મંગેતરને મળી આવતી હતી ને કાર ચાલકે એક્ટિવાને જોરથી મારી ટક્કર, લાડલી પુત્રીનું મોત

વડોદરા શહેરના અકોટામાં બ્રિજ ઉપર મંગેતરને મળીને મોપેડ ઉપર આવી રહેલ યુવતીને કાર ચાલકે ટક્કર મારી હતી. જેને કારણે યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે રાવપુરા પોલીસે કાર ચાલક મિત્તલ પટેલની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પુત્રીને ગુમાવતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને હોસ્પિટલમાં જ હૈયાફાટ રૂદનના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

પોલીસની માહિતી પ્રમાણે, વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ અકોટા પોલીસ લાઈન સામે આવેલા 7/50, શિવ-શક્તિ નગરમાં 23 વર્ષના નમ્રતાબહેન જનકકુમાર સોલંકી પરિવાર સાથે રહેતી હતી. નમ્રતાની થોડા દિવસો પહેલાં જ કરમસદના યુવાન સાથે સગાઈ થી હતી અને આગામી દિવસોમાં તે બન્નેના લગ્ન નક્કી થયા હતાં. પરંતુ નમ્રતાને ક્યાં ખબર હતી કે લગ્નની ડોલીને બદલે મોતની ડોલી ઉઠશે.

ત્યારે શુક્રવારે નમ્રતાનો મંગેતર વડોદરા મળવા માટે આવ્યો હતો. જેને કારણે નમ્રતા પાડોશીનું એક્ટીવા મોપેડ લઈ અકોટા બ્રિજ પાસે મળવા ગઈ હતી. નમ્રતા પોતાના ફિયાન્સને મળીને પરત ઘરે આવતી હતી ત્યારે અકોટા ગામ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ કારે નમ્રતાની એક્ટીવાને જોરદાર ટક્કર મારી હતી જેને કારણે તે રોડ ઉપર ધડામ દઈને પટકાઈ હતી. જેમાં યુવતીને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.

અકસ્માતનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. અકસ્મતા સર્જાતા જ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ ગંભીર ઇજા થયેલ નમ્રતાને સયાજી હોસ્પિટલમાં પહોંચાડી હતી જ્યાં તબીબોએ તેણે મૃત જાહેર કરી હતી.

અકસ્માતની જાણ નમ્રતાના ભાઈ હેત સોલંકીને થતાં તાત્કાલિક તે પરિવાર અને મિત્રોની સાથે સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયો હતો જ્યાં બહેનના મોતના સમાચાર સાંભળતાં જ હોસ્પિટલમાં પરિવારના હૈયાફાટ રૂદનના દ્રશ્યો જોવા મળ્યા હતાં જેને કારણે હોસ્પિટલમાં સન્નાટો છવાઈ ગયો હતો. જ્યારે નમ્રતાની આસપાસના લોકોને પણ સમાચાર મળતાં જ ત્યાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. નમ્રતાનું લગ્ન થાય તે પહેલાં જ તેનું અકસ્માતમાં મોત નિપજતાં શિવ-શક્તિ નગરના લોકોએ ભારે આઘાત લાગ્યો હતો.

આ ઘટનાની જાણ રાવપુરા પોલીસને થતાં પોલીસ પણ સયાજી હોસ્પિટલ દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ત્યાર બાદ પોલીસે અકસ્માતમાં મોતને ભેટેલી નમ્રતાના ભાઈ હેત સોલંકીની ફરિયાદના આધારે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીની મીનિટોમાં જ કાર ચાલકની ઓળખ કરી તેની અટકાયત કરી હતી.