જીમ ટ્રેનર પર મોહી ગઈ હતી ડૉક્ટરની પત્ની? ગોળીઓ વાગવા છતાંય જિમ ટ્રેનર જાતે સ્કૂટી ચલાવીને હોસ્પિટલ પહોંચ્યો

ફેમસ ડૉક્ટરની પત્નીને જીમ ટ્રેનર વચ્ચે કલાકો સુધી ફોન પર વાતો થતી હતી. આ સંબંધનો ખતરનાક અંજામ આવ્યો છે. જીમ ટ્રેનર પર અજાણ્યા શખ્સો એ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળ વાગવા છતાં જીમ ટ્રેનર 2.5 કિલોમિટર જાતે સ્કૂટી ચલાવી હોસ્પિટલ પહોંચ્યો હતો. હોસ્પિટલમાં તેના શરીરમાંથી પાંચ ગોળીઓ કાઢી લેવામાં આવી છે. બીજી તર પોલીસે ડૉક્ટર અને તેની પત્ની સામે ફરિયાદ દાખલ કરી છે. જીમ ટ્રેનર અને ડૉક્ટરની પત્ની  વચ્ચે  9 મહિનામાં 1100 વખત કૉલ થયા હતા.

આ ચકચારી બનાવ બિહારની રાજધાની પટનામાં ચર્ચાનો વિષય બન્યો છે. અહીંના જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ ડો. રાજીવ કુમાર સિંહ અને તેની પત્ની ખુશ્બૂ વિરુદ્ધ કદમકુઆ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. શનિવાર, 18 સપ્ટેમ્બરની મોડી સાંજે પોલીસે આ વાત કન્ફર્મ કરી હતી. પોલીસે ગંભીર રીતે ઘાયલ જિમ ટ્રેનર વિક્રમના નિવેદનને આધારે પોલીસ ફરિયાદ કરી છે. અનેક કલાકોની પૂછપરછ બાદ ડોક્ટર તથા તેની પત્નીને હાલમાં છોડી મૂકવામાં આવ્યા છે. પોલીસ પૂછપરછ માટે બીજીવાર બોલાવી શકે છે. બંને પર જિમ ટ્રેનર વિક્રમ સિંહને ગોળી મારવાનો ગંભીર આરોપ છે.

શું હતી ઘટના
શનિવાર, 18 સપ્ટેમ્બરે સવારે કદમકુઆંના બુદ્ધમૂર્તિની પાસે ગુનેગારોએ જે જિમ ટ્રેનર વિક્રમ સિંહને પાંચ ગોળીઓ મારી હતી. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેણે પોલીસ નિવેદનમાં ડો. રાજીવ તથા તેમની પત્ની ખુશ્બૂ સિંહનું નામ આપ્યું હતું. કદમકુઆં પોલીસને આપેલા નિવેદનમાં વિક્રમે કહ્યું હતું કે ડૉક્ટરે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે ઘરેથી નીકળ્યો તો રસ્તામાં બે ગુનેગારોએ તેની પર ફાયરિંગ કર્યું હતું.

નિવેદનમાં રાજીવ તથા તેની પત્નીનું નામ આવતા એસએસપી ઉપેન્દ્ર કુમાર શર્માના આદેશ પર પાટલિપુત્ર પોલીસ તેમના ઘરે ગઈ હતી. કસ્ટડીમાં લઈને પોલીસ સ્ટેશન આવી હતી. ડોક્ટરે શરૂઆતમાં એક પણ સવાલના જવાબ સીધી રીતે આપ્યા નહીં અને ગોળ ગોળ જવાબ આપ્યા હતા.

