કાર નહેરમાં ખાબકતાં મહિલાએ 15 મિનિટ સુધી મોબાઈલ પર પતિને બચાવી લેવા આજીજી કરી, પણ…

રાજસ્થાનમાં એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. અહીં ડ્રાઈવર કાર ઉભી રાખીને પેશાબ કરવા રોકાયો હતો. તે હેન્ડબ્રેક મારવાનું ભૂલી ગયો હતો. કાર ઢસડાઈને નહેરમાં જઈ પડી હતી. કારમાં સવાર ચારેય લોકોના દર્દનામ મોત નિપજ્યા હતા. કાર નહેરમાં પડતાં જ અંદર સવાર લોકોએ બચવા માટે બૂમો પાડવા લાગ્યા હતા. એટલું જ નહીં એક મહિલાએ તેના પતિને ફોન કરી બચાવી લેવા પણ આજીજી કરી હતી. જોકે અંતે 15 મિનિટ સુધી તડપ્યા બાદ ચારેયના મોત નિપજ્યા હતા.

આ બનાવ રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં સામે આવ્યો હતો. કાર સવાર પરિવાર સીકરથી સંગરિયા જઈ રહ્યો હતો. દરમિયાન લખુવાલી પાસે કાર ચલાવી રહેલા રમેશ સ્વામી પેશાબ કરવા ઉતર્યો હતો. રમેશનું કહેવું છે કે તે હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયો હતો. આ દરમિયાન કાર નહેરમાં ખાબકી હતી. જેમાં વિનોદ કુમાર, તેની પત્ની રેનુ, દીકરી ઈશા અને સંબંધી સુનીતા ભાટી સવાર હતા.

કાર ચલાવી રહેલા રમેશ સ્વામીના કહેવા મુજબ તેણે તાત્કાલિક આની સૂચના લખુવાલી પોલીસ સ્ટેશનને આપી હતી. ત્યાર પછી પોલીસે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. 14 કલાકની મહેનતના અંતે કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. અને બાદમાં મૃતદેહો મળ્યા હતા.

તપાસમાં સામે આવ્યું છે કે કાર નહેરમાં ખાબકતાં જ સુનીતા ભાટીએ તેના પતિને ફોન કર્યો હતો. અંદાજે 15 મિનિટ સુધી ફોન ચાલુ રહ્યો હતો. સુનીતાએ પતિને કહ્યું હતું કે તેની કાર નહેરમાં પડી ગઈ છે. ત્યાર પછી બૂમો સંભળાવા લાગી હતી. બધા મદદ માટે બૂમો પાડતા હતા. વિનોદ અરોરાના ફોન પર અંદાજે 15 મિનિટ સુધી રીંગ જઈ રહી હતી. ત્યાર પછી બધુ શાંત થઈ ગયું અને બધાના ફોન બંધ થઈ ગયા હતા.

મૃતક વિનોદ અરોરા સાંગરિયામાં એક પ્રાઈવેટ સ્કૂલમાં નોકરી કરતો હતો. આ જ સ્કૂલમાં કાર ચલાવી રહેલો રમેશ સ્વામી અને સુનીતા ભાટી પણ ટીચરની નોકરી કરતા હતા. બધા લોકો સીકરમાં વિનોદ કુમારની દીકરી દીયાનું કોચિંગ ક્લાસમાં એડમીશન કરાવીને પરત આવી રહ્યા હતા.

સુનીતા ભાટી નામની મહિલા કારમાં જગ્યા ખાલી હોવાથી સંગરિયા તેના પતિને સરપ્રાઈઝ આપવા માટે જતી હતી. જોકે તેને ક્યાં ખબર હતી કે આ સફર જિંદગીની છેલ્લી સફર બની જશે.