ગુજરાતના આ ગામમાં 450 ગ્રામ રેશમનો ઉપયોગ કરી બનાવાય છે 500 ગ્રામનું સુંદર પટોળું

પટોળાનુ નામ આવે એટલે સૌના મોઢે પાટણનું નામ આવે છે. પરંતુ ઝાલાવાડનાં સોમાસર ગામના પટોળાનાં કારીગરોએ આ પરંપરા તોડી આધુનિક પટોળા બનાવી નવી કેડી કંડારી છે.અને કલાને જીવંત રાખી છે. પટોળાનો ઇતિહાસ જોતા પાટણમાંજ પટોળા બનાવી શકે તે માટે ત્યાનાં રાજવીએ મહારાષ્ટ્રથી કારીગરો બોલાવી આશ્રય આપતા સમગ્ર પંથકમાં ડંકો વગાડ્યો હતો પરંતુ સમય જતા આ ઉધોગ સુરેન્દ્રનગરનાં સોમાસર ગામે ખુબજ સારી રીતે વિકાસ પામ્યો છે. આ ઉધોગને પ્રોત્સાહન મળે તે માટે 1990થી મંડળી ઉભી કરી વિવિધ સરકારી સેવાનો લાભ લઇ રહ્યા છે.

પટોળા બનાવવા માટે કાચુ મટીરીય્લસ બેંગલોરથી અને રેશમનાં તાર સુરતથી મંગાવવામાં આવે છે. પટોળા બનાવવા કાચા રેશમને ખોલી તેના કોન બનાવવામાં આવે છે. અને બાદમાં રેશમનો મજબુત તાર બનાવી તેને પાણીમાં ગરમ કરી ચિકાસ દુર કરી વિવિધ રંગ લગાવીઅને બાદમાં સાચાતાર જરીને વણાટ કામ કરવામાં આવે છે.

એક પટોળામાં સાતથી આઠ કલર આવી શકે છે. 450 ગ્રામ રેશમ અને 50 ગ્રામ તાર મળી અંદાજે 500 ગ્રામનુ આકર્ષક અને મન હરી લે તેવુ કલાત્મક પટોળુ તૈયાર થાય છે. પટોળાની માણેકચોક ચંદાભાત,નારીકુંજર, નવ રત્ન છાબડીભાત, બટનકુલભાત, દડાભાત,તારાચંદ,પાનભાત,ચંદા જેવા કલાત્મક ડીઝાઇનો તૈયાર કરાય છે.

રાજધરાનાં ગણાતા એવા પટોળાની કિંમત 2500થી લઇ 1 લાખ સુધીનું તૈયાર થાય છે. એક પટોળુ બનાવવામાં 20 દિવસ જેટલો સમય લાગે છે. તૈયાર થઇ ગયા બાદ સુરત બેંગલોર મુંબઇ, વડોદરા, પુના, ઇન્દોર તેમજ વિદેશમાં પણ મોકલવામાં આવે છે.

આ અંગે પટોળા બનાવનાર વિઠ્ઠલભાઈ વાધેલા, જીજ્ઞેશભાઇ વાધેલા સહિતનાએ જણાવ્યુ હતુ કે, સોમાસરમાં 60 જેટલા પરિવારો હાથ વણાટનાં પટોળા બનાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરંતુ કોરોનાનાં કારણે પટોળા ઉધોગમાં માઠી અસર પહોંચી છે અન્ય રાજ્ય તેમજ વિદેશમાં મોકલવામાં આવતા પટોળા સંપુર્ણ બંધ થઇ જતા 250થી વધુ લોકો આર્થિક મંદિનો સામનો કરી રહ્યા છે.