ગુજરાતની દીકરીએ રસોઈયાની નોકરી કરી, રાત્રે પણ દોડવા જતી, કોન્સ્ટેબલ બની પિતાનું નામ કર્યું રોશન

આજની યુવતીઓ ઘણા સામાજિક પડકારોનો સામનો કરતાં કરતાં, આકરી આર્થિક કટોકટી વચ્ચે પણ સફળતા હાંસલ કરતી હોય છે. આવી જ સફળતા મેળવી છે પાટડીના માલધારી પરિવારની એક દીકરીએ. જેણે 3 વર્ષ કડિયાકામ કર્યું. ધોરણ-12માં 2 વિષયમાં નાપાસ થઈ. છતાં હિંમત ન હારી અને લક્ષ્ય ન છોડ્યું. પોતાની મહેનતના પ્રતાપે તે CRPF કોન્સ્ટેબલ તરીકે પસંદ થઈ છે.

સુરેન્દ્રનગરનાં પાટડીના ડૅપ્યુટી કલેક્ટરના રોજમદાર ડ્રાઇવરની દીકરી ભાવના ખાંભલાએ પોલીસ કોન્સ્ટેબલ અને સીઆરપીએફમાં પસંદગી થઈને માલધારી સમાજનું ગૌરવ વધાર્યું છે. હાલમાં તે વડોદરામાં હથિયારધારી કોન્સ્ટેબલની તાલીમ લઈ રહી છે. ભાવનાએ જે સિદ્ધિ મેળવી છે, તેની પાછળ ભારે સંઘર્ષ અને મહેનત છે. તેની સફળતા અનેક લોકો માટે પ્રેરણાદાયી બની શકે છે.

સગરામભાઈ ખાંભલાના પાંચ સંતાનમાંની ભાવનાને પરિવારને આર્થિક રીતે ટેકારૂપ બનવા માટે આગળનો અભ્યાસ છોડવા પડ્યો હતો. પરંતુ સપનું સાકાર કરવા માટે મજૂરીકામ કરીને ધોરણ 12ની પરીક્ષા આપી હતી. બે વિષયમાં નાપાસ થવા છતાં હિંમત હાર્યા વિના બીજા પ્રયત્ને ધો 12માં પાસ થઈ. ભાવનાએ જણાવ્યું કે, મેં નક્કી કર્યું હતું કે હું દેશસેવા કરીશ અને તે લક્ષ્ય પામવા માટે આર્મીમેન અબ્દુલભાઈ કુરેશીના માર્ગદર્શનમાં કોન્સ્ટેબલ અને સીઆરપીએફની તૈયારી કરી અને પહેલા જ પ્રયત્ને પરીક્ષા પાસ કરી.

ભાવનાએ જણાવ્યુ કે, જ્યારે પણ મેં મારા માતા-પિતા પાસે એક વસ્તુ માગી છે તો બે વસ્તુ મળી છે. ધોરણ 1થી 6 સુધી મેં દુ:ખનો અનુભવ કર્યો નહોતો. પરંતુ 8મા ધોરણ પછી પપ્પાની સ્થિતિ એવી હતી કે મારે 9મા ધોરણથી કડિયાકામ કરવાની ફરજ પડી. મેં 3 વર્ષ સુધી કડિયાકામની કાળી મજૂરી કરી. મને અત્યારે પણ મહેનતનું કોઈ પણ કામ કરવામાં કોઈ જ શરમ અનુભવાતી નથી.

ભાવનાનું માનવું છે કે, જીવનમાં કોઈ લક્ષ્ય હોવું જોઈએ અને મારું લક્ષ્ય હતું યુપીએસસી પરીક્ષા પાસ કરી દેશની સેવા કરવી. એ માટે પૈસાની ખૂબ જરૂર હતી. પણ નક્કી કર્યું કે, પૈસા કમાવા માટે ઘરની સ્થિતિ નહીં જોવાની અને મા-બાપને પણ ટોર્ચર નહીં કરવાનાં. મેં મારા અભ્યાસનો ખર્ચ જાતે કાઢવાનું નક્કી કર્યું. મેં રસોઈયાની નોકરી પણ કરી છે અને અત્યારે પણ હું નોકરી કરું છું.

દેવું કરીને ભણીએ તો ભાર વધે, એ કરતાં જાતે કમાઈ લેવું એ મારો સિદ્ધાંત છે. યુપીએસસીની પરીક્ષા પાસ કરવી હતી એટલે હું સવારે, સાંજે અને ક્યારેક રાત્રે 1 વાગ્યે પણ દોડવા નીકળી પડતી હતી. હાઈસ્કૂલમાં છોકરીઓ ભણવા આવતી નહોતી છતાં મેં 1 વર્ષ મહેનત કરી. લોકો અત્યારે મારા વિષે ગમે તે કહેતા હોય. પરંતુ જ્યારે હું મારું લક્ષ્ય પૂર્ણ કરીશ ત્યારે એ જ લોકો મારા નિર્ણયને બિરદાવશે.

ગાંધીજીના ‘સત્યના પ્રયોગો’ વાંચીને મેં પણ ડાયરી લખવાનું શરૂ કર્યું છે. મને અંગ્રેજી નહોતું આવડતું. પરંતુ મારે એ શીખવું જરૂરી છે એટલે શીખી લીધું છું. ઘણી વાર રડવાનું, મહેનત કરવાનું છોડી દેવાની ઈચ્છા થાય. પણ હું ક્યારેય હિંમત નહોતી હારી. ભાવનાના પિતા સગરામભાઈએ જણાવ્યું કે, મારી દીકરીએ આકરી મહેનત કરીને કોન્સ્ટેબલ અને સીઆરપીએફની પરીક્ષા પાસ કરી પરિવારનું નામ રોશન કર્યું છે. સરકારી કન્યા શાળાના શિક્ષક રોહિત ઝોલાપરાએ કહ્યું કે ભાવનાએ ‘સત્યના પ્રયોગો’ વાંચ્યા બાદ પુસ્તકો સાથે મિત્રતા શરૂ કરી ઘરમાં જ નાની લાઇબ્રેરી શરૂ કરી હતી. આજે તેના વાંચનના શોખથી તે પરીક્ષા સરળતાથી પાસ કરી શકી.