ધ્રુસકે ધ્રુસકે રડતી દીકરીનો એક જ સવાલ- પપ્પા, તમે ચુપ કેમ છો, કંઈક તો બોલો…

રાજૌરીઃ જમ્મુ કાશ્મીરમાં આંતકીઓ સાથે અથડામણમાં ઉત્તરાખંડના સૂબેદાર રામસિંહ ભંડારી શહીદ થઈ ગયા. તેમનો પાર્થિવદેહ જ્યારે ઘરે આવ્યો ત્યારે પરિવારના લોકો બેભાન થઈ ગયા હતા અને આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. સૂબેદાર રામસિંહ ગંગાનગર વિસ્તારના ઈશાપુરમમાં રહેતા હતા. સેનાની એમ્બ્યૂલન્સે શુક્રવાર, 20 ઓગસ્ટના રોજ પાર્થિવદેહ લઈને ઘરે આવી હતી. પાર્થિવ દેહ આવ્યા બાદ પત્ની ને દીકરીઓના રડી રડીને હાલ બેહાલ થઈ ગયા હતા.

દીકરી કરિશ્માએ પિતાના પાર્થિવ દેહને પ્રણામ કર્યા બાદ હાથ ઉઠાવીને જય હિંદના નારા લગાવ્યા હતા. તેણે રડતા રડતા કહ્યું હતું કે પપ્પા તમે કેમ ચૂપ છો. તમારી અંતિમ યાત્રા પહેલાં કંઈક તો કહીને જાવ. આ દૃશ્ય જોઈને ત્યાં હાજર રહેલી દરેક વ્યક્તિની આંખમાંથી આંસુ આવી ગયા હતા.

રામસિંહના પાર્થિવ દેહને અડધો કલાક સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન પત્ની અનિતા તથા દીકરીઓના આંસુ જોઈને અન્ય લોકોની પણ આંખો ભીની થઈ ગઈ હતી દીકરી કરિશ્માએ કહ્યું હતું કે 24 દિવસ પહેલાં તેના પપ્પા ઘરેથી વતનની રક્ષા કાજે ફરજ પર ગયા હતા અને હવે તે દુનિયા છોડીને જતા રહ્યા. તે પણ સૈન્યમાં ભરતી થશે. જ્યારે શહીદના પિતા દીવાન સિંહે કહ્યું હતું કે ક્યારેય વિચાર્યું નહોતું કે તે પોતાની સામે દીકરાના અંતિમ સંસ્કાર કરશે.

અંતિમ દર્શનાર્થે આવતા લોકોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. લોકોએ કહ્યું હતું કે આતંકવાદ તથા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઈએ. સૂબેદારની કુરબાની વ્યર્થ જવી જોઈએ નહીં. દીકરીઓ પ્રિયંકા તથા કરિશ્માએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. દીકરા સોલેન ભંડારીએ કહ્યું હતું કે તેને પિતાની શહાદત પર ગર્વ છે. તેમણે હંમેશાં વતનને સલામત રાખવાની જવાબદારી ઉઠાવી છે.

અંતિમ દર્શન કરવા માટે સાંસદ રાજેન્દ્ર અગ્રવાલ પણ આવ્યા હતા. ફેસબુક પર નોર્થન કમાન્ડ તરફથી અધિકારીઓએ શહીદ રામસિંહના સાહસને વખાણ્યું હતું. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓ સાથેની અથડામણમાં અન્ય એક જવાનને ગોળી વાગી હતી. સુરક્ષાદળોએ એક શંકાસ્પદને મારી નાખ્યો હતો.

આતંકીઓની હાજરીમાં સર્ચઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ગુરુવાર, 19 ઓગસ્ટના રોજ સવારે 9 વાગે સેનાએ જમ્મુ કાશ્મીર પોલીસની એસઓજી, સીઆરપીએફના સંયુક્ત દળે આતંકવાદીઓની શોધ કરતાં કરતાં રસ્તે આગળ જતા હતા.

તે જ સમયે આતંકીઓએ હુમલો કર્યો હતો, જેમાં ઉત્તરાખંડના સૂબેદાર રામસિંહ તથા અન્ય એક જવાન ઘાયલ થયા હતા. હોસ્પિટલમાં રામસિંહનું નિધન થયું હતું. તેઓ 46 વર્ષના હતા. તેઓ 2022માં રિટાયર થવાના હતા.