રાત્રે ઘરમાં આવી ચઢ્યો સાપ, ડંખ મારતા માતાનું મોત, ત્રણ બાળકો કોમામા: ખૂબ જ કરૂણ બનાવ

એક ખૂબ જ આધાતજનક બનાવ સામે આવ્યો છે. રાત્રે ઘરમાં સૂતી વખતે મહિલા અને ત્રણ બાળકોને સાપ ડંખ માર્યો હતો. હચમચાવતી આ ઘટનામાં મહિલાનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ બાળકો ઝેરની અસરથી કોમામાં સરી પડ્યા છે. ત્રણેય બાળકોની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલું છે.

આ દુખદ બનાવ રાજસ્થાનનો છે. કોટાના બુંદી ગામના ગુઢા નાથાવતાનના હાથઈ ખેડા વિસ્તારમાં બુધવાર, 11 ઓગસ્ટની રાત્રે ઘરમાં સૂતી એક મહિલા તથા ત્રણ બાળકોને સાપ (કરૈત પ્રજાતિ)એ દંશ માર્યો હતો.ઘરના રૂમમાં માતા નિર્મલા (35) પલંગ પર સૂતી હતી. તેની જોડે દીકરો પ્રદીપ (15), દોહિત્ર માહિમ (5) તથા દોહિત્રી સમીક્ષા (10) તથા સોનાક્ષી સૂતા હતા. મોડી રાત્રે સાપ પલંગ પર ચઢ્યો હતો અને એક પછી એક દંશ માર્યા હતા. જોકે, સોનાક્ષીને સાપે દંશ માર્યો નહોતો.

સાપે ડંખ માર્યા હોવા છતાંય કોઈને કંઈ જ ખબર પડી નહોતી. થોડીવાર બાદ મહિલાને ગભરામણ તથા ગળું સૂકાવવા લાગ્યું હતું. તે ઊઠીને બહાર આવી તો તેણે આંગણામાં સાપ જોયો હતો. તેણે પરિવારને જગાડ્યો હતો અને ઘરના લોકોએ સાપને મારી નાખ્યો હતો.

ઉલટીઓ થતાં ગેસ થયો હોવાનું માન્યું: થોડીવાર બાદ નિર્મલાને વોમિટિંગ થવા લાગી હતી. પરિવારને ખ્યાલ ના આવ્યો કે સાપે ડંખ માર્યો છે. ફૂડપોઈઝનિંગ થયું હોવાનું માનીને ડોક્ટરને બોલાવ્યો હતો. તે પણ ગેસની દવા આપીને જતો રહ્યો હતો. જોકે, નિર્મલાની સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નહીં અને તેને જિલ્લાની હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અહીંથી તેને કોટા જવાનું કહેવામાં આવ્યું હતું.

ઘરમાં બાળકોની પણ તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેમને કોટાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સારવાર દરમિયાન નિર્મલાનું મોત થઈ ગયું છે. પ્રદીપ, સમીક્ષા તથા માહિમ કોમમાં છે. સોનાક્ષીએ સાપ કરડ્યો નહોતો અને તેથી જ તે બચી ગઈ છે.

સૌથી ઝેરીલો સાપ કરડ્યોઃ કરૈત સાપની એક પ્રજાતિ છે. ભારતીય ઉપમહાદ્વીપના જંગલોમાં જોવા મળે છે. તે ઘણો જ ઝેરીલો છે. ભારતના સૌથી ખતરનાક ચાર સાપમાંથી એક છે. આ શ્રેણીના સાપ મોટાભાગે રાતમાં નીકળે છે. રાતના સમયે જ્યારે વ્યક્તિ સૂતો હોય ત્યારે પથારીમાં ઘુસીને ધીમેથી ડંખ મારે છે. તેના દાંત પાતળા હોવાથી ઉંઘમાં રહેતી વ્યક્તિને ખ્યાલ પણ આવતો નથી. જ્યાં સુધી જાણ થાય ત્યાં સુધીમાં તો વ્યક્તિનું મોત થઈ જાય છે. કરૈતને પીવણા સાપ પણ કહેવામાં આવે છે.