માધવપુરના મેળાને આ વખતે નવું સ્વરૂપ અપાશે, રાષ્ટ્રિય કક્ષાનો મેળો યોજાશે

પોરબંદર: ચૈત્ર માસે યોજાતાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષમણીજીના વિવાહ ઉત્સવને લઇને યોજાતા માધવપુરના લોક મેળોને આ વર્ષે વિશ્વ ફલક ઉપર લઈ જવાશે. નોર્થ ઈસ્ટ અને ગુજરાતના સંબંધોને વધુ મજબૂત કરવા માટે માધવપુરના મેળાને આ વખતે નવું સ્વરૂપ અપાશે.

માધવપુરમાં ભગવાનશ્રી કૃષ્ણ અને રુક્ષમણીજીના વિવાહ ઉત્સવની ઉજવણીનો પ્રારંભ રામનવમીથી થાય છે. માધવરાયજી મંદિર ખાતેથી ત્રણ દિવસ સુધી શોભાયાત્રા નિકળે છે. આ ઉપરાંત મામેરા અને ભગવાનની જાન સહિતના વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે. હવે ભગવાનશ્રી કૃષ્ણના લગ્ન ઉત્સવને રાષ્ટ્રીય ફલક ઉપર લઈ જવા માટે સરકાર કટીબધ્ધ બની છે. 2020 માં ભગવાનશ્રી કૃષ્ણ અને રુક્ષમણીજીના વિવાહ ઉત્સવને લઈને યોજાતા લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવશે.

તડામાર તૈયારીઓ શરૂ:
આ મેળાને લઈને અત્યારથી જ રાજય અને કેન્દ્ર સરકાર ધ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સોમવારે અધિક સચિવ કે.એન.શ્રીનીવાસ, કમિશ્નર મેનેજીંગ ડાયરેકટર જેનુ દેવન, અને નોર્થ ઈસ્ટ કાઉન્સીલના સચિવ મુરઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોરબંદરના જીલ્લા કલેકટર ડી.એન.મોદી સહિતના અધિકારીઓએ માધપવુરની મુલાકાત લીધી હતી. માધવરાયજી મંદિર, બ્રહમકુંડ અને કાચબા ઉછેર કેન્દ્ર સહિતના વિવિધ સ્થળોની મુલાકાત લઈ આ વર્ષે મેળાને કઈ રીતે ભવ્ય બનાવી શકાય તે અંગેની ચર્ચા સ્થાનિક અધિકારીઓ સાથે કરી હતી.

મેળાને અતિઆધુનિક રૂપ અપાશે
ભગવાનશ્રી કૃષ્ણ અને રુક્ષમણીજીના વિવાહ ઉત્સવની ઉજવણી રાષ્ટ્રીય ફલક ઉપર લઈ જવા માટે રાજય અને કેન્દ્ર સરકાર ધ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. અને આ વખતના માધવપુરના મેળાને અતિઆધુનિક રુપ આપવામાં આવશે.