બાઘાની બિલ્ડિંગમાં કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ આવતાં ફફડાટ, બિલ્ડિંગ કરાઈ સીલ

મુંબઈઃ કોરોનાનો કહેર દિવસે દિવસે વધતો જાય છે. દેશભરમાં 14 એપ્રિલ સુધીની લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. એમ પણ માનવમાં આવે છે કે લૉકડાઉન આગળ વધી શકે છે. ઓરિસ્સા સરકારે 30 એપ્રિલ સુધીનું લૉકડાઉન જાહેર કર્યું છે. મુંબઈમાં કોરોનાના કેસ વધતા જાય છે અને જે બિલ્ડિંગમાં કોરોનાના કેસ આવે તેને ક્વોરન્ટીન કરવામાં આવે છે અને સીલ મારી દેવામાં આવે છે. હાલમાં જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના બાઘા એટલે કે તન્મય વેકેરિયાની બિલ્ડિંગ સીલ મારવામાં આવી હતી. અહીંયા ત્રણ કેસ પોઝિટિવ આવ્યા હતાં.

ત્રણ કેસ પોઝિટિવઃ RealGujarat.in સાથેની વાતચીતમાં તન્મય વેકેરિયાએ કહ્યું હતું, મારા ફ્લેટની બાજુની વિંગમાં કોરોનાના ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે. પહેલો કેસ મંગળવાર (સાત એપ્રિલ) અને બીજા બે કેસ ગુરુવાર (નવ એપ્રિલ)ના રોજ આવ્યા હતાં. ત્રણ કેસ આવતા મુંબઈ કોર્પોરેશને બિલ્ડિંગ સીલ કરી દીધી હતી.

પોલીસ મદદ કરે છેઃ વધુમાં બાઘાએ કહ્યું હતું, બિલ્ડિંગની બહાર પોલીસ મૂકી દેવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ બિલ્ડિંગમાંથી બહાર જઈ શકતો નથી અને બહારની એક પણ વ્યક્તિ અંદર આવી શકતી નથી. કોઈ પણ જાતની વસ્તુ જોઈતી હોય તો કોર્પોરેશન તથા પોલીસ મદદ કરે છે. હાલમાં કોઈ પણ જાતની અગવડ પડતી નથી. કોર્પોરેશન તથા પોલીસ તમામ રીતે સહયોગ આપી રહી છે. બાઘો મુંબઈના કાંદીવલી વેસ્ટમાં આવેલી રાજ આર્કેડ બિલ્ડિંગમાં રહે છે.

ત્રણ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી નથી
સૂત્રોના મતે, બાઘાના બિલ્ડિંગમાં જે ત્રણ કોરોનાના દર્દીઓ આવ્યા તેમની કોઈ જાતની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. માનવામાં આવે છે કે આ કમ્યુનિટી ટ્રાન્સમિશનના કેસ છે. આ ત્રણેય દર્દીઓને અંધેરીની સેવન હિલ્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

આ પહેલાં અંકિતા લોખંડેનું બિલ્ડિંગ સીલ કર્યું: ઉલ્લેખનીય છે કે આ પહેલાં અંકિતા લોખંડેનું બિલ્ડિંગ સીલ કર્યું હતું. આ ફ્લેટમાં એક વ્યક્તિ સ્પેનથી પરત ફરી હતી અને તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ફ્લેટમાં અંકિતા ઉપરાંત શિવિન નારંગ, સાક્ષી તન્વર, અશિતા ધવન જેવા સેલેબ્સ રહે છે.