5 મિનિટ મોડું થતાં પરીક્ષામાં ન બેસવા દેવાઈ, યુવતી ગેટ પકડીને ભારે હૈયે પોક મૂકીને રડી

ગુજરાતથી રાજસ્થાન પરીક્ષા આપવા ગયેલી એક દીકરીને ખૂબ ખરાબ અનુભવ થયો હતો. એડમિટ કાર્ડ રસ્તામાં ખોવાઈ જતા અને બહેન પાસે બીજું મંગાવવામાં થોડીક વાર લાગી જતા યુવતીને પરીક્ષા હોલમાં એન્ટ્રી આપવામાં આવી નહોતી. યુવતીએ પરીક્ષા કેન્દ્રનો ગેટ પકડીને રડવા લાગી હતી. યુવતીને રડતાં જોઈને ભલભલા લોકો પીગળી ગયા હતા. જોકે આમ છતાં તેની એન્ટ્રી આપવામાં આવી નહોતી.

રાજસ્થાનની સૌથી મોટી પરીક્ષા REET (રાજસ્થાન એલિજિબિલિટી એક્ઝામિનેશન ઓફ ટીચર્સ)ની બે એક્ઝામ રવિવાર, 26 સપ્ટેમ્બરના રોજ યોજાઈ ગઈ હતી. પહેલી એક્ઝામ સવારે સાડા દસ વાગે શરૂ થઈ હતી. એક્ઝામ શરૂ થતાં જ વિવાદ થયો હતો. કેટલાંક વિદ્યાર્થીઓ એક્ઝામ સેન્ટર પર મોડા આવતા એન્ટ્રી મળી નહોતી.

અજમેરમાં ગુજરાતથી આવેલી મહિલાનું એડમિટ કાર્ડ રસ્તામાં પડી ગયું હતું. તે બહેન પાસે જઈને બીજું લઈ આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું જ મોડું થઈ ગયું હતું. તે રડવા લાગી હતી. મહિલાએ કહ્યું હતું કે તે ગુજરાતના દાહોદમાંથી આવે છે. તે બે વર્ષથી એક્ઝામની તૈયારી કરતી હતી. 5 મિનિટ મોડું થતાં તેને એન્ટ્રી આપવામાં આવી નહોતી.

ગુજરાતથી આવી, પણ એડમિટ કાર્ડ ખોવાયું ગયુંઃ દમયંતી તંવર એક દિવસ પહેલાં જ ગુજરાતના દાહોદથી અજમેર આવી હતી. નવ વાગ્યા પહેલાં તે અજમેરના સેન્ટ્રલ ગર્લ્સ સ્કૂલમાં આવી ગઈ હતી. એડમિટ કાર્ડ વગર પ્રવેશ મળ્યો નહોતો. તે બહેનના ઘરેથી બીજું એડમિટ કાર્ડ લઈ આવી હતી. તે 10 વાગે સેન્ટર પહોંચી હતી. સેન્ટરવાળાએ તેને અહીંથી તહીં ભટકાવી હતી. પછી તેને અંદર જવા દેવામાં આવી નહોતી. યુવતી ગેટ પકડીને રડવા લાગી હતી ત્યારે ભાવુક દ્રૃશ્યો સર્જાયા હતા.

અન્ય સ્પર્ધકો પણ ગેટ પર રડી પડ્યાઃ રાજસ્થાનના સીકરમાં એસ કે ગર્લ્સ કોલેજમાં ત્રણ યુવતીઓ આવી હતી, પરંતુ ગેટ બંધ હતો. ત્રણેયે હાથ જોડીને પોતાને અંદર જવા દેવાની ભીખ માગી હતી. તેઓ ગેટ પર રડવા લાગ્યા હતા. લોખંડના દરવાજે હાથ પછાડતી હતી. ખિરોડમાં રહેતી પ્રિયંકા, ઝુંઝુનૂંમાં રહેતા કવિતા તથા નવલગઢની પ્રિયંકાએ કહ્યું હતું કે સેન્ટર પર તેઓ 10 મિનિટ પહેલાં આવ્યા હતા. ગાર્ડે તેમને પાછળના દરવાજેથી આવવાનું કહ્યું હતું. પાછળ ગેટ પર ઊભેલા ગાર્ડે તેમને અંદર ના જવા દીધા. તેઓ આગળ આવ્યા તો ત્યાં પણ ગાર્ડે તેમને રોક્યા હતા.

સેન્ટર પર તમામ જ્વેલરી કઢાવી નખાઈઃ જયપુરમાં એક્ઝામ શરૂ થતાં પહેલાં સેન્ટર પર પગની રિંગ, ગળામાં પહેરેલા દોરા, વાળની ક્લિપ પણ કઢાવી નખાઈ હતી. હાથની બંગડીઓ પણ ઉતારી નખાવી હતી. સેન્ટર પર યુવતીઓના વાળ પણ ચેક કરવામાં આવ્યા હતા. ટી શર્ટમાં પહેરીને આવેલી યુવતીઓને અનેક સેન્ટરે અંદર જવા દીધી નહોતી અને લૂઝ કપડાંમાં આવવાની વાત કરી હતી. અનેક સેન્ટર પર કપડાં ચેન્જ કરવા માટેની જગ્યા પણ નહોતી.

બાળકોને દૂધ પીવડાવીને અંદર ગયાઃ નાના-નાના બાળકોને લઈ ઘણી મહિલાઓ એક્ઝામ સેન્ટર પર આવી હતી. મહિલાઓએ પરીક્ષા આપતા પહેલાં બાળકોને દૂધ પીવડાવ્યું હતું. પછી માતા કે પતિને બાળક આપીને અંદર ગઈ હતી. અનેક સેન્ટરમાં બાળકો રડતાં જોવા મળ્યા હતા. પરીક્ષા પૂરી થયા બાદ માતાએ પોતાના બાળકને સંભાળ્યું હતું.

ઘણાં સેન્ટરમાં લાંબી સ્લીવને કાપી નાખવામાં આવી હતી, વાળમાંથી ક્લિક પણ કાઢી નાખવામાં આવી હતી. હાથમાંથી બંગડી, કાનમાં બુટ્ટી તથા મંગળસૂત્ર પણ ઉતારી દેવામાં આવ્યું હતું.