માત્ર 18 જ સેકન્ડમાં પહેરાવી દે છે સાડી, નીતા અંબાણીથી લઈને દીપિકા પાદુકોણ છે કસ્ટમર

મુંબઈઃ જ્યારે કોઈ અભિનેત્રીને સાડી પહેરેલી જોઈએ તો સૌથી પહેલો સવાલ એ મગજમાં આવે કે વાહ શું સાડી બાંધી છે, સાડીની પાટલીથી લઈને પાલવ સુધી અલગ રીતે પહેરવાનો ઢંગ સૌ કોઈને ઈમ્પ્રેસ કરી દે છે. પરંતુ શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે તેમની સાડીને સ્ટાઈલ કરવા પાછળ કોનો હાથ હશે? જો તમે નથી જાણતા તો ચાલો અમે તમને જણાવીએ કે એક્ટ્રેસને સાડી પહેરાવવાનું કામ ડૉલી જૈન કરે છે, જે એક કે બે નહીં લગભગ 325 રીતે સાડી પહેરાવી શકે છે. દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીથી લઈને દીપિકા સુધી સૌ કોઈ તેના રેગ્યુલર કસ્ટમર્સ છે.

પોતાના નામે કરી ચુકી છે અનેક અવૉર્ડ્સઃ પોતાના આ હુનરને કારણે ડૉલી જૈન ઘણી જ ફેમસ છે. તેને સાડીને 125 રીતે પહેરવાનો, લિમડા બુક ઑફ રેકોર્ડ્સ, 2011માં ફાસ્ટેસ્ટ સાડી ડ્રેપિંગ, બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ, 2011 કોકા કોલા અવૉર્ડ, 2015 સશક્ત નારી સન્માન જેવા સન્માનો મળી ચુક્યા છે. હવે તો ડૉલીની સાડી પહેરાવાની સ્પીડ એટલી છે કે તે ગણતરીની સેકંડોમાં આ કામ કરી લે છે. તેનું નામ લિમ્કા બુક ઑફ રેકોર્ડમાં પણ છે. જ્યાં પહેલીવાર 80 રીતે સાડી પહેરાવાની રેકોર્ડ બનાવ્યો હતો. બાદમાં તેમણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો અને 325 સ્ટાઈલમાં સાડી પહેરાવવાનો અને બાંધવાનો રેકોર્ડ બનાવ્યો. સાથે જ એક સાડી સાડા અઢાર સેકંડમાં પહેરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.

સબ્યસાચીથી લઈને મનીષ મલ્હોત્રા છે ક્લાયન્ટઃ આજે તે ફેશન ઈન્ડસ્ટ્રીના મોટા ડિઝાઈનર્સ જેવા કે સબ્યસાચીથી લઈને મનીષ મલહોત્રા તેના ક્લાયન્ટ્સ છે. બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓને ડૉલી જ સાડી કે લહેંગો પહેરાવે છે. સાડી પહેરાવવાને પોતાના પ્રોફેશન બનાવનારી ડૉલીનું કહેવું છે કે, આ કામને એવી છોકરીઓ પોતાનો વ્યવસાય બનાવી શકે છે જે વધારે ભણેલી ગણેલી નથી. કારણ કે જો તમે દસમું પાસ છો તો પણ ઘણું છે. કારણ કે આ કામમાં વધુ ભણેલા હોવાની જરૂર જ નથી. આ પ્રોફેશનના કારણે આજે ડૉલી પાસે એક મોટી ટીમ છે. ડૉલીની સાડી પહેરાવવાની ફી 35 હજારથી શરૂ થાય છે અને હાઈ પ્રોફાઈલ લગ્ન અને કાર્યક્રમોમાં તો તે લાખો સુધી જાય છે.

તો ચાલો જાણીએ ડૉલી આ પ્રોફેશનમાં આવી કઈ રીતે? ફેશન લાઈનમાં આવતા પહેલા ડૉલી એક સામાન્ય લાઈફસ્ટાઈલ જીવતી હતી. ડૉલીને ક્યારેય સાડી પહેરવી પસંદ નહોતી. તેણે પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘તેનો ઉછેર બેંગ્લોરમાં થયો છે અને તેને સાડી પહેરવી બિલકુલ પસંદ નહોતી પરંતુ તેના લગ્ન એક એવા ઘરમાં થયા જ્યા માત્ર સાડી પહેરવાની અનુમતિ હતી. જ્યારે ડૉલીને એ ખબર પડી તે તેના સાસરે માત્ર સાડી પહેરવાની જ છૂટ છે ત્યારે તે રડતી હતી. કારણ કે તેને સાડી પહેરવામાં કલાકો લાગતા હતા. પરંતુ કદાચ ડૉલીને એ વાતની ખબર નહોતી કે આ વસ્તુ તેની જિંદગી બદલી નાખશે અને એક દિવસ તે એટલી જાણીતી થઈ જશે કે અંબાણી પરિવારની મહિલાઓ પણ તેની કસ્ટમર બનશે.’

બસ ધીમે-ધીમે ડોલીએ સાડી પહેરવાનું શીખ્યું અને દરેક વાર એક નવી સ્ટાઈલમાં સાડી પહેરવા લાગી. પછી તે કોઈ ફંક્શનમાં જતી તો લોકો તેની સાડી પહેરવાની સ્ટાઈલના ખૂબ જ વખાણ કરતા, જેનાથી ડૉલીનો તેમાં રસ વધવા લાગ્યો અને બાદમાં તેણે આ વસ્તુને પોતાના વ્યવસાય તરીકે અપનાવી લીધી.

અને હવે જાણો કેમ થઈ પ્રોફેશનલ લાઈફમાં એન્ટ્રી: ડૉલીએ એક મેરેજ ફંક્શનમાં ભાગ લીધો હતો જ્યા તેણે ડિઝાઈનર સંદીપ ખોસલાના ડિઝાઈન કરેલા બ્રાઈડ્સ દુપટ્ટાને સ્ટાઈલ કરવાનું કામ કર્યું હતું. ડિઝાઈનર સંદીપને ડૉલીનું કામ પસંદ આવ્યું અને બસ પછી ડૉલીને પોતાની સાથે અનેક શોમાં લઈ જતા હતા. જો કે ડૉલીએ પ્રોફેશનલી કામ તો ડિઝાઈનર સંદીપ સાથે શરુ કર્યું પરંતુ તેને આ કામમાં આગળ વધવાની પ્રેરણા સ્વર્ગીય અભિનેત્રી શ્રીદેવીએ આપી. એક ઈવેન્ટમાં ડૉલી શ્રીદેવીને સાડી પહેરાવી રહી હતી. ત્યારે તેણે ડૉલીને સૂચન કર્યું કે તેણે આ વસ્તુને પોતાના કરિયર રૂપે પસંદ કરવી જોઈએ. જે બાદ ડૉલીએ પાછું વળીને નથી જોયું. 15 વર્ષની સતત મહેનત બાદ તેણે સફળતા મેળવી છે.

મહિલાઓ માટે પ્રેરણા છે ડૉલી જૈન: ડૉલી એ મહિલાઓ માટે પ્રેરણા સમાન છે જેઓ કહે છે કે, તેઓ વધુ ભણેલા નથી એટલે સારી નોકરી કે બિઝનેસ ન કરી શકે. તમારી અંદર રહેલું હુનર તમને આસમાની ઉંચાઈએ પહોંચાડી શકે છે. એટલે જ મહેનત કરો અને તમારા ટેલેન્ટને નિખારો.