IAS ઓફિસરે સરકારી હોસ્પિટલમાં બાળકને આપ્યો જન્મ, જાણો ક્યાંના છે અધિકારી?

રાંચી: સરકારી હોસ્પિટલમાં સારવારને આજે પણ સમાજમાં સંકોચની નજરે જોવામાં આવે છે, ત્યારે એક મહિલા આઈએએસ અધિકારીએ સમાજને રાહ ચિંધતું પગલું ભર્યું છે. ઝારખંડના ગૌડામાં ફરજ બજાવતા આઈએએસ અધિકારીએ પોતાની ડિલીવરી માટે સરકારી હોસ્પિટલની પસંદ કરી હતી. ગૌડાના ડેપ્યુટી કમિશ્નર કિરણ કુમારી પાસીએ સરકારી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. લોકો તેમના આ નિર્ણયના ભરપૂર વખાણ કરવાની સાથે કહી રહ્યા છે કે પહેલાં અનુકરણ કરીને દેખાડે એવા કિરણ કુમારી જેવા અધિકારીની દેશની ખાસ જરૂર છે.

જાણકારી મુજબ ઝારખંડના ગૌડાના આઈએએસ અધિકારી કિરણ કુમારી પાસીએ ઓપરેશનથી બાળકને જન્મ આપ્યો છે. માતા અને બાળક બંને પૂરી રીતે સ્વસ્થ છે. સરકારી હોસ્પિટલમાં ડિલિવરી કરાવવાના કિરણ કુમારીના નિર્ણયના બધા લોકો વખાણ કરી રહ્યા છે.

સિવિલ સર્જન એસપી મિશ્રાએ કિરણ કુમારીના આ નિર્ણયના વખાણ કરતાં કહ્યું કે પ્રસવ પછી મહિલાનો પુનર્જન્મ થાય છે. આજના જમાનામાં જ્યારે સક્ષમ લોકો સામાન્ય શરદી-ખાંસીની સારવાર કરાવવા માટે મોંઘી ખાનગી હોસ્પિટલ જાય છે, ત્યારે એક સક્ષમ અધિકારીએ સરકારી હોસ્પિટલમાં ડિલિવરી કરાવતા સમાજમાં એક સકારાત્મક સંદેશો ફેલાશે.

ડૉક્ટરોના કહેવા મુજબ ઓપરેશનના કારણે કિરણ કુમારીને બિ દિવસ દેખરેખ હેઠળ રાખવામાં આવશે. ત્યાર પછી તેમને હોસ્લિટલમાં રજા આપી દેવામાં આવશે. ગૌડાના આઈએએસ અધિકારી માતા બનતા ઘણા અધિકારીઓએ સરકારી હોસ્પિટલ પહોંચી તેમના ખબરઅંતર પૂછ્યા હતા.

આઈએએસ અધિકારી કિરણ કુમારી બીજી વખત માતા બન્યા છે. તેમના પહેલાં બાળકનો જન્મ પણ ઓપરેશનથી થયો હતો. જેને ધ્યાનમાં રાખીને ડૉક્ટરોની ટીમે ડિલિવરીમાં પૂરી સતર્કતા રાખી હતી. ડિલિવર સમયે કિરણ કુમારીના પતિ પુષ્પેન્દ્ર સરોડ પણ હાજર હતા.

કિરણ કુમારીની સંવેદનશીલ અધિકારીઓમાં ગણના થાય છે. તેઓ ગૌડામાં ખૂબ લોકપ્રિય છે. તેમના પતિ પુષ્પેન્દ્ર સરોજ ગૌડના જ પુનસિયા સ્થિત કૃષિ યુનિવર્સિટીમાં ડીન છે. કિરણ કુમારીના આ પગલાંના સોશ્યલ મીડિયામાં પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.