એક દીકરાનો બાપ હતો મામા, ભાણીના પ્રેમમાં ભાન ભૂલીને થઈ ગયા ફરાર

એક સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિણીત મામો તેની ભાણીને ભગાડીને લઈ ગયો હતો. આ અંગે યુવકના સસરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.

બિહારના પટનાના નવાદા જિલ્લાના બુધવારા ગામમાં રહેતા વિનોદ શર્માએ જમાઈ પર કાર્યવાહી કરવાની માગણી કરી છે. સસરા વિનોદ શર્માએ કહ્યું હતું કે તેમનો જમાઈ પત્નીને છોડીને ભાણીને ફોસલાવીને ભાગી ગયો છે. વજીરગંજ પોલીસ સ્ટેશનમાં રહેતા ઉપેન્દ્ર શર્માના પુત્ર ધર્મેન્દ્ર શર્મા ઉર્ફે ચંદન શર્મા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે. તેમણે કહ્યું હતું કે પપ્પુ શર્માની મોટી દીકરી રાની કુમારીને 13 સપ્ટેમ્બરે ફોન કરીને બોલાવી હતી અને પછી ફરાર થઈ ગયો હતો. શોધખોળ બાદ પણ મળી નહોતી.

વિનોદ શર્માએ કહ્યું હતું કે 2015માં તેમણે દીકરીના લગ્ન ધર્મેન્દ્ર સાથે હિંદુ રીત રિવાજ પ્રમાણે કરાવ્યા હતા. લગ્ન બાદ દીકરીએ દીકરાને જન્મ આપ્યો હતો. ધર્મેન્દ્ર મુંબઈમાં પ્રાઇવેટ નોકરી કરતો હતો. વચ્ચે વચ્ચે પત્નીને મળવા આવતો હતો. અહીંયા તેણે ભાણીને ફોસલાવી અને તેને લઈ ફરાર થઈ ગયો હતો. ઉપેન્દ્ર શર્મા, રેણુ દેવી, ધર્મેન્દ્ર શર્મા વિરુદ્ધ ફરિયાદ કરી છે.

મામા-ભાણી વચ્ચે છેલ્લાં બે વર્ષથી અફેર ચાલતું હતું અને આ જ કારણે ધર્મેન્દ્ર મુંબઈથી આવ્યો હતો. થોડાં દિવસ બાદ તે ભાણીને મળવા બોલાવતો હતો અને ત્યારબાદ ફોન કરીને નવાદાજના સદભાવના ચોક બોલાવીને પ્લાનિંગ સાથે ભાણી સાથે ભાગી ગયો હતો. સસરાએ અરજી આપ્યા બાદ પણ હજી સુધી ધર્મેન્દ્રની કોઈ ભાળ મળી નથી.