ટ્રકે જોરદાર ટક્કર મારતાં ઈકો કાર હવામાં ફંગોળાઈ, ઘટનાસ્થળે એક જ પરિવારના બે સભ્યોના મોત

નવસારીથી કામરેજ જઈ રહેલા મધ્યપ્રદેશના એક પરિવારને ખડસુપા નજીક ગંભીર અકસ્માત નડ્યો હતો જેમાં પરિવારના બે સભ્યોનાં મોત નિપજ્યાં હતાં, જ્યારે 5 સભ્યો ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈકો કાર કોઈ કારણોસર બંધ પડી ગઈ હતી તે દરમિયાન એક ટ્રકે પાછળથી જોરદાર ટક્કર મારી હતી જેને કારણે કાર હવામાં ફંગોળાઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ હાઈવે ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી હતી.

નવસારીથી કામરેજ જઈ રહેલા મધ્ય પ્રદેશના એક પરિવારની ઈકો કાર ખડસુપા નજીક બંધ પડી ગઈ હતી તે દરમિયાન પાછળથી આવી રહેલા એક ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ ઈકો કાર હવામાં ફંગોળાઈ હતી. જેને લઈને ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં જ કારમાં સવાર એક જ પરિવારના સભ્યો લોહિલુહાણ થઈ ગયા હતા અને રસ્તા પર પડ્યા હતાં. આ દ્રશ્યો જોઈને સ્થાનિક લોકો હચમચી ઉઠ્યા હતાં.

લોહીથી લથબથ પડેલા લોકોને સ્થાનિક લોકોએ તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તૈયારીઓ કરી હતી. ગંભીર અકસ્માત બાદ હાઈવે ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતાં.

બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગતો પ્રમાણે, મધ્યપ્રદેશનો પરિવાર છેલ્લા એક મહિનાથી નવસારીમાં મજૂરીકામ કરતો હતો અને રાત્રે કામરેજ જઈ રહ્યો હતો. તે દરમિયાન રાતે બે વાગ્યાના અરસામાં ઈકો કાર ખડસુપા પાસે પહોંચી હતી ત્યારે ટેક્નિકલ ખામી સર્જાતાં કાર બંધ પડી ગઈ હતી. પરિવારના સભ્યો ભરનિદ્રામાં હતા તે સમયે બેફામ આવતી ટ્રકે કારને જોરદાર ટક્કર મારી હતી જેને કારણે ઈકો કાર હવામાં ફંગોળાઈ હતી અને કારમાં સવાર એક જ પરિવારના બે સભ્યોનાં મોત નિપજ્યા હતાં.

ઈજાગ્રસ્ત વિનુ ધુલિયા નિનામાએ સુરત સિવિલમાં સારવાર દરમિયાન જણાવ્યું હતું કે, એક મહિનાથી નવસારીમાં મજૂરીકામ કરી રહ્યા હતા. ઈજાગ્રસ્ત તમામ એક જ પરિવારના સભ્યો છે. કારમાં 10 મોટા અને 2 બાળકો સવાર હતાં. નવસારીથી રાત્રે ઈકો કારમાં બેસી કામરેજ આવવા નીકળ્યા હતા તે દરમિયાન ખડસુપા પાસે બે વાર કાર બંધ પડી ગઈ હતી. ડ્રાઈવર નીચે ઊતરી કોઈને ફોન કરી રહ્યો હતો. ત્યારે તમામ સભ્યો ઊંઘતા હતા. ત્યારે અચાનક જોરદાર અવાજ આવ્યો ને કાર હવામાં ફંગોળાઈ હોય એવો અહેસાસ થયો હતો. તમામની ચિચિયારી પડી ગઈ હતી. બધા જ લોહીલુહાણ હાલતમાં રોડ ઉપર પડેલા હતા.