એક ભક્તે રામલલ્લાને દાન કરી બે કિલો ચાંદીની એક ઈંટ, હજુ 33 ઈંટો આપવાનું કર્યું વચન

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના થયા બાદ બુધવારે દ્રવ્યનાં રૂપમાં રામલલ્લાને સૌથી મોટું દાન આપવામાં આવ્યુ હતુ. હૈદરાબાદના એક ભક્તે બે કિલોગ્રામ વજનની ચાંદીની ઇંટ દાન કરી. તેની કિંમત આશરે 1.63 લાખ રૂપિયા છે. આ સાથે જ તેમણે વચન આપ્યું હતું કે જલ્દી તે રામલલ્લાને આવી જ 33 ચાંદીની અને પાંચ કિલોની એક સોનાની ઇંટ દાન કરશે. ટ્રસ્ટે દાન સ્વીકાર્યું છે અને તિજોરીમાં ચાંદીના દાન તરીકે મળી આવેલી ઈંટ રાખી છે.

બુધવારે જીલ્લા અધિકારી કાર્યાલયમાં હૈદરાબાદના મણિકુંડથી આવેલા ચલ્લા શ્રીનિવાસ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારી ટ્રસ્ટી અને ડીએમ અનુજકુમાર ઝાને મળ્યા હતા અને દાન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પછી, જિલ્લામાં હાજર ટ્રસ્ટીઓ બિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા અને ડો.અનિલ મિશ્રાને સાંજે 6 વાગ્યે કલેક્ટર કચેરીમાં બોલાવાયા હતા. પત્રકારોની હાજરીમાં ચલ્લા શ્રીનિવાસે રામલલ્લાને બે કિલો ચાંદીની ઇંટ આપવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.

વહીવટી તંત્રે આ ઈંટની તપાસ કરી અને તેનું વજન કરાવ્યું હતુ. તેમજ ડીએમ સહિત ત્રણ ટ્રસ્ટીઓએ તેમને ટ્રસ્ટ તરફથી દાન સ્વીકાર કરવાનો પત્ર પણ આપ્યો હતો. ડીએમ અનુજકુમાર ઝાએ જણાવ્યું કે ઈંટની કિંમત લગભગ 1.63 લાખ રૂપિયા છે. તેમણે માહિતી આપી હતી કે હવે વહીવટી ટ્રસ્ટના બેંક ખાતા નંબર અને એપ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

તેલંગાણાની ઈંટ પર બિરાજમાન થાય રામલલ્લા: ચલ્લા
રામમંદિર ટ્રસ્ટને ચાંદીની ઈંટ ભેટ કરાનારા ચલ્લા શ્રી નિવાસે કહ્યુકે, તેઓ રામચંદ્રજીના પરમભક્ત છે. વર્ષોથી સંકલ્પ લીધો હતોકે, જ્યારે રામમંદિક બનશે તો જનતાનો સહયોગ લઈને ગર્ભગૃહ માટે ઈંટનું દાન કરશે. આ ઈંટ તેલંગાણા રાજ્યની જનતા પાસેથી એકત્ર કરાયેલાં ધનથી તૈયાર કરવામાં આવી છે. તેમનો પુત્ર એક ટ્રસ્ટ ચલાવે છે.

જેના દ્વારા લોકો પાસેથી તે સહયોગ માંગે છે. તેલંગાણામાં કુલ 34 જીલ્લા છે, દરેક જીલ્લામાંથી એક ચાંદીની ઈંટ ભેટ આપવામાં આવશે. સાથે જ એક અલગ પાંચ કિલો સોનાની ઈંટ પણ દાનમાં આપશે. તેલંગાણા રાજ્યનાં લોકોની ઈચ્છા છેકે, જ્યારે રામલલ્લાનું ગર્ભગૃહ બને તો તેમાં આ ઈંટોનો પ્રયોગ થાય.