શાહિદ કપૂર સાથે લગ્ન કરવા તૈયાર નહોતી મીરા રાજપૂત, જાણો આખરે કેવી રીતે થઈ તૈયાર

મુંબઈઃ શાહિદ કપૂર 39 વર્ષનો થઇ ગયો છે. 25 ફેબ્રુઆરી 1981માં નવી દિલ્હીમાં જન્મેલા શાહિદ કપૂરે 2003માં આવેલી ફિલ્મ ‘ઇશ્ક વિશ્ક’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. જોકે, શાહિદને ઓળખ 2006માં આવેલી ફિલ્મ ‘ચુપકે ચુપકે’ અને ‘વિવાહ’માંથી મળી હતી. એક સમયે કરીના કપૂર અને શાહીદના અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતું. શાહિદે 7 જુલાઇ 2015માં નવી દિલ્હીમાં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતાં. મીરા રાજપૂત, શાહિદથી 13 વર્ષ નાની છે.

લગ્ન સમયે શાહિદ 34 વર્ષનો હતો અને મીરા 21 વર્ષની હતી. શરૂઆતમાં મીરા, શાહિદ સાથે લગ્ન કરવા તૈયાર નહોતી. કહેવામાં આવે છે કે મીરાએ પોતાની મોટી બહેનના કહેવા પર શાહિદ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, શાહિદે પણ મીરાને સમજાવવાના પૂરતો પ્રયાસો કર્યાં હતાં. અંતે, મોટી બહેન અને શાહિદની મહેનત રંગ લાવી અને મીરા લગ્ન માટે માની ગઇ હતી.

એક ઇન્ટરવ્યૂમાં શાહિદ કપૂરે પોતાની લાઇફ સાથે જોડાયેલા સીક્રેટ શેર કર્યા હતાં. તેણે પોતાની અને મીરા રાજપૂતના લગ્નની વાત કરતાં કહ્યું હતું કે જ્યારે તેણે મીરાને જોઈ તો તેને લાગ્યું કે એ તો બહુ યંગ છે. શરૂઆતમાં તે ખૂબ જ નર્વસ પણ હતો. લગ્ન કર્યા પહેલા થોડી ગભરામણ થઇ, પરંતુ સમયની સાથે બધું ઠીક થઇ ગયું.

લગ્ન સમયે શાહિદ 34 વર્ષનો હતો, જ્યારે મીરાની ઉંમર 21 વર્ષની હતી, ઇન્ટરવ્યૂમાં શાહિદે ખુલાસો કર્યો હતો કે મીરાએ લગ્ન પહેલા શરત રાખી હતી કે તેણે તેના વાળ કપાવવા પડશે. વાત એમ હતી કે બંનેની મુલાકાત ‘ઉડતા પંજાબ’ના શૂટિંગ દરમિયાન થઇ હતી, એ સમયે શાહિદના વાળ ખૂબ જ લાંબા હતાં.

શાહિદે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે અને મીરા વધુ ડેટ પર પણ જઇ શક્યા નહીં. માત્ર ત્રણથી ચાર વખત જ મળ્યા અને બાદમાં તેમણે લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો. જ્યારે તે મીરાને પ્રથમવાર મળ્યો તો ફિલ્મ ‘ઉડતા પંજાબ’ની તૈયારી ચાલી રહી હતી. તેને યાદ છે કે જ્યારે તે પ્રથમ વખત મીરાને દિલ્હી સ્થિત ફાર્મહાઉસમાં મળવા ગયો તો તે ટોમીના રોલમાં હતો. જ્યારે મીરાના પપ્પાએ તેનું વેલકમ કરવા દરવાજો ખોલ્યો તો તેનો લુક જોઇને તેઓ ડરી ગયા અને કહ્યું કે હે ભગવાન શું તમે મારી દીકરી સાથે લગ્ન કરશો?

મીરા શાહિદને નાના વાળમાં જોવા માગતી હતી. આ ઉપરાંત મીરાએ શાહિદ પાસેથી પ્રોમિસ લીધું કે જ્યારે તેમના લગ્ન થશે ત્યારે શાહિદના વાળનો રંગ પણ નેચરલ હશે. રિપોર્ટસ પ્રમાણે મીરા પતિ શાહિદને તેમના અસલી નામથી બોલાવવાને બદલે શાહુ કહીને બોલાવે છે.

શાહિદ અને મીરાના લગ્ન પંજાબી રીતિ-રિવાજોથી થયા હતા, આનંદ કારજના રિવાજ બાદ બંને મીડિયા સામે પ્રથમવાર આવ્યા હતા. આ દરમિયાન શાહિદ, કુણાલ રાવલની ડિઝાઇનર ઓફ વ્હાઇટ શેરવાનીમાં તો મીરાએ ડિઝાઇનર અનામિકા ખન્નાનો બેબી પિંક લહેંગો પહેર્યો હતો.

ઉલ્લેખનીય છે કે લગ્નના એક દિવસ પહેલા સંગીત, હલ્દીનું ફંક્શન હતું. લગ્ન બાદ ગુડગાંવની હોટેલ ઓબરોયમાં ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈમાં પણ એક રિસેપ્શન આપવામાં આવ્યું હતું.

26 ઓગસ્ટ 2016માં શાહિદની દીકરી મીશાનો જન્મ થયો હતો તો 5 સપ્ટેમ્બર 2018માં તે પુત્ર ઝૈનનો પિતા બન્યો. શાહિદના દીકરાનો જન્મ પત્ની મીરા રાજપૂતના બર્થ ડેના બે દિવસ પહેલા જ થયો હતો.