પોલીસને ઘટનાસ્થળે ચોંકાવનારી વસ્તુ મળીઃ રાજધાનીમાં જે રીતે જિમ ટ્રેનર પર જીવલેણ હુમલો થયો તેનાથી પટના પોલીસ પણ નવાઈમાં મૂકાઈ છે. વિક્રમ પર ફાયરિંગ કરવા માટે શાર્પ શૂટરને સોપારી આપવામાં આવી હતી. પોલીસને એ વાત ખબર પડી કે ફિઝિયોથેરપિસ્ટની પત્ની ખુશ્બૂ સિંહ તથા જિમ ટ્રેનર વચ્ચે અંગત સંબંધો હતા. આ વાતની જાણકારી ડોક્ટરને થતાં જ તેણે જિમ ટ્રેનરને ધમકી આપવાનું શરૂ કર્યું હતું અને તેથી જ વિક્રમ, ખુશ્બૂથી દૂર થઈ ગયો હતો.

સીડીઆરમાં ખુશ્બૂ-વિક્રમની વાતચીતના અનેક પુરાવા મળ્યાઃ પટના પોલીસને આ કેસની તપાસ કરવા માટે ઘાયલ જિમ ટ્રેનરનો મોબાઇલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ પોલીસે કોલ ડિટેલ્સ શોધી હતી. એસએસપી ઉપેન્દ્ર કુમાર શર્માના મતે, ખુશ્બૂ તથા વિક્રમની વચ્ચે આ વર્ષથી જાન્યુઆરીથી લઈ અત્યાર સુધી 1100 વાર વાત થઈ હતી. બંને વચ્ચે લેટ નાઇટ વાત થતી હતી. મોટાભાગે બંને વચ્ચે 30-40 મિનિટ વાત થતી હતી. શરૂઆતની તપાસમાં એ વાત સામે આવી કે આ વર્ષે 18 એપ્રિલના રોજ પહેલી જ વાર ડોક્ટર રાજીવે ફોન કરીને વિક્રમ સાથે વાત કરી હતી. આ દરમિયાન તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડોક્ટર તથા ખુશ્બૂ બંનેએ પોલીસ પૂછપરછમાં સહયોગ આપ્યો નહીં.


ખુશ્બૂ વિક્રમના ઘરે આવીને રડવા લાગી હતીઃ ઘાયલ વિક્રમનો નાનો ભાઈ પણ જિમ ટ્રેનર છે. નાના ભાઈએ કહ્યું હતું કે ખુશ્બૂ જબરજસ્તી તેના ભાઈની પાછળ પડી હતી. જ્યારે તેની ભાઈ સાથે વાત થતી નહોતી ત્યારે તે એકવાર ઘરે આવીને રડવા લાગી હતી અને ઘણું બોલીને જતી રહી હતી. આખા મોહલ્લાએ આ સીન જોયો હતો. તે કોઈ પણ હાલતમાં ભાઈ સાથે વાત કરવા માગતી હતી. આ વાત 3-4 મહિના પહેલાની જ છે. ત્યારબાદ તેણે એકવાર રાતના 12 વાગે તેને ફોન કર્યો હતો. ખુશ્બૂ સિંહને કારણે જ તેના પતિ ડો.રાજીવે તેના ભાઈ વિક્રમને ગોળી મારી છે.

પ્રાઇવેટ હોસ્પિટલે દાખલ ના કર્યો તો પીએમસીએચ પહોંચ્યોઃ 26 વર્ષીય વિક્રમનો પરિવાર મૂળ બાંકાના હરપુર ગામનો છે. પિતા હરે રામ સિંહ ઇન્ટિરિયર ડેકોરેટર છે. બે ભાઈ તથા એક ભાઈમાં વિક્રમ મોટો છે. પૂરો પરિવાર લોહાનીપુરના ગોરૈયામાં ભાડાના મકાનમાં રહે છે. સવારે છ વાગે વિક્રમ ઘરથી પટના માર્કેટ સ્થિત સિટી જિમમાં જવા નીકળ્યો હતો. હાલમાં તે અહીંયા ટ્રેનર છે. તે સ્કૂટી લઈને નીકળ્યો હતો. આ પહેલાં તે કંકડબાગ તથા બોરિંગ રોડના જિમમાં કામ કરતો હતો.


