કિંગ ખાન શાહરુખના સાસુમા વિવાદોમાં આવ્યા, ફાર્મહાઉસને લઈને કોર્ટે 3 કરોડનો દંડ ફટકાર્યો

મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂપ ખાનના સાસુમા સવિતા છિબ્બરની કંપનીના ફાર્મ હાઉસને ત્રણ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. શાહરૂખ ખાનની સાસુ સવિતા અને તેમની સાળી નમિતા છિબ્બર ડેજા વૂ ફાર્મ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર છે. એક આલિશાન બંગલાની સાથે આ ફાર્મહાઉસ થાલના અલીબાગમાં છે. સવિતા તથા નમિતા છિબ્બર પર બોમ્બે ટેનેંસી એક્ટના ઉલ્લંઘન બાબતે આરોપ લગાવવામાં આવ્યો છે.

વર્ષ 2008માં બનેલા આ બંગલામાં અત્યાર સુધી અનેક પાર્ટીઓ આપવામાં આવી છે, જેમાં શાહરૂખ ખાનના 52મી બર્થ ડે પાર્ટી પણ સામેલ છે. 1.3 હેક્ટરમાં ફેલાયેલા આ ફાર્મહાઉસમાં એક સ્વિમિંગ પૂલ અને હેલીપેડ પણ છે.

મુંબઇ મિરરના એક રિપોર્ટ પ્રમાણે ફાર્મ હાઉસને 29 જાન્યુઆરી 2018ના રોજ ક્લેક્ટર વિજય સૂર્યવંશી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસમાં લખ્યું હતું કે પ્લોટ ખરીદ્યા બાદ એ સમયના એડિશનલ ક્લેક્ટર રાયગઢે 13 મે 2005ના રોજ પ્લોટ પર ખેતીવાડી કરવાની મંજૂરી આપી હતી.

નોટિસમાં વધુ કહેવામાં આવ્યું હતું કે મૂળ ફાર્મહાઉસને તોડી તેની જગ્યાએ નવું ફાર્મહાઉસ બનાવવામાં આવ્યું છે, જે બોમ્બે ટેનેંસી એક્ટના સેક્શન 63નું ઉલ્લંઘન છે. ફાર્મહાઉસના ડિરેક્ટર્સને સુનાવણી માટે સમન્સ મોકલવામાં આવ્યું હતું અને તેમને પૂછવામાં આવ્યું હતું કે તેમની સામે કાર્યવાહી કેમ ના કરવામાં આવે? થોડી સુનાવણી બાદ 20 ફેબ્રુઆરી 2020ના રોજ ફરી એક ઓર્ડર આપવામાં આવ્યો, જેમાં ઉલ્લંઘનની વાત કરવામાં આવી અને 3 કરોડ 9 લાખ રૂપિયા પેનલ્ટી તરીકે જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

સુપરસ્ટાર શાહરૂખ ખાનનું સમગ્ર મામલે કોઇ નિવેદન આ લખાય છે, ત્યાં સુધી આવ્યું નથી. શાહરૂખ ખાન છેલ્લા કેટલાક સમયથી મોટા પડદાંથી દૂર છે અને પડદા પાછળ રહી તે ફિલ્મ્સ પ્રોડ્યૂસ કરી રહ્યો છે. વર્ષ 2018માં શાહરુખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ રિલીઝ થઈ હતી, જે સુપરફ્લોપ ગઈ હતી. ત્યારબાદથી તેણે એક પણ ફિલ્મ સાઈન કરી નથી.

વર્ષ 2019માં શાહરૂખ ખાનની કોઇ પણ ફિલ્મ રીલિઝ થઇ નથી અને હવે ફેન્સ તેના આગામી પ્રોજેક્ટને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. માનવામાં આવે છે કે શાહરુખ ખાન ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મમાં કામ કરી રહ્યો છે.