યુવાન ગળી ગયો આખે આખું ટુથબ્રશ, એક્સ-રેમાં પણ ન આવ્યું નજર, જુઓ તસવીરો

ટુથબ્રશ તમે રોજ કરો છો, પણ વિચારો કે તે સીધુ તમારા પેટમાં ચાલ્યું જાય તો કેવી હાલત થાય. જોકે તમે જ કહેશો કે આવું તો શક્ય જ નથી. પણ તમને જાણીને નવાઈ લાગશે કે હકીતમાં આવી ઘટના બની છે. આ ઘટના વિશે સાંભળીને તમારું મગજ પણ ચકરાવે ચડી જશે.

આ અજીબોગરીબ ઘટના ઔરંગાબાદમાં સામે આવી છે. જ્યાં એક શખ્સ બ્રશ કરતી વખતે આખું બ્રશ જ ગળી ગયો હતો. તેને તાત્કાલિક ઔરંગાબાદ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં શખ્સની હાલત ખૂબ જ ગંભીર હતી, પણ ઓપરેશન બાદ તેની તબિયત ખતરામાંથી બહાર આવી છે.

વિજય જનાર્ધન જાધવ નામના આ શખ્સે 26 ડિસેમ્બરના રોજ બ્રશ કરતી વખતે વખતે મોઢું ઉપર કર્યું હતું, દરમિયાન ટુથબ્રશ જ તેના પેટમાં ચાલ્યું ગયું હતું. ત્યાર પછી તરત જ તેને પેટમાં દર્દ થતાં પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ ડૉક્ટરોએ તેનો એક્સ-રે લીધો હતો, પણ પેટમાં બ્રશ નજરે ચડ્યું નહોતું. ત્યાર બાદ સીટી સ્કેન કરવામાં આવ્યો હતો, જેમાં પેટમાં ટુથબ્રથ ફસાયેલું દેખાયું હતું.

સીટી સ્કેનના રિપોર્ટ પછી 8 ડૉક્ટરોની એક ટીમે સર્જરી કરી હતી, ત્યાર પછી યુવાનના શરીરમાંથી ટુથબ્રશ બહાર કાઢવામાં આવ્યું હતું. વિજય જનાર્ધન જાદવ નામના આ યુવાનની તબિયત હવે સારી છે.

વિજય જનાર્ધન જાદવનું કહેવું છે કે ડૉક્ટરોના કારણે તેને બીજી જિંદગી મળી છે. તે હવે પહેલાં કરતાં સારું ફીલ કરી રહ્યો છે. ડૉક્ટરોએ કહ્યું હતું કે વિજય હવે પૂરી રીતે ઠીક છે, તેના પેટમાં ફસાયેલું ટુથબ્રશ કાઢી લેવામાં આવ્યું છે. હવે ડરવાની કોઈ વાત નથી. (તસવીરો સૌજન્ય-આજતક)