ખુદ પરિવારને પણ નહોતી ખબર કે ભૂપેન્દ્ર પટેલ બન્યા છે સીએમ, પત્નીએ પુત્રને પણ ઊંઘમાંથી ઉઠાડી સમાચાર આપ્યા - Real Gujarat

ખુદ પરિવારને પણ નહોતી ખબર કે ભૂપેન્દ્ર પટેલ બન્યા છે સીએમ, પત્નીએ પુત્રને પણ ઊંઘમાંથી ઉઠાડી સમાચાર આપ્યા

ગુજરાતને નવા સીએમ મળી ગયા છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય પર પસંદગીનો કળશ ઢોળાયો છે. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે ભૂપેન્દ્ર પટેલના નામની મુખ્યમંત્રી તરીકે જાહેરાત થઈ ત્યારે તેમના પરિવારના સભ્યોને પણ ખબર નહોતી. આ અંગે મીડિયા જ્યારે ભૂપેન્દ્ર પટેલના પત્નીને પૂછ્યું કે તેમને ક્યારે ખબર પડી ત્યારે તેમણે ભૂપેન્દ્રભાઇ જેવો જ જવાબ આપ્યો હતો કે અમને તો તેની ખબર ન હતી.

તેમણે જણાવ્યું હતું કે સાંજે 4.05 વાગ્યે અમને ટીવી દ્વારા ખબર પડી કે તેમનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર થયું છે. મેં તરત જ મારા પુત્રને ઊંઘમાંથી ઉઠાડીને સમાચાર આપ્યા. અમારા ઘરમાં કોઈ જ રાજકારણની વાતો થતી નથી, કેમ કે પરિવારમાં તેઓ માત્ર જ રાજકારણમાં છે. મંત્રીમંડળમાં તેમને ક્યારેક પદ મળે એવી અમને આશા હતી, પરંતુ તેઓ ચીફ મિનિસ્ટર બનશે એ તો ક્યારેય નહોતું વિચાર્યું.

સિવિલ એન્જિનિયરિંગ ભણનારા ભૂપેન્દ્રભાઇ 1988થી કન્સ્ટ્રક્શન લાઇન સાથે જોડાયેલા છે. તેમના પત્ની હેતલબેન સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે 2000ની સાલ સુધી તેઓ ફ્લેટની સ્કીમો બનાવીને સારું કમાયા. જોકે 2001માં ભૂકંપ આવ્યા પછી તેમના તૈયાર ફ્લેટો ન વેચાતાં તેઓ ફાઇનાન્સિયલી ડિસ્ટર્બ થઇ ગયા હતા. 10 વર્ષે તેમનો ધંધો પાટે ચડ્યો હતો.

ભૂપેન્દ્રભાઇનાં પત્ની હેતલબેન તેમનાં માતા-પિતાના એકના એક સંતાન હોઇ તેમના પિતાના અવસાન પછી તેમનાં માતા હાલમાં તેમની સાથે જ રહે છે. છેલ્લાં 15 વર્ષથી સાથે રહેતા ભૂપેન્દ્રભાઇનાં સાસુ હાલમાં એકદમ સ્વસ્થ છે અને તેઓ તેમને દીકરાની જેમ રાખે છે.

ભૂપેન્દ્ર પટેલ 33 વર્ષ પહેલાં દરિયાપુરમાં ફટાકડા વેચતા હતા
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી થતાં ઘાટલોડિયા વિસ્તારમાં જાણે વહેલી દિવાળી આવી ગઇ હોઇ એવો માહોલ સર્જાયો હતો. ઘાટલોડિયામાં તેમના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તો તેમના ઘરે સગાં-મિત્રો ઊમટી પડ્યાં હતાં અને શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો. નવા ચીફ મિનિસ્ટરને ઘરે ખુશીનો માહોલ એવો હતો કે લાપસીના આંધણ મુકાયા હતા, જેથી તેઓ ઘેર આવે તો મોઢું મીઠું કરીને શુકન થાય.

ભૂપેન્દ્ર પટેલ 1984માં હેતલબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમને એક દીકરો છે, જે એન્જિનિયર છે, જ્યારે દીકરી ડેન્ટિસ્ટ છે. તેમના પિતા અમદાવાદ પોલિટેક્નિકમાં પ્રિન્સિપલ હતા. જોકે ઘરમાં જરૂરિયાત જણાતાં જે-તે સમયે અમદાવાદ દરિયાપુરમાં વસતા ભૂપેન્દ્રભાઇએ ગાંધીરોડ પરથી હોલસેલમાં ફટાકડા લાવીને દરિયાપુરની ધતુરાની પોળમાં 1988માં તેનો ધંધો પણ કર્યો છે. સાદું ભોજન લેવા ટેવાયેલા ભૂપેન્દ્રભાઇ રોજ કલાક પૂજા કરે છે અને દાદા ભગવાન પંથમાં માને છે. કાર્યકર્તાઓ અને મિત્રોમાં તેઓ દાદા તરીકે જાણીતા છે.

You cannot copy content of this page