મંડપમાં ફેરા ફરે તે પહેલાં જ વરરાજાએ તોડી નાખ્યા લગ્ન, સાળાની પત્ની સાથે ફર્યાં ફેરા

સીકરઃ રાજસ્થાનના સીકર જીલ્લામાં એક વરરાજાએ દહેજમાં ગાડી ના મળવાને કારણે ગુસ્સામાં લગ્ન કર્યા વગર જ પરત ફરવાનો નિર્ણય લીધો હતો. દુલ્હનના પરિવારજનોએ તેનો વિરોધ કર્યો અને યુવક તથા તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માગ કરી. જોકે પોલીસે કોઈ કાર્યવાહી ના કરતા દુલ્હનના પરિવારજનોએ પોલીસ સ્ટેશન સામે ધરણાં દીધા હતા. આ મામલો વધતા સીકર લોકસભા ક્ષેત્રના સાંસદ સુમેધાનંદ સરસ્વતીએ દખલગીરી કરવી પડી હતી.

4 દિવસ અગાઉ સીકર જીલ્લાના તારપુરા ગ્રામ પંચાયતમાં સુરજારામ રામ જાંગિડની દીકરી સુભીતા સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્ન સમયે ફેરા પહેલા યુવકે કારની માગ કરી હતી. જે આપવાનો સુભિતાના પરિવારજનોએ ઈન્કાર કર્યો હતો. જે પછી યુવક અજય જાન લઈ પરત ફર્યો હતો. આટલે ના અટકતા અજયે સુભીતાના ભાઈની મંગેતર સાથે લગ્ન કરી લીધા હતા. જેના કારણે વિવાદ ઘણો વધ્યો હતો.

સુભીતાના ભાઈ પંકજના લગ્ન બજાવા ગામની કંચન સાથે નક્કી થયા હતા અને તેમના અમુક સમયમાં લગ્ન થવાના જ હતા. પરંતુ સુભીતા સાથે સંબંધ તૂટ્યા બાદ અજયે કંચન સાથે લગ્ન કર્યા હતા. હવે તે કંચનના જ 2 ભાઈ વીરેન્દ્ર તથા જીતેન્દ્ર અજયની બે બહેનો પ્રિયાંશુ તથા કિસ્મત સાથે લગ્ન કરશે.

આ દરમિયાન સુભીતાના પરિવારજનો તથા ગામવાસીઓ અજયની ધરપકડની માંગ પર અડગ છે. પોલીસ દ્વારા કાર્યવાહી ના કરાતા પીડિતા અને તેના પરિવારે દાદિયા પોલીસ સ્ટેશન બહાર ધરણાં કર્યા હતા.

ભાજપના ઉપ જીલ્લા પ્રમુખ તારાચંદ ઘાયલ તથા જીલ્લા પરિષદ સભ્ય પ્રતિનિધિ કાનારામ જાટ પણ ધરણામાં જોડાયા હતા. જેમને પોલીસે હટાવી દીધા હતા. આ સાથે જ ધરણાં માટે લગાવેલા ટેન્ટ ઉખાડી દીધા હતા. આ ઉપરાંત ધરણાં પર બેસનાર 9 લોકોની શાંતિભંગના આરોપમાં ધરપકડ કરી હતી.

સૂચના મળતા સીકર લોકસભા ક્ષેત્રના સાંસદ સુમેધાનંદ સરસ્વતી ઘટના સ્થળે પહોંચ્યા અને ડીએસપી રાજેશ આર્ય સાથે વાત કરી આ મામલે નિષ્પક્ષ તપાસના આદેશ આપ્યા હતા.

ધરણા પર બેસનાર લોકો સાથે પોલીસના વર્તન પર સાંસદે ટીકા કરી હતી અને તેને ખરાબ ઘટના ગણાવી હતી. તેમણે ન્યાય ના મળે ત્યાંસુધી ધરણાં કરવાની વાતને યોગ્ય ગણાવી હતી.