જૂનાગઢના પરિવારે 30 વિધામાં ગાય આધારિત ખેતીથી મેળવ્યો મબલક પાક, જુઓ તસવીરો

જૂનાગઢ નજીક ખડીયા ગામે એક શિક્ષિત પરીવારે 30 વીઘા જમીન ૩૨ પાક લઇ સંપૂર્ણ ગાય આધારીત ખેતી કરી નવો રાહ ચીંધ્યો છે. નવાઇની વાત એ છે કે પોતે ખેડૂત નથી. પણ તેમણે જમીન વાર્ષિક ચાર લાખના ભાડા પટેૃ લીધી છે અને તેમાં ખેતી કરે છે. કેળા, પપૈયા, શેરડી, શાકભાજી, સહિતના વિવિધ પાકોના વાવેતરથી દર વર્ષે 23 લાખથી વધુની કમાણી કરે છે.

ઘણા એવા લોકો છે કે જેઓ જન્મે ખેડૂત નથી. પણ ખેતીમાં રસ હોવાથી તેઓ ખેતી કરીને નવો ચીલો ચીતરી રહ્યા છે. આવા જ એ ખેડૂત છે જૂનાગઢના હેમલભાઇ મહેતા. તેમણે છેલ્લા 6 મહિનાથી ખડીયા ગામે 30 વીધા જમીન ભાડા પટેૃ (સાંખે) રાખી છે. જેમાં તેમણે 32 પાકનું વાવેતર કર્યું છે. જેમાં 11 પાક બજારમાં વેચાણ થઇ શકે એવા છે. જ્યારે બાકીના 21 પાક ઘરે ઉપયોગમાં લઇ શકાય એવા કઠોળ તેમજ ફળના છે.

હેમલભાઇનો પરીવાર શિક્ષિત અને આર્થિક રીતે પણ સુખી સંપન્ન છે. તેમ છતાં ખેતી જેવો મહેનતવાળો વ્યવસાય કરવાનો વિચાર શા માટે આવ્યો તેવો સવાલ કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે, વર્ષ 2019 માં મારા પિતાને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જેના મુખ્ય કારણ રાસાયણિક ખાતર અને જંતુંનાશક દવાના છંટકાવવાળુ અનાજ તથા શાકભાજી હતા.

બસ ત્યારથી વિચાર આવ્યો કે, મારો પરીવાર નિરોગી જીવી શકે આ માટે સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ. આ ખેતી થકી અમે 80 ટકા આત્મનિર્ભર બની ગયા છીએ. બાકી 20 ટકા જ બજાર પર આધારિત રહેવું પડે છે. આ પાક સંપૂર્ણ ઓર્ગેનિક હોવા છતાં રૂટીન ભાવ મુજબ જ વેચાણ કરવામાં આવે છે. જેથી મધ્યમ પરીવારના લોકો પણ ખરીદી શકે. આમ પણ મધ્યમ પરિવારના લોકોને જ પોષણયુક્ત આહારની વધુ જરૂર રહે છે.

હેમલભાઇ એ જણાવ્યું કે, અમારે બિઝનેસ હોય એટલે પૂરો સમય આપવો શક્ય ના બને. પણ મારા પિતા હર્ષદભાઇ ખેતી કામની સંપૂર્ણ જવાબદારી નીભાવે છે. એમાં મારા મમ્મી અને મારી પત્ની પાયલ ઉપરાંત મારા એન્જિનિયર નાના ભાઇનો પુરો સહયોગ છે. હેમલભાઇનું માનીએ તો વાવેતર થકી વર્ષે ૨૩ લાખની આવક તેઓ મેળવે છે.