સુરતની 17 વર્ષની હેત્વી સંસારની મોહમાયા છોડીને સંસારનો ત્યાગ કરશે

છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાં જૈન સમાજના ઘણાં લોકો સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરતાં હોય છે ત્યારે સુરતમાં 17 વર્ષની હેત્વી શેઠ 24મી ફેબ્રુઆરીના રોજ દીક્ષા લઈને સંસારનો ત્યાગ કરશે અને પ્રવજ્યા પંથે જશે. હેત્વીના નાનાએ જણાવ્યું હતું કે, 16મી તારીખે હું અને પરિવારજનો સુરતમાં હેત્વીનો વિદાય સમારંભ યોજીશું. આ અવસરને લઈને ઘરમાં હાલ ખુશીનો માહોલ છે.

મહાસુદ-12 ને 24 ફેબ્રુઆરીએ મુંબઈમાં રહેતી 17 વર્ષની હેત્વી શેઠ દીક્ષા લેશે. હેત્વી મૂળ સુરતની વતની છે. હેત્વી દીક્ષા લઈને સંસારનો ત્યાગ કરશે. હેત્વી જયાનંદ સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં રાજસ્થાનના આહોર નગરમાં બીજા ચાર મુમુક્ષુઓની સાથે દીક્ષા ગ્રહણ કરશે. હેત્વીના પિતા મિલનભાઈ શેઠ મૂળ બનાસકાંઠાના થરાદના વતની છે અને વર્ષોથી સુરત રહે છે.

હેત્વીના પિતા હાલ મુંબઈમાં ડાયમંડના બિઝનેસ સાથે જોડાયેલા છે. હેત્વીએ માત્ર ને માત્ર આઠ વર્ષની ઉંમરે જ ઉપધાન તપ કર્યાં હતાં. તેણે ગુરુકુલમાં વ્યવહારિક ધોરણ નવ સુધી અભ્યાસ કર્યો છે. ગુરુકુલમાં અને પરિવારના સભ્યોના સંસ્કારને કારણે હેત્વીએ ફ્લેટ, ફન અને ફોન છોડીને સંસારનો ત્યાગ કરવાનું નિર્ણય કર્યો છે. હેત્વી દરરોજ ચોવિહાર તથા સામાયિક પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ ચાલુ કરી હતી.

હેત્વી જેમ જેમ આ બધું કરતી ગઈ તેમ તેમ તેને સંસારનો મોહ ઓછો થતો ગયો. ત્યાર બાદ માતા-પિતાએ સાધ્વી મુક્તિ પ્રજ્ઞાજી પાસે અભ્યાસ માટે મોકલી હતી. હેત્વીએ અહીં જ રહીને વિહાર કરવાનું, સંથારા પર સુઈ રહેવાનું ચાલુ કર્યું હતું. ધીમે ધીમે પ્રતિક્રમણ કરવાનું શરૂ કર્યું અને ત્રણ ભાષ્ય, 6 કર્મગ્રંથ, વિતરાગ સ્તોત્ર, વૈરાગ્યશતક અને યોગસારનો અભ્યાસ કર્યો. હેત્વીની ખુશી જોતાં જ પરિવારજનોએ દીક્ષા લેવાની પરવાનગી આપી હતી. પિતા પણ છેલ્લા બે વર્ષથી બિઝનેસ બંધ કરીને પ્રભુભક્તિમાં લીન થઈ ગયા છે.