લૉકડાઉનને કારણે ‘રામાયણ’ના સુગ્રીવની અસ્થિઓનું નથી થઈ શક્યું વિસર્જન, જોવે છે મુક્તિની રાહ

કાલકા, હરિયાણાઃ દેશમાં 80ના દાયકામાં દર્શકોના દિલ પર રાજ કરનારી પૌરાણિક સીરિયલ ‘રામાયણ’ હાલમાં બીજીવાર દૂરદર્શન પર આવે છે. આ સીરિયલમાં સુગ્રીવ તથા બાલીનું પાત્ર ભજવનાર શ્યામ સુંદર કાલાની હવે આપણી વચ્ચે નથી. તેમના અંતિમ સંસ્કાર બાદ તેમની અસ્થિઓ કેટલાંય દિવસથી એક પોટલીમાં બંધ છે. અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું નથી. લોકડાઉનને કારણે આમ થયું છે. 80 વર્ષીય સ્યામ સુંદરે સવારે સાડા ચાર વાગે રામચરિત માનસનું પઠન કરતાં સમયે અંતિમ શ્વાસ લીધા હતાં. તેમને ડાયાબિટીઝ હતો.

પત્ની સાથે રહે છે અહીંયાઃ વાનરરાજ સુગ્રીવની ભૂમિકા ભજવનાર કાલાણી પત્ની પ્રિયા સાથે હરિયાણાના કાલકામાં હાઉસિંગ બોર્ડ કોલોનીમાં છેલ્લાં 20 વર્ષથી રહે છે. તેમના આકસ્મિક નિધન પર સીરિયલમાં રામનું પાત્ર ભજવાનાર અરુણ ગોવિલ તથા લક્ષ્મણ બનનાર સુનીલ લહરીએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

શ્યામ સુંદરે ‘રામાયણ’થી જ એક્ટિંગની શરૂઆત કરી હતી. આ સમયે તેમના પત્ની પ્રિયા મુંબઈ નગર નિગમમમાં એસઓડી હતાં. પ્રિયા નિવૃત્ત થતા તેઓ કાલકા આવીને રહેવા લાગ્યાં. પત્ની પ્રિયાએ કહ્યું હતું કે શુક્રવારે 26 માર્ચના રોજ સવારે સાડા ચાર વાગે તેઓ રામ ચરિત માનસનું પઠન કરતાં હતાં અને અચાનક જ તેમનું નિધન થયું હતું. તેઓ 80 વર્ષના હતાં અને લાંબા સમયથી ડાયાબિટીઝથી પીડાતા હતાં. લોકડાઉનને કારણે હજી સુધી તેમની અસ્થિઓનું વિસર્જન થઈ શક્યું નથી.

પત્નીએ કહ્યું, આ સારું કામ થયું
પ્રિયાએ કહ્યું હતું કે 1987માં જ્યારે ટીવી પર ‘રામાયણ’ સીરિયલ શરૂ થતી તો લોકો ટીવી આગળ અગરબત્તી પ્રગટાવીને બેસી જતા હતાં અને કલાકારોને ભગવાન તરીકે જોતા હતાં. રસ્તઓ સૂમસામ બની જતાં, એમ લાગતું કે કર્ફ્યૂ છે. આ સમયે કોરોનાના પર કાબૂ મેળવવા માટે સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું, જે યોગ્ય છે. આ સીરિયલ બીજીવાર ટેલિકાસ્ટ કરીને સારું કામ કર્યું હતું. આજે પણ લોકો તમામ કામકાજ છોડીને ઘરમાં ટીવી આગળ બેસી જાય છે.