બુદ્ધમૂર્તિની પાસે લોહા ગલીમાં જ્યારે તે આવ્યો તો બંને તરફ ઊભેલા શાર્પ શૂટરોએ તેને ગોળી મારી હતી. બે હાથમાં, બે પગમાં અને એક ગોળી કમરમાં વાગવા છતાંય વિક્રમ હિંમત હાર્યો નહીં. તે સ્કૂટી ચલાવીને મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયો હતો. તેના શરીરમાંથી લોહી વહેતું હતું. જોકે, પ્રાઇવેટ હોસ્પિટલે તેને દાખલ કર્યો નહીં. અહીંથી તે અઢી કિમી દૂર સ્કૂટી ચલાવીને પીએમસીએચ ગયો હતો. અહીંયા પિતાને ફોન કરીને ગોળી વાગી હોવાની માહિતી આપી હતી. કમરમાં વાગેલી ગોળી શરીરમાં હજી પણ છે, બાકીની ચાર ગોળીએ ડોક્ટરે કાઢી નાખી છે.


દોડતા જોવા મળ્યા શાર્પ શૂટરઃ જિમ ટ્રેલરને ગોળી માર્યા બાદ પટનામાં આ હાઇપ્રોફાઇલ કેસ બની ગયો છે. ઘટનાની માહિતી પોલીસને કોઈએ ફોન કરીને આપી હતી. ત્યારબાદ કદમકુઆં પોલીસ આવી હતી. પછી સિટી એસપી સેન્ટ્રલ અમબરિશ રાહુલ તથા અન્ય અધિકારી આવ્યા હતા. જે જગ્યાએ ગોળી મારવામાં આવી ત્યારે ગુનેગારો વગર વાહને જોવા મળ્યા હતા. પોલીસે સીસીટીવી ફુટેજ ચેક કર્યા તો ખ્યાલ આવ્યો કે ગોળી માર્યા બાદ બંને શાર્પ શૂટર દોડતા ભાગી ગયા હતા. પોસીને શંકા છે કે તેમણે ઘટનાસ્થળથી દૂર કાર પાર્ક કરીને રાખી હશે.

મોડલિંગ તથા ફિલ્મમાં કામ કર્યું છેઃ વિક્રમ સિંહ માત્ર જિમ ટ્રેનર નથી. તેણે મોડલિંગ પણ કર્યું છે. 2015માં તે દેવ એન્ડ દિવાનો વિનર પણ રહી ચૂક્યો છે. મિત્રોના મતે, તેણે હિંદી તથા ભોજપુરીમાં કામ કર્યું છે. તેને સોંગ્સ પણ ગાયા છે. હિંદી તથા ભોજપુરીમાં તેના અનેક આલ્બમ આવ્યા છે. તેણે કોરસ ડાન્સર તરીકે રેપર બાદશાહ સાથે કામ કર્યું છે. સોનમ કપૂર તથા કરીના કપૂરના વીડિયો આલ્બમમાં પણ કામ કર્યું છે. ક્રિતિ સેનનને પણ તે મળી ચૂક્યો છે.

રાજીવને જેડીયુમાંથી હટાવ્યોઃ પૂર્વ બોરિંગ કેનાર રોડની રાય જી ગલીમાં ડો. રાજીવનું સાઇ ફિઝિયોથેરપી સેન્ટર છે. બોલિવૂડ એક્ટર્સ તથા ક્રિકેટર્સ સાથે રાજીવને ફોટો પડાવવાનો શોખ છે. આદિત્ય પંચોલી, બોબી દેઓલ, જેકી શ્રોફ સહિત અનેક સ્ટાર્સ સાથે તેના ફોટો છે.

રાજીવ રાજકારણમાં પણ છે. તે હાલના મુખ્યમંત્રી નિતિશ કુમારની પાર્ટી જેડીયુમાં ડોક્ટર્સ સંગઠનનો ઉપાધ્યક્ષ છે. જોકે, પોલીસે પતિ-પત્નીને અરેસ્ટ કર્યા એટલે જેડીયુએ રાજીવને હટાવી દીધો હતો અને આ અંગેની પ્રેસ રિલીઝ પણ જાહેર કરી હતી.