નીતા અંબાણીથી લઈને પ્રિયંકા ચોપરા સુધી તમામ સેલેબ્સને સાડી પહેરાવે છે આ મહિલા

મુંબઈઃ બોલિવૂડની અભિનેત્રીઓને તો તમે અલગ-અલગ સ્ટાઇલમાં સાડી પહેરેલી જોઇ જ હશે, ક્યારેક કોઇના અવોર્ડ ફંક્શનમાં તો ક્યારેક કોઇનાં ભવ્ય લગ્નમાં. પરંતુ શું તમે જાણો છો કે, આ પ્રકારના સમારંભો માટે આ અભિનેત્રીઓ સાડી જાતે નથી પહેરતી. શું તમને ખબર છે કે, નીતા અંબાણી, પ્રિયંકા ચોપરા, શ્રીદેવી જેવી મોટી એક્ટ્રેસિસને સાડી પહેરાવનાર મહિલા કોણ છે? આ મહિલાનું નામ છે ડૉલી જૈન.

બેંગાલુરુમાં ભણેલી અને મોટી થયેલ ડૉલી હંમેશાં જીન્સમાં જ મોટી થઈ પરંતુ લગ્ન બાદ તેને ખબર પડી કે, તેણે સાસરે તો માત્ર સાડી જ પહેરવી પડે છે. એટલે મજબૂરીમાં સાડી પહેરવાની શરૂઆત કરી અને પછી એ તેનું પ્રોફેશન બની ગયું.

ડૉલીએ બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું હતું, શરૂઆતમાં મેં વિચાર્યું કે જો, મારે આ જ પહેરવાનું હોય તો મારે તેને સ્ટાઇલ પણ કરવી જોઇએ અને પછી મેં સાડીને અલગ-અલગ સ્ટાઇલમાં પહેરવાનું શરૂ કર્યું. આજે વિચારું છું તો એમજ થાય છે કે, સારું થયું કે, મારાં સાસરિયાંએ મને ઘરે બીજું કંઈ પહેરવાની મંજૂરી ના આપી, કારણકે આજે જે પણ છું તે આના કારણે જ છું.

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, ડૉલીનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયેલ છે. પહેલીવાર તેણે 80 પ્રકારની સાડી પહેરીને રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ તેણે પોતાનો જ રેકોર્ડ તોડી 325 પ્રકારની સાડી પહેરાવવાનો રેકોર્ડ બનાવ્યો અને સાડીને માત્ર સાડા 18 સેકન્ડમાં જ પહેરવાનો રેકોર્ડ પણ બનાવ્યો.

આજે બોલિવૂડની મોટાભાગની અભિનેત્રીઓની પહેલી પસંદ ડૉલી જૈન છે. ડૉલી નીતા અંબાણીથી લઈને ઈશા અંબાણી અને પ્રિયંકા ચોપરા સુધી સૌને સાડી પહેરાવી ચૂકી છે. ડૉલી શ્રીદેવીને પણ સાડી પહેરાવતી હતી. આજે ડૉલી સબ્યાસાચીથી લઈને મનીષ મલ્હોત્રા જેવા મોટા ડિઝાઇનર્સના ગ્રાહકોને સાડી પહેરાવે છે. ડૉલીની સાડી પહેરાવવાની ફી 25 હજારથી શરૂ થાય છે અને હાઇ પ્રોફાઇલ લગ્નો અને કાર્યક્રમો માટે આ ફી લાખો રૂપિયા સુધી પહોંચી જાય છે.