યુવકને ઘરની બહાર થૂંકવું ભારે પડ્યું, દીવાલમાં લાગેલી ગ્રીલમાં ફસાઈ ગયું માથું, મોત

એક યુવકને ગુટખા ખાધા બાદ થૂંકવું ભારે પડ્યું હતું. યુવક ઘરની દીવાલ પર લાગેલી ગ્રીલ ઉપરથી ગુટખા ખાધા બાદ થૂંકવા ગયો હતો. જોકે, પગ લપસતા તેનું ગળું બે ગ્રીલની વચ્ચે આવી ગયું હતું. ઘટનાસ્થળે જ યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસે કહ્યું હતું કે યુવક પોતાના મિત્રોની સાથે પાર્ટી કરવા આવ્યો હતો. તે નશાની હાલતમાં હતો.

મધ્યપ્રદેશના બૈતુલમાં આ હચમચાવતી ઘટના બની છે. અહીંના ગોઠના વિસ્તારમાં એક મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ ઘરની સામે બાઇક પાર્ક કરીને થૂંકવા માટે આવ્યો હતો દારૂના નશાને કારણે તે બેલેન્સ રાખી શક્યો નહીં અને બાઉન્ડ્રી દીવાલ પર લાગેલી ગ્રીલમાં પડ્યો હતો. ગ્રીલની વચ્ચે ગળું ફસાઈ જતાં ગંભીર રીતે વાગ્યું હતું અને ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસના મતે, યુવક નશામાં હતો અને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.

બેલેન્સ ના રહેતા દીવાલમાં લાગેલી ગ્રીલ ફસાઈઃ કોતવાલી પોલીસ સ્ટેશનની હદમાં રહેતા ગોઠનાના યોગેશ ડોંગરે એલ્કેમ કંપનીમાં કામ કરતો હતો. તે રાત્રે મિત્રો સાથે પાર્ટી કરવા ગયો હતો. રાતના 12 વાગ્યાની આસપાસ તે એકલા જ બાઇકમાં પર ઘરે પરત આવ્યો હતો. ઘરની સામે બાઇક પાર્ક કરીને તે થૂંકવા માટે આવ્યો હતો. જોકે, નશામાં હોવાથી તે બેલેન્સ રાખી શક્યો નહીં. તેને ગળામાં અંદરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.

ફોન કર્યો ત્યારે ખબર પડીઃ મોડી રાત થઈ હોવા છતાં પતિ ઘરે ના આવતા પત્નીએ ફોન કર્યો હતો. ફોનની રિંગ ઘરની સામે જ વાગતા પત્ની દરવાજો ખોલીને બહાર આવી હતી. અહીંયા તેણે જોયું કે યોગશના ગળામાં ગ્રીલ ફસાયેલી હતી. પરિવાર તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો હતો. જોકે, હાજર ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.

એસડીઓપી નિતેશ પટેલે કહ્યું હતું કે ગ્રીલમાં ફસાવવાને કારણે યોગેશનું દમ ઘુંટવાથી મોત થયું હતું. પોલીસ આ કેસમાં તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે.