કીર્તિદાન ગઢવીએ અમેરિકાના આંગણે ગરબાની રમઝટ બોલાવી, મન મૂકીને ઝૂમ્યા ગુજરાતીઓ

જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ અમેરિકામાં લોકડાયરાનો પ્રોગ્રામ શરૂ કર્યો છે. કીર્તિદાને સો.મીડિયામાં લોકડાયરાની તસવીરો તથા વીડિયો શૅર કર્યા છે. અમેરિકામાં તેમની પર ડોલરનો વરસાદ થયો હોય તેવી તસવીરો વાઇરલ થઈ છે. કોરોનાકાળને કારણે અમેરિકામાં ગયા વર્ષે નવરાત્રિનું પ્લાનિંગ થયું નહોતું. આ વર્ષે પ્રિ નવરાત્રિનું અમેરિકામાં આયોજન કરવામાં આવ્યું હતું. અમેરિકામાં ગુજરાતીઓ મનમૂકીને કીર્તિદાનના ગીતો પર ગરબા રમ્યાં હતાં.

‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ સાથેની વાતચીતમાં કીર્તિદાને કહ્યું હતું, ‘હું લગભગ બે વર્ષ બાદ વિદેશમાં ગયો છું. કોરોનાકાળ બાદ હું પહેલો ગુજરાતી સિંગર ટીમ સાથે કોન્સર્ટ તથા શો કરી રહ્યો છું.

હું શબ્દોમાં મારી લાગણીને વ્યક્ત કરી શકું તેમ નથી. મિડલ ઇસ્ટ તથા વેસ્ટના લોકોને ગુજરાતી ડાયરો ઘણો જ પસંદ છે અને મને આપણી સંસ્કૃતિને રી-પ્રેઝેન્ટ કરવામાં ઘણો જ ગર્વ થાય છે.’

વધુમાં કીર્તિદાને કહ્યું હતું, ‘અમેરિકા પછી હું દુબઈમાં જઈશ. અહીંયા હું ફાલ્ગુની બ્રહ્મભટ્ટ તથા તૃપ્તી ગઢવી સાથે કેટલાંક શો કરીશ. ત્યારબાદ હું ફરી પાછો અમેરિકા આવીશ અને બાકી રહેલા મારા પ્રોગ્રામ પૂરા કરીશ.’

કીર્તિદાનનો પહેલો શો શિકાગોમાં થયો હતો. ત્યારબાદ તેઓ ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી વગેરે જગ્યાએ શો યોજશે.