ગુજરાતના ડોક્ટર દંપત્તિએ બનાવ્યું અનોખું ઘર અને હોસ્પિટલ, જુઓ અંદરની તસવીરો

સંપત્તિ, સંતતિ અને સંતાન પ્રાપ્તિ પરમાત્મા આધીન મળે છે જ્યારે શાંતિ સાથે સંતોષની લાગણી પ્રાપ્ત કરવા સ્વાધીન બનવું પડે છે અને તેના માટે સદકાર્યો કરવા જરૂરી છે આવીજ કંઈ વાતમાં વિશ્વાસ રાખતા ઐતિહાસિક શહેર અંજારમાં વસતા ડો. હિતેશ ઠકકર દર્દીઓ સાથે આત્મીયતા કેળવી કાળજીપૂર્વક સારવાર કરીને આત્મસંતોષ કેળવે છે તો ઘરમાં ડો. યમિનિબહેને શાંતિના કાયમી વાસ માટે કુદરતી સૌંદર્ય દ્વારા ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરી છે.

અંજારના મુદ્રા રોડ પર નાની નાગલપર સીમમાં આવેલી સાંઈ હોસ્પિટલ ખાતે નીચેના ફ્લોર પર દર્દીઓની સેવા સાથે રાહતદરે સારવાર કરવામાં આવે છે. જ્યારે ઉપરના બીજા માળે જતાજ શહેરમાંથી સીધાંજ કોઈ ગ્રામીણ કક્ષમાં પહોંચી આવ્યા હોય એવી અનુભૂતિ થાય છે. વીશાળ ઘરના દરેક રૂમમાં વિવિધ એન્ટિક વસ્તુઓ ગોઠવી સજાવેલી વસ્તુઓથી મન પ્રફુલ્લિત થઈ ઉઠે, નાના મોટા ફૂલ ઝાડના રોપા અને આસપાસ લહેરાતા વૃક્ષો જોતા કુદરતી વાતાવરણ સાથે ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થતા હોય એવું લાગે.

નીચે ટાઇલ્સના સ્થાને ગાય ભેંસના છાણ દ્વારા કરવામાં આવેલા લીપણ , જૂની ઘરેડની બેઠક વ્યવસ્થા દીવાલોમાં લગાવેલા એન્ટિક શો પીસ અને હવાબારીમાંથી આવતી કુદરતી શીતળ હવા મનમાં ઠંડક લાવી દે છે. તો છાણથીજ બનાવેલા હવન કુંડમાં છાણા અને કપુરના ધૂપની સુવાસ સમગ્ર ઘરના વાતાવરણમાં શુદ્ધ પ્રાણવાયુ પુરાઈ રહ્યો હોય એવું તેમાંથી નીકળતી સુવાસ પરથી લાગે, બેડરૂમથી લઈ બેઠકરૂમ સહિતના રૂમ અંદરથી છાણથી લીપણ થયેલા છે.

રસોડામાં તાંબા અને માટીના વાસણ તથા જુનવાણી ભાતનો હાથ બનાવટનો ચૂલો ભાતીગળ સભ્યતા દર્શાવતી નજરે પડે. વળી ચારે તરફ પથરાયેલી વેલ, ઝાડ ફુલના સુંદર છોડ, નાના રંગબેરંગી પંખીઓનો મધુર ક્લરવ આનંદની પ્રતીતિ કરાવી જાય. સઘળું ઘર નિહાળ્યા બાદ જુના જમાનાના કોઈ શ્રીમંત પરિવારમાં પહોંચ્યા હોય એવું ફિલ થાય એ માટે ઠકકર દંપતી અને તેમના બાળકોએ એક સંપ સાથે પોતાનું યોગદાન આપી અદભુત રીતે ઘરને અંદરથી સજાવ્યું છે .

આ વિશે સેવાભાવી અને સદગીના હિમાયતી ડો. હિરેનભાઈ ઠકકર સાથે વાત કરતા જણાવ્યું કે ધરતીનો છેડો ઘર એટલે બહાર સુંદરતાની સોધમ ફરવા જવા કરતા ઘરનેજ સાદગી અને સુંદર રીતે બનાવવા જુનવાણી વસ્તુ અને જૂની સંસ્કૃતિ અનુરુપ બનાવવાની શરૂઆત કરી.

તેમાં પત્ની યામિનીબેહેનનો પણ પૂરતો સાથ સહકાર મળ્યો અને તેમણેજ ગ્રામીણ ઘરની કલ્પનાને વાસ્તવિકતામાં ફેરવી અને આજે 10 વર્ષ ઉપર થઈ ગયા પછી આજે પણ ઘરની શોભામાં સતત અભિવૃદ્ધિ થઈ રહી છે. સદગીસભર જીવનશૈલી અમને શાંતિનો અનુભવ કરાવે છે.