ફેક્ટરીના માલિકની 24 કલાક પછી લાશ મળી, 500 મીટર દૂર કદાવમાં ખુપેલી હતી કાર

રાજકોટ જિલ્લામાં ગઈકાલે મેઘ તાંડવ સર્જાયો હતો. જેમાં ખીરસરા ગામ પાસે આવેલા છાપરા ગામ નજીક પેલિકન ફેક્ટરીના માલિકની i 20 કાર પાણીના વહેણમાં તણાઈ હોવાનાં ​​દૃશ્યો સામે આવ્યાં હતા.જેમાં પેલીકન કંપનીના માલિક કિશન શાહ સહીત 3 લોકો કારમાં સવાર હતા, જે પૈકી એક વ્યક્તિને કારમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવી છે, જ્યારે કારની અંદર રહેલી અન્ય બે વ્યક્તિની શોધખોળ છેલ્લા 24 કલાકથી કરવામાં આવી રહી છે.

જે દરમિયાન સવારના 6 વાગ્યાથી પોરબંદર નેવીની ટીમને સર્ચ ઓપરેશન દરમિયાન પેલીકન ફેક્ટરીના માલિક કિશનભાઈ શાહનો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે તેમની કાર 500 મીટર દૂર કાદવમાં ખુપાયેલી મળી આવી હતી. તેમનો ડ્રાઇવર હજુ પણ લાપતા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, પેલિકન ગ્રુપના માલિક કિશનભાઈ શાહ (ઉં.વ.50), તેમના ડ્રાઈવર અને અન્ય ત્રણ વ્યક્તિ સવારે i-20 કારમાં છાપરા ગામે આવેલી પોતાની ફેક્ટરીએ જવા નીકળ્યા હતા. આ પાંચેય લોકો જ્યારે આણંદપર-છાપરા ગામે આવેલા બેઠા પુલ પર પહોંચ્યા ત્યારે પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો. આ વેળાએ ડ્રાઈવરે આગળ જવાની ના પાડવા છતાં કિશનભાઈ શાહે કાર હંકારવા કહ્યું હતું, જેને કારણે કારમાં બેઠેલી બે વ્યક્તિ ત્યાં જ ઊતરી ગઈ હતી અને ડ્રાઈવરે કાર હંકારી મૂકી હતી.

આ વેળાએ ધસમસતા પ્રવાહમાં કાર તણાવા લાગી હતી, જેથી ત્યાં ઉપસ્થિત લોકોએ કારના કાચ ખોલીને એક વ્યક્તિને બચાવી લીધી હતી, પરંતુ કિશનભાઈ શાહ અને તેમના ડ્રાઈવર કાર સાથે પાણીના પ્રવાહમાં તણાઈ જતાં બન્ને લાપતા બની ગયા હતા. આ ઘટનાની જાણ એનડીઆરએફ અને ફાયરબ્રિગેડને કરવામાં આવતાં કાફલો તરત દોડી ગયો હતો અને પાણી ખૂંદવાનું શરૂ કરી દેવાયું હતુ.