોએ હરિયાણા પાસીંગની મારૂતિ સ્વીફ્ટ ડિઝાયર કાર પણ કબ્જે કરી હતી.