UPSC ફાઈનલમાં ગુજરાતી યુવકનો દબદબો, કુલ 13 ઉમેદવારો થયા સિલેક્ટ

યુપીએસસીનું ફાઈનલ રિઝલ્ટ આજે જાહેર થઈ ગયુ છે અને જેમાં ફરી એકવાર ગુજરાતના સ્પીપાના ૧૩ ઉમેદવારો ક્વોલીફાય થયા છે. ચાર વર્ષ બાદ ફરીવાર આ વર્ષે દેશના ટોપ ૧૦ રેન્કમાં ગુજરાતના ઉમેદવારે સ્થાન મેળવ્યુ છે. મૂળ સુરતનો કાર્તિક જિવાણીએ યુપીએસસી ફાઈનલ રિઝલ્ટમાં ૮મો રેન્ક મેળવ્યો છે.આ વર્ષે કુલ ૮૩૬ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયામાં આવી રહી છે.યુપીએસસી દ્વારા ફાઈનલ રિઝલ્ટમાં ક્વોલિફાઈ થયેલા કુલ ૭૬૧ ઉમેદવારોનું રેન્ક લિસ્ટ જાહેર કરવામા આવ્યુ છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનર દ્વારા ગત વર્ષ બાદ આ વર્ષે પણ કોરોનાને લીધે પ્રિલિમ,મેઈન અને ઈન્ટરવ્યુ સહિતની મોડી પ્રક્રિયા કરવામા આવતા ફાઈનલ પરિણામ મોડુ જાહેર થયુ છે અને ગત વર્ષ કરતા એક મહિનો મોડું પરિણામ આવ્યુ છે.યુપીએસસી દ્વારા આ વર્ષે આઈએએસની ૧૮૦,આઈએફએસની ૩૬ અને આઈપીએસની ૨૦૦ તથા સેન્ટ્રલ સર્વિસીઝ ગુ્રપ-એની ૩૦૨ અને ગુ્રપ -બી સર્વિસીઝની ૧૧૮ સહિત ૮૩૬ જગ્યા માટે સિલેકશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

જે અંતર્ગત પ્રિલિમ પરીક્ષા સમગ્ર દેશમાંથી ૩ લાખથી વધુ ઉમેદવારે આપી હતી.જેમાંથી મેઈન પરીક્ષા માટે ૧૦ હજારથી વધુ ઉમેદવારો સિલેક્ટ થયા હતા.ૅમેઈન પરીક્ષામાં દેશના બે હજારથી વધુ ઉમેદવારો ઈન્ટરવ્યુ પ્રક્રિયા માટે સિલેક્ટ થયા હતા.ઈન્ટરવ્યુ પ્રક્રિયા ઓગસ્ટમાં શરૃ થઈ હતી અને થોડા દિવસ પહેલા જ પૂર્ણ થઈ હતી. આ વર્ષે સમગ્ર દેશમાંથી કુલ ૭૬૧ ઉમેદવારો ક્વોલિફાય થયા છે.

જ્યારે યુપીએસી દ્વારા ૧૫૧ ઉમેદવારોનું પ્રોવિઝનલ લિસ્ટ પણ જાહેર કરાયુ છે. ગુજરાતના સ્પીપામાંથી ગત વર્ષે ૨૦૨૦માં જ્યાં ૧૨૮ ઉમેદવારો મેઈન માટે સિલેક્ટ થયા હતા અને તેમાંથી ૪૧ ઉમેદવારો ઈન્ટરવ્યુ માટે સિલેક્ટ થયા હતા ત્યારે આ વર્ષે ૯૫ ઉમેદવારો મેઈન પરીક્ષા માટે અને જેમાંથી ૩૨થી૩૪ જેટલા ઉમેદવારો ઈન્ટરવ્યુ માટે સિલેક્ટ થયા હતા.ગત વર્ષે પણ ગુજરાતમાંથી ૧૩ ઉમેદવારો ફાઈનલમાં ક્વોલિફાય થયા હતા અને જેમાં એક મહિલા ઉમેદવાર હતી.પરંતુ આ વર્ષે ટોપ ૧૦ રેન્કમાં ગુજરાતના ઉમેદવારે સ્થાન મેળવ્યુ છે.

જેમાં દેશમાં ૮મા રેન્ક પર ગુજરાતના મૂળ સુરતનો અને અગાઉ પણ બે વાર યુપીએસસી ક્લીયર કરનાર કાર્તિક જિવાણી આવ્યો છે.ચાર વર્ષ પહેલા ૨૦૧૭માં ગુજરાતના ઉમેદવારે ૬ઠ્ઠો રેન્ક મેળવ્યો હતો.ત્યારબાદ ૨૦૧૯માં કાર્તિક જિવાણીએ ૯૪ અને ૨૦૨૦માં પણ કાર્તિક જિવાણી જ ગુજરાતમાં પ્રથમ રહેતા ૮૪મો રેન્ક મેળવ્યો હતો.આ વર્ષે ગુજરાતમાંથી ક્વોલિફાય થયેલા ૧૩ ઉમેદવારોમાં બે યુવતીઓ અને ૧૧ યુવકો છે.

ક્વોલિફાય ઉમેદવારો રેન્ક

કાર્તિક જિવાણી 08
વલય વૈદ્ય 116
નિરજ શાહ 213
અંકિત રાજપુત 260
અતુલ ત્યાગી 291
સંજય કેશવાલા 368
હેમંત કલાલ 371
પિંકેશ પરમાર 380
આયુષી સુતરિયા 404
વિવેક ભેડા 465
સુમિત મકવાણા 556
કૌશિક મંગેરા 730
કોમલ મંગલમ 736