ગરીબ મજૂર પિતાનો સાહરો બની દીકરી, કહાની તમને વિચારવા કરી દેશે મજબૂર

ભરતપુર: આપણો સમાજ એક ઢાંચામાં ચાલે છે. જેમાં દીકરીઓ ઘરે કામ કરે છે અને દીકરાઓ બહારનું કામ સંભાળે છે. દીકરીઓ ઘરના કામ જેવા કે જમવાનું બનાવવું, વાસણ, સાફ સફાઈ, રસોઈ અને અભ્યાસમાં જ વ્યસ્ત રહે છે. તો દીકરા બજારનું કામ, સામાન લાવવો, વેચવો, ડ્રાઈવિંગ જેવા કામ કરે છે. પરંતુ જ્યારે પિતા પર ભાર આવે છે ત્યારે દીકરીઓ પણ ખભા મજબૂત કરીને સાથે ઉભી રહે છે. આવી જ એક દીકરીએ પોતાના ગરીબ મજૂર પિતાને સહારો આપવા માટે દૂધ વેચવા જેવું મુશ્કેલ કામ પસંદ કર્યું. તે મોટરસાયકલ પર કેન બાંધીને રોજ સવારે દૂધ વેચવા નીકળી જાય છે અને રોજ 90 લિટર દૂધ વેચની પાછી ફરે છે. દીકરીની મહેનતથી પરિવાર નભી રહ્યો છે. દીકરાની ફરજ નિભાવનાર આ દીકરીની કહાની તમને વિચારવા માટે મજબૂર કરી દેશે.

સપનાને સાકાર કરવા અને ઘર ચલાવવા માટે રોજ સવારે 4 વાગ્યે ઉઠીને 90 લિટર દૂધ કન્ટેરોમાં ભરીને, તેની બાઈક શહેર તરફ જાય છે. સૌ કોઈ વિચારે છે કે, દૂધ વેચવું તો છોકરાઓનું કામ છે. પરંતુ અહીં તો ચટ્ટાનથી પણ મજબૂત ઈરાદાઓવાળી છોકરી નીતૂ શર્મા કઠિન પરિસ્થિતિમાં પણ પોતાનું કામ શિદ્ધતથી કરી રહી છે.

રાજસ્થાનના ભરતપુર દામના ભંડોર ખુર્દમાં રહેતી 19 વર્ષિય નીતૂ શર્મા દેખાવમાં કોઈ સાધારણ છોકરી જેવી જ છે.પરંતુ તેની કહાની અસાધારણ અને પ્રેરિત કરનારી છે. નીતૂ ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે અને તેનું સપનું ટીચર બનવાનું છે પરંતુ તેના પિતા પાસે પૈસા નહોતા.

નીતૂના પિતા બનવારી લાલ એક મજૂર છે. તેમની પાસે એટલા પૈસા નહોતા કે તે પોતાની દીકરીને ભણાવી શકે. નીતૂને કહી દીધું કે આપણી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. એટલે તે ભણવાનો વિચાર છોડી દે અને ઘરના કામોમાં મદદ કરે. પરંતુ કહેવાય છે ને કે જો તમે સપના પુરા કરવાની જિદ કરો તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહીં શકે.

નીતૂએ નિર્ણય કર્યો કે તે આત્મનિર્ભર બનશે. તે પોતાનો અભ્યાસ નહીં રોક અને ટીચર બનવાનું સપનું પુરું કરશે. જે ગામમાં છોકરીઓને કાંઈ જ છૂટ નથી આપવામાં આવતી અથવા તો તેમને ઘરે બેસાડી દેવામાં આવે છે અથવા લગ્ન કરાવી દેવામાં આવે છે. ત્યાં નીતૂએ આર્થિક રૂપે સદ્ધર થવા માટે ગામમાંથી દૂધ એકઠું કરીને બાઈક પર શહેરમાં વેચવાનું કામ શરૂ કરી દીધું. જેમાં તેની મોટી બહેન તેની મદદ કરે છે. તેમના દિવસની શરૂઆત રોજ સવારે 4 વાગ્યે થાય છે. તેઓ ગામના અલગ અલગ ખેડૂત પરિવારમાંથી દૂધ ભેગું કરે છે અને તે કન્ટેનરમાં ભરી બાઈક પર લાદી બહેન સાથે 5 કિમી દૂર આવેલા શહેરમાં વેચવા જાય છે.

લગભગ 10 વાગ્યા સુધી દૂધ વેચ્યા બાદ નીતૂ પોતાના એક સંબંધીને ત્યા કપડા બદલીને 2 કલાક કમ્પ્યૂટર ક્લાસમાં જાય છે. ક્લાસ ખતમ થતા તે ગામ જાય છે. ગામ પહોંચીને અભ્યાસમાં લાગી જાય છે અને સાંજ થતા જ ફરી સવારની જેમ દૂધ લઈને શહેરમાં ચાલી જાય છે.

નીતૂના પરિવારમાં 5 બહેનો અને એક ભાઈ, જેમાંથી બે ના લગ્ન થઈ ચુક્યા છે, પિતા મિલમાં મજૂરી કરે છે પરંતુ તેમને ખૂબ જ ઓછા પૈસા મળે છે. જેથી બાકી બચેલા તમામ ભાઈ બહેનોની જવાબદારી આજે તે એકલી જ ઉઠાવે છે. નીતૂ દૂધ વેચીને મહિનાના 12 હજાર કમાઈ લે છે. સાથે જ ગામમાં તેની 10મા ધોરણમાં ભણતી નાની બહેન રાધાની પરચૂરણની દુકાન છે. જેનાથી થોડી મદદ મળે છે. નીતૂ કહે છે કે જ્યા સુધી તે પોતાની બે મોટી બહેનોના લગ્ન ન કરાવી લે અને પોતા ટીચર ન બની જાય ત્યાં સુધી દૂધ વેચવાનું નહીં છોડે.

નીતૂની મહેનત અને લગન જોઈને સ્થાનિક લોકો અને અખબાર પણ તેની મદદે આવ્યા. ખબર છપાયા બાદ લૂપિન સંસ્થાના સમાજસેવી સીતારામ ગુપ્તાએ નીતૂ શર્મા અને તેના પરિવારને બોલાવીને 15 હજારનો ચેક અને એક કમ્પ્યૂટર આપ્યું. સપના જોવા તો સૌ કોઈને હક છે. મુશ્કેલી ભુલીને આપણે પ્રયાસ કરવો જોઈએ. વિજેતા એ જ બને છે જે પૂરી શિદ્દત સાથે પોતાના સપનાને પૂરા કરવા માટે સમાજને પડકાર આપે છે. નીતૂએ રિવાજોથી ઉંધી જઈને પોતાની અલગ ઓળખ બનાવી છે. તે સફળતાની સાથે ઉત્સાહનું ઉદાહરણ બની ગઈ છે.