લગ્ન કરવા પહોંચેલા જવાને જે કર્યું એ જાણી તમે વાહ વાહ કરશો એ નક્કી!

જયપુરઃ સમાજમાં આજે પણ દહેજના લોભિયાઓ જોવા મળે છે. ઘણી પુત્રવધૂઓને દહેજની માંગ અને લાલચને કારણે મોતને ઘાટ ઉતારવામા આવતી હોય છે. એવામાં દહેજના કુરિવાજ વિરુદ્ધની લડાઈ માટે રાજસ્થાનમાં સીઆઈએસએફના જવાને દહેજ વગર લગ્ન કરવાનો આદર્શ નમૂનો લોકો સમક્ષ રજૂ કર્યો હતો. જવાને પોતાના લગ્નમાં 11 લાખ રૂપિયાનું દહેજ વિનમ્રતા સાથે ઠુકરાવ્યો હતો. રાજસ્થાનના આ દુલ્હાએ ઘણો મનાવ્યા બાદ માત્ર 11 શગુન પેટે સ્વીકાર્યા હતા.

યુવકે 11 લાખ રૂપિયાથી ભરેલો થાળ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. દુલ્હન પક્ષ તરફથી 11 લાખ રૂપિયા રોકડથી ભરેલ થાળ જીતેન્દ્રના હાથમાં આપવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે વિનમ્રતા સાથે સસુસ સામે હાથ જોડ્યા અને આ રકમ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. આ દરમિયાન દુલ્હન અને બંને પક્ષના લોકોને લાગ્યું કે- દુલ્હો સરકારી નોકરીમાં હોવાને કારણે ક્યાંક વધુ રકમ જોઈએ છે તેવા વિચાર સાથે નારાજ ના થયો હોય.

આ દરમિયાન અટકળો થવા લાગી કે, જાનની આગતા સ્વાગતામાં ખોટ રહી જવાને કારણે વરરાજા નારાજ છે, જોકે જીતેન્દ્રના મનમાં તો કંઈક બીજુ ચાલી રહ્યું હતું. ઘણો મનાવ્યા બાદ પણ જીતેન્દ્રએ પોતાને દહેજ પ્રથા વિરોધી ગણાવી પૈસાથી ભરેલો થાળ પરત કરી દીધો હતો, જે પછી લોકો વરરાજાની વાત સમજ્યા હતા. ઘણું સમજાવ્યા બાદ જીતેન્દ્રએ શગુનના 11 રૂપિયા-નારિયેળનો સ્વીકાર કર્યો અને લગ્નની બાકીની વિધિ પૂર્ણ કરી હતી.

જીતેન્દ્રએ કહ્યું કે, જ્યારે તેને જાણ થઈ કે તેની ભાવિ પત્નીએ એલએલબી કર્યું છે અને પીએચડી કરી રહી છે. ત્યારે જ તેણે લગ્નમાં દહેજ ના લેવાનું વિચાર કરી લીધો હતો. જીતેન્દ્રએ કહ્યું કે, જ્યારે પત્ની કોર્ટમાં જજ બનીને ન્યાય કરતી જોવા મળશે ત્યારે તે તેની માટે દહેજ કરતા પણ વધુ મહત્ત્વપૂર્ણ રહેશે. જીતેન્દ્રના આ વિચાર ચર્ચાનો વિષય બન્યા હતા.