પપ્પાની એક નાની ભૂલે 11 મહિનાની માસૂમનો લઈ લીધો ભોગ, હસતાં-ખેલતાં પરિવારમાં માતમ છવાયો

જીંદઃ ક્યારેક નાની અમથી ભૂલ જીવનભરનો અફસોસ આપી જતી હોય છે. આવું જ કંઈક હરિયાણાના જીંદમાં થયું હતું. પિતાની એક નાની ભૂલને કારણે 11 મહિનાની દીકરીનું મોત થઈ ગયું હતું. હજી ગઈ કાલ સુધી જે ઘરમાં દીકરીની પાપા પગલી પડતી હતી આજે ત્યાં માતમનો માહોલ છે.

દીકરી પાણીમાં ડૂબી ગઈઃ આ ઘટના જીંદ શહેરની એમ્પ્લોઈઝ કોલોનીમાં બની હતી. અહીંયા વિક્રમ પોતાની 11 મહિનાની દીકરીને ન્હાવા માટે બાથરૂમમાં લઈને આવ્યો હતો. તેણે ખાલી ટબમાં દીકરીને નળ નીચે બેસાડી દીધી હતી. જોકે, આ દરમિયાન તેને ફોન આવી ગયો અને તે ફોન લેવા માટે બીજા રૂમમાં જતો રહ્યો હતો. વિક્રમ બીજા રૂમમાં જતાં તેમનો ચાર વર્ષનો દીકરો રમતાં રમતાં બાથરૂમમાં આવી ગયો અને નળ ચાલુ કરીને જતો રહ્યો હતો. થોડીવાર બાદ જ્યારે માતા રેખા ત્યાં આવી તો તેણે જોયું કે દીકરી પાણીમાં ડૂબી ગઈ હતી. તે આ દૃશ્ય જોતા જ બૂમાબૂમ કરવા લાગી હતી અને પરિવાર ભેગો થઈ ગયો હતો.

દીકરીની યાદમાં રડે છે પેરેન્ટ્સઃ રેખાએ જેમ તેમ કરીને દીકરીને ટબમાંથી કાઢી હતી. જોકે, ત્યાં સુધીમાં ઘણું જ મોડું થઈ ગયું હતું. દીકરીનો જીવ જતો રહ્યો હતો. વિક્રમ દીકરીને લઈને તાત્કાલિક હોસ્પિટલ ગયો, પરંતુ ડૉક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી. પિતાની આંખના આંસુ કેમય કરીને સૂકાતા નથી. તે વારંવાર પોતાની જાતને દોષિત માને છે.

આ ઘટના અનેક લોકોને સાવચેત કરે છે. મોબાઈલના ચક્કરમાં કેટલાંયના જીવ ગયા છે. આથી જ નાના બાળકને એકલા મૂકીને ક્યાંય જવું નહીં. આવી ઘટના ગમે તેની સાથે ગમે ત્યારે ઘટી શકે છે.